Mumbai,તા,23
ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરવા માગે છે. હાલમાં હાર્દિક પંડ્યાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રેડ બોલ માટે હાર્દિક પંડ્યા સખત મહેનત કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, હાર્દિક પંડ્યાને ફિટનેસની સમસ્યા રહે છે અને તેના કારણે જ BCCI તેને ટેસ્ટ ક્રિકેટમાં તક નથી આપતી.ગુજ્જુ ખેલાડી પંડ્યા ભારત માટે છેલ્લી ટેસ્ટ 6 વર્ષ પહેલા 2018માં ઈંગ્લેન્ડ સામે રમ્યો હતો. ભારત માટે રમેલી 11 ટેસ્ટમાં તેના નામે 17 વિકેટ અને 532 રન છે. 2018 બાદથી જ હાર્દિક ફર્સ્ટ ક્રિકેટમાં પણ નજર નથી આવ્યો. વર્ષ 2018માં તે મુંબઈ સામે રણજી ટ્રોફી મેચ રમ્યો હતો. હવે 6 વર્ષ બાદ હાર્દિક ટેસ્ટમાં વાપસી કરવા માટે સખત મહેનત કરી રહ્યો છે.
હાર્દિક પંડ્યા રેડ બોલની ટ્રેનિંગ લેતો નજર આવ્યો
હાર્દિક પંડ્યા તાજેતરમાં લંડનમાં હતો, જ્યાં તેણે IPLમાં ગુજરાત ટાઈટન્સના સહાયક કોચ નઈમ અમીનની દેખરેખ હેઠળ માઈટી વિલો ક્રિકેટ એકેડમીમાં ટ્રેનિંગ લીધી હતી. વાયરલ વીડિયોમાં પંડ્યા રેડ બોલ ક્રિકેટની ટ્રેનિંગ લેતો નજર આવી રહ્યો છે. આ વીડિયો નઈમ અમીને પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
તેમણે વીડિયોના કેપ્શનમાં લખ્યું કે, છેલ્લા થોડા અઠવાડિયામાં હાર્દિક સાથે કામ કરવાનો અનુભવ શાનદાર રહ્યો. અમે અનેક વસ્તુ પર કામ કર્યું અને હું ભવિષ્યમાં તેની પ્રગતિ જોવા માટે ઉત્સાહિત છું. મેં ઘણા હાઈ-પ્રોફાઈલ ખેલાડીઓ સાથે કામ કર્યું છે, હું હાર્દિકની ખૂબ પ્રશંસા કરું છું કે, તેમણે પોતોના ખેલ પર ઈનપુટ આપવા માટે મારા પર વિશ્વાસ કર્યો. ખૂબ સરસ અને શુભકામના ભાઈ!
હાર્દિક પંડ્યા પુત્ર અગસ્ત્યને મળીને ભાવુક થયો
હાર્દિક પંડ્યા અને નતાશાએ પરસ્પર સહમતિથી છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો છે. 4 વર્ષ બાદ બંન્ને છુટાછેડા લઈ એકબીજાથી અલગ થઈ ગયા છે. બંન્ને એક દિકરાના માતા-પિતા પણ છે. અલગ થયા બાદ નતાશા દિકરા અગસ્તયને લઈ પોતાના દેશ સર્બિયા ચાલી ગઈ હતી પરંતુ થોડા દિવસ પહેલા જ નતાશા પોતાના દીકરા અગસ્તય સાથે મુંબઈ પરત ફરી છે. હવે પુત્ર અગસ્ત્યને મળીને હાર્દિકની ખુશીનું ઠેકાણું નથી. તે પોતાના પુત્રને મળીને ભાવુક પણ થઈ ગયો હતો. તાજેતરમાં જ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં હાર્દિક પુત્ર અગસ્ત્ય સાથે નજર આવ્યો હતો.