America,તા,25
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર આ વર્ષે બે વખત જીવલેણ હુમલા થઈ ચૂક્યા છે. જોકે, તેવો માંડ-માંડ બચી ગયા છે. આ વચ્ચે હવે અમેરિકાના ઈન્ટેલિજન્સ ડિરેક્ટરે મોટો ધડાકો કર્યો છે. તેમણે જણાવ્યું કે, ઈરાને ટ્રમ્પની હત્યાનો પ્લાન ઘડ્યો છે. અમેરિકાની પ્રમુખ પદની ચૂંટણી માટે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને ગુપ્તચર અધિકારીઓએ તેમના જીવના જોખમ અંગે ચેતવણી આપી છે. મંગળવારે અમેરિકાના ઈન્ટેલિજન્સ ડિરેક્ટરે પૂર્વ પ્રમુખને ઈરાન તરફથી આવી રહેલી કથિત હત્યાની ધમકીઓ વિશે માહિતી આપી હતી. ગુપ્તચર એજન્સીઓએ ટ્રમ્પને જણાવ્યું કે, હકીકતમાં તમારા જીવને જોખમ છે. અમેરિકન ગુપ્તચર એજન્સીઓ ટ્રમ્પની સુરક્ષા પ્રત્યે એલર્ટ થઈ ગઈ છે. 5 નવેમ્બરના રોજ અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણી છે. ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનો મુકાબલો ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ પદના ઉમેદવાર કમલા હેરિસ સાથે છે.
ટ્રમ્પની કેમ્પેઈન ટીમે એક નિવેદનમાં કહ્યું કે, પૂર્વ પ્રમુખ ટ્રમ્પને આજે સવારે ડાયરેક્ટર ઓફ નેશનલ ઈન્ટેલિજન્સ (ODNI) ના કાર્યાલય દ્વારા ઈરાન તરફથી મળતી હત્યાની ધમકીઓ વિશે માહિતી આપવામાં આવી હતી. આમ કરવાનો પ્રયાસ કરનાર સંયુક્ત રાજ્ય અમેરિકામાં અસ્થિરતા ઉત્પન્ન કરવાનો અને અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરવા માગે છે.
છેલ્લા થોડા દિવસોમાં ટ્રમ્પ પર ખતરો વધ્યો
ટ્રમ્પની ટીમે કહ્યું કે ગુપ્તચર અધિકારીઓને જાણ થઈ ગઈ કે, ઈરાનનો ખતરો છેલ્લા કેટલાક મહિનાઓમાં વધ્યો છે અને યુએસ સરકારના અધિકારીઓ ટ્રમ્પની રક્ષા કરવા અને ચૂંટણીને પ્રભાવિત થવાથી બચાવવા માટે કામ કરી રહ્યા છે.
ઈરાને પહેલા પણ અમેરિકન બાબતોમાં હસ્તક્ષેપના અમેરિકન દાવાઓને નકારી કાઢ્યા છે. ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનના સ્થાયી મિશન અને ODNIએ મંગળવારે મોડી રાત્રે પ્રયાસ કરવા છતાં પણ જવાબ ન આપ્યો.
પહેલા પણ ટ્રમ્પની હત્યાના પ્રયાસ થયા છે
ડોનાલ્ડ ટ્રમ્પને ફ્લોરિડાના ગોલ્ફ કોર્સમાં ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું કાવતરું ઘડવાના આરોપી બંદૂકધારી પર મંગળવારે અન્ય ત્રણ કેસમાં આરોપ ઘડવામાં આવ્યા હતા, તેમાં એક પ્રમુખ પદના ઉમેદવારની હત્યાનો પ્રયાસ પણ સામેલ છે. રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની હત્યાના પ્રયાસ ઉપરાંત નવા આરોપોમાં હિંસક ગુનાને આગળ વધારવા માટે હથિયાર રાખવાનો અને ફેડરલ ઓફિસર પર હુમલો પણ સામેલ છે, જેના વિશે કોર્ટના દસ્તાવેજો દર્શાવે છે કે તે એક સિક્રેટ સર્વિસ એજન્ટ હતો.
પેન્સિલવેનિયામાં 13 જુલાઈના રોજ એક ચૂંટણી રેલીમાં ટ્રમ્પ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં તેઓ માંડ-માંડ બચ્યા હતા. તેમના પર ચડાવવામાં આવેલી ગોળી તેના કાનની નજીકથી પસાર થઈને નીકળી ગઈ હતી. આ હુમલો એક 20 વર્ષના યુવકે કર્યો હતો, જેને ઘટના સ્થળ પર જ સુરક્ષા એજન્ટે ઠાર કરી દીધો હતો. તેના થોડા જ અઠવાડિયા બાદ ફ્લોરિડાના પામ બીચ કાઉન્ટીનાં ઈન્ટરનેશનલ ગોલ્ફ ક્લબમાં તેમના પર ફરીથી જીવલેણ હુમલાનો પ્રયાસ થયો હતો. જ્યારે ટ્રમ્પ ગોલ્ફ રમી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિ AK-47 જેવી રાઈફલ અને ગો પ્રો કેમેરા સાથે તેમનાથી લગભગ 500 મીટર દૂર હતો, જો કે, તે કંઈ કરે તે પહેલા જ સુરક્ષા એજન્ટે તેને જોઈ ગયા અને બાદમાં તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.