Investor ની સંપત્તિમાં રૂ.6.24 લાખ કરોડનો વધારો

Share:

Mumbai,તા.21

યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા ગઈકાલે વ્યાજ દરમાં અપેક્ષાથી વધુ અડધા ટકાનો ઘટાડો કરતાં વૈશ્વિક બજારોમાં અમેરિકા પાછળ ગઈકાલે તેજી આવતાં અને વિદેશી ફંડો સારા વળતરની અપેક્ષામાં ભારતીય શેર બજારોમાં ફરી મોટાપાયે ફંડ પ્રવાહ ઠાલવશે એવા અંદાજ મુજબ આજે શેરોમાં સેન્સેક્સ, નિફટી બેઝડ ફંડોએ ઐતિહાસિક તેજીનું તોફાન મચાવ્યું હતું. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ દ્વારા આજે એક દિવસમાં જ ભારતમાં રૂ.૧૪,૦૬૫ કરોડના શેરોની જંગી ખરીદી કરી તોફાની તેજીમાં સેન્સેક્સને પ્રથમ વખત ૮૪૦૦૦ની સપાટી પાર અને નિફટીને ૨૫૭૦૦ની સપાટી ક્રોસ કરાવી નવી વિક્રમી ઊંચાઈએ મૂકી દીધા હતા. લેબનોન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્વના મંડાણ થયાના જીઓપોલિટીકલ ટેન્શનના પરિબળને આજે ઈન્ટ્રા-ડે વોલેટીલિટી જોવાયા છતાં અમેરિકામાં વ્યાજ દર ઘટતાં જાણે કે વિદેશી ફંડોને ભારત રોકાણ માટે વધુ સુરક્ષિત લાગતું હોય એમ આજે સેન્સેક્સ, નિફટી હેવીવેઈટ શેરોમાં આક્રમક ખરીદી કરી હતી. સેન્સેક્સના ઉછાળા પાછળ આજે રોકાણકારોની સંપત્તિમાં રૂપિયા ૬.૨૪ લાખ કરોડનો વધારો થયો હતો.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારૂતી સુઝુકી સહિતના ઓટો શેરો અને આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, કોટક મહિન્દ્રા બેંક સહિતના બેંકિંગ શેરો તેમ જ એફએમસીજી, કેપિટલ ગુડઝ હેવીવેઈટ શેરો અને ભારતી એરટેલ, જેએસડબલ્યુ સ્ટીલ સહિતના શેરોમાં આક્રમક તેજીના જોરે આજે વિક્રમી નવી ઊંચાઈ જોવા મળી હતી. જો કે આ સામે સ્મોલ, મિડ કેપ અને સાઈડ માર્કેટમાં ઘણા શેરોમાં ફંડો, ઓપરેટરો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ ઓફલોડિંગ ચાલુ રાખ્યું હતું. સેન્સેક્સ આજે ઈન્ટ્રા-ડે ૧૫૦૯.૬૬ પોઈન્ટના ઉછાળે ૮૪૬૯૪.૪૬ નવી ઊંચાઈનો રેકોર્ડ બનાવી અંતે ૧૩૫૯.૫૧ પોઈન્ટ ઉછળીને ૮૪૫૪૪.૩૧ નવી વિક્રમી ઊંચાઈએ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ પણ ઈન્ટ્રા-ડે ૪૩૩.૪૫ પોઈન્ટના ઉછાળે ૨૫૮૪૯.૨૫ની નવી ટોચ બનાવી અંતે ૩૭૫.૧૫ પોઈન્ટ ઉછળીને ૨૫૭૯૦.૯૫ની નવી વિક્રમી ઊંચાઈએ બંધ રહ્યો હતો.

ઓટો શેરોમાં નવી લેવાલી

ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં આજે ફંડોએ આક્રમક ખરીદી કરતાં બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૨૪૦.૯૨ પોઈન્ટ ઉછળીને ૫૯૬૪૯.૫૫ બંધ રહ્યો હતો. ટયુબ ઈન્વેસ્ટમેન્ટ રૂ.૩૩૦.૪૫ ઉછળીને રૂ.૪૩૧૦.૬૫,  મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૫૫.૭૫ વધીને રૂ.૨૯૫૨.૨૫, બોશ રૂ.૧૪૫૧.૪૫ ઉછળીને રૂ.૩૫,૮૯૭.૪૫, કમિન્સ ઈન્ડિયા રૂ.૮૧.૮૫ વધીને રૂ.૩૮૧૦, આઈશર મોટર્સ રૂ.૧૦૪.૫૫ વધીને રૂ.૪૯૬૮.૨૦, મારૂતી સુઝુકી રૂ.૨૪૦.૮૫ વધીને રૂ.૧૨,૫૯૭.૭૫, ટીવીએસ મોટર રૂ.૪૩.૨૦ વધીને રૂ.૨૮૧૩.૨૦, સુંદરમ રૂ.૧૫.૦૫ વધીને રૂ.૧૪૨૫.૬૦, બજાજ ઓટો રૂ.૧૨૨.૨૫ વધીને રૂ.૧૧,૯૮૭ રહ્યા હતા.

