Surat,તા,25
પ્રાઈમ લોકેશન પર આવેલી અને સોનાની લગડી જેવી ગણાતી રાંદેરના ગોરાટ વિસ્તારના સરવે નંબર 259 અને 268 તથા 337 અને 338 હેઠળની જમીન પડાવી લેવાની કામગીરી ગુજરાત સરકારના મંત્રીઓ અને બિલ્ડર લોબીએ મલીને સુરતની પોલીસને સોંપી હોવાની હકીકત બહાર આવી રહી છે. આ જમીનની માલિકી 1954થી ફાતમાબીબી તથા ખતીજા બીની વકફ ફંડ ટ્રસ્ટની છે.
મંત્રીઓને ખુશ કરવા અને બિલ્ડર લોબીના કામ કરી આપવા ઉત્સુક પોલીસ પણ સોનાની લગડી જેવી જમીન પાણીના મોલે પડાવી લેવાના ષડયંત્રમાં સામેલ થઈ ગઈ છે. નવાઈની વાત તો એ છે કે ટ્રસ્ટની માલિકીની ઉપરોક્ત સરવે નંબરની જમીન રાજકારણીઓ અને બિલ્ડર લોબીએ મળીને ગણોતિયાઓની બોગસ અરજીની મેટર પૂર્વ કમિશનર અજય તોમરે દફ્તરે કરી દેવા હુકમ કર્યો હતો.
ઇકોસેલને ગુનો નોંધીને કાર્યવાહી ચાલુ કરવાની પરવાનગી
હવે આ જ અરજી પર કમિશનર ગેહલોતે તેના ઇકોસેલને ગુનો નોંધીને કાર્યવાહી ચાલુ કરવાની પરવાનો આપી દીધો છે. આમ ઇકોસેલના અધિકારીઆએે પણ આ જમીન કૌભાંડના અનુસંધાનમાં રાંદેરના 82 વર્ષના અને 75 વર્ષના બે ટ્રસ્ટીઓની ગતગુરૂવારે કોઈપણ જાતની નોટિસ કે સમન્સ વિના જ ઇકોસેલના અધિકારીઓએ ઊઠાવી લીધા છે.
વાસ્તવમાં આ જમીનની માલિકી મોભાદાર પરિવારની છે. 1928ની સાલમાં આ જમીન શૈક્ષણિક પ્રવૃત્તિને વેગ આપવા માટે ટ્રસ્ટ બનાવીને ટ્રસ્ટીઓની દેખરેખ હેઠળ મૂકી દેવામાં આવી હતી.
આ જમીન માટે ગણોતધારાની કલમ 88(બી) હેઠળ શૈક્ષણિક હેતુસરની જમીન ઠેરવીને નોન એગ્રીકલ્ચરનું પ્રમાણપત્ર આપ્યું હતું. આ સમયગાળા દરમિયાન ગણોતિયાઓ જમીન ખેડતા હતા, પરંતુ તે જમીન ખરીદવાનો લાભ ગણોતિયાઓને આપવાાં આવતો નહોત. ગણોતિયાઓની માલિકીની આ જમીનો ખરીદવાની અરજીઓ 1963થી 1965ના અરસામાં ચોર્યાસી તાલુકાના કૃષિ પંચના મામલતદારે ફગાવી દીધી હતી. 1971ની સાલમાં રાંદિર ગામનો રેવન્યુ રેકોર્ડ નવેસરથી બનાવવામાં આવ્યો ત્યારે સાતબારના ઉતારામાં ગણોતિયાઓને આ જમીનના માલિક તથા કબજેદારો બતાવી દેવામાં આવ્યા હતા. હકપત્રકમાં 1974-75ની સાલમાં હક્ક પત્રમાંથી ટ્રસ્ટનું નામ ગાયબ કરી દેવામાં આવ્યું હતું.
ચોર્યાસી તાલુકાની જમીનનો બોગસ રેકોર્ડ બારડોલીમાં બનાવાયો
ટ્રસ્ટની જમીન ચોર્યાસી તાલુકાના રાંદેરમાં હતી, પરંતુ જમીનની માલિકીના હુકમો બારડોલી તાલુકાના કૃષિપંચની કચેરીના સહીસિક્કા સાથે માલતદારના નામથી અને સહી સિક્કા કરીને હાથથી લખીને બનાવવામાં આવ્યા હતા. પરંતુ બારડોલી કૃષિ પંચની કચેરી 1976માં અસ્તિત્વમાં આવી હતી અને 1971ના હુકમો બારડોલી પાસે હોઈ જ ન શકે તેમ જણાવીને આ હકીકતને ઠુકરાવી દેવામાં આવી હતી.
આ હુકમ મામલતદાર કે.વી. મકવાણાને નામે હાથે લખીને તથા બ્લુ સિક્કો મારીને તૈયાર કરવામાં આવ્યો હતો. બારડોલીના મામલતદારના ચાર્ટમાં મામલતદાર તરીકેની નોકરીમાં કે.વી. મકવાણા હોવાનું પણ રેકોર્ડમાં જોવા મળતું નથી. ટ્રસ્ટે આ હકીકતની વિગતો હાઈકોર્ટમાં ચાલતા કેસમાં પણ રજૂ કરી છે. 1976ના અરસામાં એક માત્ર મહિલા ટ્રસ્ટી હયાત હતા. જે ગણોતિયાઓને નામે જમીન કરવામાં આવી હતી તેમાં એક ગણોતિયો નાગર જીવણ હતો. નાગર જીવણ કલેક્ટર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે સક્રિય હતો. તેથી નાગર જીવણે જ આ ઓર્ડર કર્યા હોવાનું માનવામાં આવે છે. ટ્રસ્ટે જમીનનો સાચો રેકોર્ડ મેળવા સંખ્યાબંધ અરજી કરી તે પછી પણ તેમને સફળતા ન મળતા તેમમએ હાઈકોર્ટમાં પિટીશન કરી હતી.
ઇકોસેલના ઇન્સ્પેક્ટરનો કોર્ટે ઉધડો લીધો
રાંદેરની શૈક્ષણિક હેતુ માટેની જમીન ગણોતિયા પાસેથી લખાવી લેવાના મંત્રીઓના ઇશારો ચાલુ કરવામાં આવેલા કૌભાંડ પર કોર્ટે બ્રેક લગાવી છે. ટ્રસ્ટના વકીલ નદીમ ચૌધરીએ દલીલ કરી હતી કે આ જમીના વિવાદાસ્પદ કરારો અંગે હાઈકોર્ટમાં કેસ ચાલી ચૂકેલા છે. પોલીસ હાઈકોર્ટના આદેશોને અવગણીને રાજકારણીઓને ખુશ કરવા માટેની કામગીરી કરી રહ્યા છે. આ રજૂઆતની ગંભીર નોંધ લઈને કોર્ટે તપાસ અધિકારી અને ઇકોસેલના ઇન્સ્પેક્ટર સોલંકીનો કોર્ટરૂમમાં જ ઉધડો લીધો હતો.