Gujarat,તા.01
ખ્રિસ્તીઓના નવા વર્ષના પ્રથમ દિવસે એટલે કે 1 જાન્યુઆરી 2025ના રોજ ગુજરાત સરકારની કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્ય સરકારે 1 નવા જિલ્લા વાવ-થરાદ અને 9 નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની મંજૂરી આપી છે. ત્યારે લાંબા સમયથી પડતર રહેલી માગ આજે પૂર્ણ થઈ છે. રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે આ અંગે માહિતી આપી છે.
કઈ કઈ નગરપાલિકા બનશે મહાનગરપાલિકા?
મહેસાણા, ગાંધીધામ, વાપી, નવસારી, આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, મોરબી અને પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો છે. છેલ્લા ઘણાં સમયથી આ તમામ શહેરોના લોકોની માગ હતી, જે હવે પૂર્ણ થઈ છે. જેને લઈને હાલ અહીંના લોકોમાં ખુશીનો માહોલ છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નવા અધિકારીઓની સંભવિત નિમણૂંક સહિતની વહીવટી પ્રક્રિયાઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી કાર્યાલયે તમામ જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે સંબંધિત વિભાગોને સૂચના આપી દીધી છે. એવી માહિતી પણ મળી છે કે, હાલના નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ વિસ્તાર ઉપરાંત આસપાસના ગામોને પણ મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવી લેવામાં આવશે. નવી મહાનગરપાલિકાને વિકાસ કાર્યો માટે નવા બજેટમાં નોંધપાત્ર ગ્રાન્ટ પણ ફાળવવામાં આવશે. નવી મહાનગરપાલિકા બનશે એટલે વિવિધ વિકાસશીલ પાયાની જરૂરીયાતો પણ પૂર્ણ થશે.
ગુજરાતમાં હવે કુલ 17 મહાનગરપાલિકા
હાલમાં રાજ્યમાં આઠ મહાનગરપાલિકા અસ્તિત્વમાં છે. જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જૂનાગઢ, ભાવનગર, જામનગર અને ગાંધીનગર મહાનગરપાલિકા છે. પરંતુ રાજ્ય સરકારે નવ નવી મહાનગરપાલિકાને મંજૂરી આપતા હવે મનપાની સંખ્યા વધીને 17 થઈ ગઈ છે.
પાલિકાઓની ચૂંટણી પર પડશે અસર!
આ 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકા એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો આપી રાજ્ય સરકાર ગુજરાતીઓને નવા વર્ષની ભેટ આપી છે. સૂત્રોના મતે, રાજ્યમાં 85 પાલિકાની ચૂંટણીઓ યોજાવવાની હતી, પરંતુ જો 9 નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાતા ઘણાં વહીવટી ફેરફાર થઈ શકે છે. કારણ કે, નવી મહાનગરપાલિકામાં જ અન્ય નગરપાલિકાને ભેળવી દેવાશે. આ જોતાં 60 પાલિકાની ચૂંટણીઓ યોજાય તેવી પણ શક્યતા છે.
નવા વાવ-થરાદ જિલ્લાનું મુખ્ય મથક ‘થરાદ’
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ઉત્તર ગુજરાતને 2025ના વર્ષના પ્રથમ દિવસે નવા જિલ્લાની ભેટ રૂપે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના વિવિધ પદાધિકારીઓ અને પ્રજાજનોની વર્ષો જુની માંગણી સકારાત્મક પ્રતિસાદ સાથે સંતોષતા હાલના બનાસકાંઠા જિલ્લામાંથી નવો વાવ-થરાદ જિલ્લો બનાવવાની જાહેરાત કરી છે. જો કે, હાલ નવા જિલ્લામાં ચૂંટણી નહીં યોજાય.
હાલનો બનાસકાંઠા જિલ્લો રાજયમાં તાલુકાઓની સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ 14 તાલુકાઓ ધરાવે છે એટલું જ નહી વિસ્તારની દ્રષ્ટિએ પણ બીજા ક્રમનો જિલ્લો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વસ્તી, વિસ્તાર અને તાલુકાઓનું ભારણ ઘટે અને લોકોને સરકારી સવલતો વધુ સુગમતાથી મળી રહે તે માટે વિશાળ જનહિતમાં આ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લાઓ વાવ-થરાદ અને બનાસકાંઠા નામે બનશે.