કેપિટલ ગુડઝ શેરો ઉછળ્યા

કેપિટલ ગુડઝ શેરોમાં પણ આજે  ફંડોએ આક્રમક ખરીદી કરતાં બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૬૬૦.૯૧ પોઈન્ટની છલાંગે ૭૩૩૭૩.૮૯ બંધ રહ્યો હતો. રેલ વિકાસ નિગમ રૂ.૩૩.૮૦ ઉછળી રૂ.૫૪૪.૨૫, ભેલ રૂ.૯ વધીને રૂ.૨૬૬.૧૫, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૧૧૩.૦૫ વધીને રૂ.૩૭૯૫.૫૫, સુઝલોન એનજીૅ રૂ.૨.૪૫ વધીને રૂ.૮૩.૪૨, એબીબી ઈન્ડિયા રૂ.૨૦૬.૩૦ વધીને રૂ.૭૭૦૮.૯૫, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૧૦૩ વધીને રૂ.૪૩૩૬.૩૫, એઆઈએ એન્જિનિયરીંગ રૂ.૬૫.૨૫ વધીને રૂ.૪૩૧૪.૧૦, સિમેન્સ રૂ.૯૭.૧૫ વધીને રૂ.૬૮૩૬.૯૫, પોલીકેબ રૂ.૮૩ વધીને રૂ.૬૫૫૯.૬૫ રહ્યા હતા.

બેંકિંગ શેરોમાં ફરી તેજી

બેંકિંગ-ફાઈનાન્શિયલ સર્વિસિઝ કંપનીઓના શેરોમાં પણ ફંડોએ આજે આક્રમક ખરીદી કરી હતી. આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૪૮.૭૦ ઉછળીને રૂ.૧૩૪૦.૨૫, એચડીએફસી બેંક રૂ.૩૪ વધીને રૂ.૧૭૪૨.૧૫, કોટક મહિન્દ્રા બેંક રૂ.૩૩.૪૫ વધીને રૂ.૧૯૦૫.૯૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૮૬૫.૫૪ પોઈન્ટ વધીને ૬૦૯૫૫.૧૨ બંધ રહ્યો હતો. આ સાથે હુડકો રૂ.૨૦.૬૦ ઉછળી રૂ.૨૫૦.૯૫, આઈઆઈએફએલ ફાઈનાન્સ પરનો ગોલ્ડ લોન બિઝનેસ માટેના અંકુશો આરબીઆઈએ ઉઠાવી લેતાં શેર રૂ.૩૬.૪૫ ઉછળી રૂ.૫૩૦.૭૫ રહ્યા હતા.

મેટલ શેરોમાં તેજી

મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોની આજે મોટી ખરીદી થઈ હતી. દેશમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રને પ્રોત્સાહન અને ચાઈના, વિયેતનામથી સ્ટીલની આયાત પર એન્ટિ-ડમ્પિંગ ડયુટીના પરિણામે ભારતીય કંપનીઓના સ્ટીલ બિઝનેસને ફાયદો થવાની અપેક્ષાએ આકર્ષણ રહ્યું હતું. કોલ ઈન્ડિયા રૂ.૧૩.૨૦ વધીને રૂ.૪૯૧.૨૫, ટાટા સ્ટીલ રૂ.૨.૪૫ વધીને રૂ.૧૫૨.૦૫, હિન્દાલ્કો રૂ.૯.૮૫ વધીને રૂ.૬૯૪.૪૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૫૭૧.૯૮ પોઈન્ટ વધીને ૩૧૯૭૩.૮૯ બંધ રહ્યો હતો.

રોકાણકારોની સંપત્તિ વધીને રૂ. ૪૭૧.૭૨ લાખ કરોડની નવી ટોચે

સેન્સેક્સ, નિફટીની આજે તોફાની વિક્રમી તેજીની દોટ સાથે સ્મોલ, મિડ કેપ સહિત ઘણા શેરોમાં લેવાલી રહેતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ એક દિવસમાં રૂ.૬.૨૪  લાખ કરોડ વધીને રૂ.૪૭૧.૭૧ લાખ કરોડની નવી વિક્રમી ઊંચાઈએ પહોંચ્યું હતું.

DIIની રૂ.૪૪૨૭ કરોડની ચોખ્ખી વેચવાલી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે શુક્રવારે કેશમાં શેરોમાં રૂ.૧૪,૦૬૪.૦૫ કરોડના શેરોની જંગી ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૫૯,૪૫૨.૩૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૪૫,૩૮૮.૨૮ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૪૪૨૭.૦૮ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૬,૯૮૭.૪૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૨૧,૪૧૪.૫૦ કરોડની વેચવાલી થઈ હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *