Uttar Pradesh,તા.22
ઉતર પ્રદેશના મેરઠમાં 4 વર્ષની એક બાળકીએ 74 વર્ષીય પિતાને મુખાગ્નિ આપી હતી. નાની બાળકી પૂછી રહી હતી કે, પપ્પાને શું થયું છે, તે કઈ જતા રહ્યા છે. આ સવાલનો જવાબ આપવાની કોઈનામાં હિમ્મત ન હતી. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર રહેલ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. હક્કિતમાં બાળકીનો જન્મ ટેસ્ટ ટ્યુબ પદ્ધતિ દ્વારા થયો છે.
આ સમગ્ર ઘટના મેરઠના શાસ્ત્રી નગરની છે, ત્યાંના રહેવાસી 74 વર્ષીય દેવેન્દ્ર ત્યાગી કે જેઓ સેલ્સ ટેક્સ વિભાગમાંથી નિવૃત થયેલા હતા. થોડા વર્ષ પહેલાં તેમના જીવનમાં એવી ઘટના ઘટી કે, એક જ ઝટકામાં બધું જ બરબાદ થઈ ગયું. ઓછા સમયમાં તેમનો હસતો પરિવાર એક ઝટકામાં ખતમ થઇ ગયો. થોડા સમય બાદ તેમના ઘરે ટેસ્ટ ટ્યુબ પદ્ધતિ દ્વારા બાળકી જન્મી હતી. પરંતુ તેના ચાર વર્ષ બાદ હવે દેવેન્દ્ર ત્યાગીનું અવસાન થઇ ગયું છે.
દીકરો અને દીકરી બન્ને મૃત્યુ પામ્યા
હકીકતમાં દેવેન્દ્ર ત્યાગીને સંતાનમાં એક છોકરો અને છોકરી હતા. બંનેના લગ્ન થઇ ગયા હતા. પરંતુ વર્ષ 2018માં તેના પુત્રનું બ્રેઈન હેમરેજને કારણે 36 વર્ષની વયે મૃત્યુ થયું હતું. તેના એક મહિના બાદ તેની પરણિત દીકરી પ્રાચી પણ મૃત્યુ પામી હતી. બંને પોતાની પાછળ બે નાના બાળકો છોડી ગયા હતા. પરંતુ નિયતિએ દેવેન્દ્રને પાછો બીજો ઝટકો આપ્યો. સંકટના આ સમયમાં દેવેન્દ્રના જમાઈ અને પુત્રવધૂએ તેમનાથી અંતર રાખવા માંડ્યા. અને જમાઈ અને પુત્રવધૂએ અલગ-અલગ લગ્ન કરી લીધા. તેઓ તેમના બાળકો સાથે અલગ રહેવા લાગ્યા. આ સ્થિતિમાં દેવેન્દ્ર અને તેની પત્ની મધુ (66) એકલા રહેવા માટે મજબૂર થઇ ગાય હતા. અને ત્યારબાદ તેઓ એકલતાનું જીવન જીવી રહ્યા હતા.
દેવેન્દ્ર ત્યાગી તેમના પુત્ર અને પુત્રીના મૃત્યુથી અંદરથી ભાંગી ગયા હતા. સંતાનોના મૃત્યુ બાદ ઉંમરના આ તબક્કે દેવેન્દ્ર અને તેની પત્ની મધુ પાસે કોઈ વિકલ્પ બચ્યો ન હતો. આ સ્થિતિમાં, બંનેએ નક્કી કર્યું કે તેઓ તેમના વંશને ચાલુ રાખવા માટે ટેસ્ટ ટ્યુબ પદ્ધતિનો સહારો લેશે.
2020માં 70 વર્ષની ઉંમરે દેવેન્દ્ર અને તેમની પત્ની મધુએ ટેસ્ટ ટ્યુબ પદ્ધતિ દ્વારા એક પુત્રીને જન્મ આપ્યો. જે અત્યારે 4 વર્ષની છે. પરંતુ ગઈકાલે દેવેન્દ્ર ત્યાગીનું પણ નિધન થયું હતું. હવે પરિવારમાં માત્ર તેમની પત્ની મધુ અને ચાર વર્ષની બાળકી સિવાય બીજું કોઈ રહ્યું નથી. આથી તેમની ચાર વર્ષની દીકરીએ પોતાના 74 વર્ષના પિતાની ચિતાને મુખાગ્નિ આપ્યો હતો.