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ નવા રચાનારા વાવ-થરાદ જિલ્લા અંગેની વિગતો આપતા કહ્યું કે, ‘હાલ આ જિલ્લાના 14 તાલુકાઓમાંથી નવા બનનાર વાવ-થરાદ જિલ્લામાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સૂઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ એમ કુલ 8 તાલુકાઓ તેમજ ભાભર, થરાદ, થરા અને ધાનેરા એમ ચાર નગરપાલિકાઓનો સમાવેશ થશે.’
બનાસકાંઠા જિલ્લામાં બાકીના 6 તાલુકાઓ પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા એમ કુલ 6 તાલુકાઓ તેમજ પાલનપુર અને ડીસા એમ 2 નગરપાલિકાઓનો સમાવેશ થશે.’
તેમણે કહ્યું કે, ‘મુખ્યમંત્રીએ બંને જિલ્લાઓમાં ગામડાઓનું વિભાજન મહદઅંશે સમાન રીતે દરેક જિલ્લામાં 600 આસપાસ રહે તેમ તથા વિસ્તાર વાવ-થરાદ જિલ્લામાં 6257 ચો. કિ.મી અને બાનસકાંઠા જિલ્લામાં 4486 ચો. કિ.મી રહે તે પ્રમાણે વિભાજન કરવામાં આવશે તેવા દિશાનિર્દેશ આપ્યા છે.’
આના પરિણામે અગાઉ વાવ-થરાદ જિલ્લા બાજુના 8 તાલુકાઓને મુખ્ય મથક પાલનપુર જવા માટે જે અંતર લાગતું હતું તેમાં સરેરાશ 35 થી 85 જેટલા કિ.મી. અંતરમાં ઘટાડો થશે તથા સમય અને ઈંધણની બચત થશે.
ગુજરાતમાં હવે કુલ 34 જિલ્લાઓ
જણાવી દઈએ કે, રાજ્ય સરકાર દ્વારા નવ મહાનગરપાલિકાની સાથે એક નવા જિલ્લાની પણ જાહેરાત કરી છે. રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં બનાસકાંઠાના વિભાજનની સાથે જ વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કરાય તેવી શક્યતાઓ છે. હાલ બનાસકાંઠા જિલ્લામાં કુલ 14 તાલુકા છે, જેમાંથી આઠને વાવ-થરાદમાં સમાવેશ કરીને નવો જિલ્લો જાહેર કરાયો છે. આ નવા જિલ્લાનું વડું મથક થરાદ રહેશે.
ક્રમ | જિલ્લો | મુખ્ય શહેર |
1 | અમદાવાદ | અમદાવાદ |
2 | અમરેલી | અમરેલી |
3 | આણંદ | આણંદ |
4 | અરવલ્લી | મોડાસા |
5 | બનાસકાંઠા | પાલનપુર |
6 | ભરૂચ | ભરૂચ |
7 | ભાવનગર | ભાવનગર |
8 | બોટાદ | બોટાદ |
9 | છોટા ઉદેપુર | છોટા ઉદેપુર |
10 | દાહોદ | દાહોદ |
11 | ડાંગ | આહવા |
12 | દેવભૂમિ દ્વારકા | ખંભાળિયા |
13 | ગાંધીનગર | ગાંધીનગર |
14 | ગીર સોમનાથ | વેરાવળ |
15 | જામનગર | જામનગર |
16 | જૂનાગઢ | જૂનાગઢ |
17 | ખેડા | નડિયાદ |
18 | કચ્છ | ભુજ |
19 | મહીસાગર | લુણાવાડા |
20 | મહેસાણા | મહેસાણા |
21 | મોરબી | મોરબી |
22 | નર્મદા | રાજપીપળા |
23 | નવસારી | નવસારી |
24 | પંચમહાલ | ગોધરા |
25 | પાટણ | પાટણ |
26 | પોરબંદર | પોરબંદર |
27 | રાજકોટ | રાજકોટ |
28 | સાબરકાંઠા | હિંમતનગર |
29 | સુરત | સુરત |
30 | સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગર |
31 | તાપી | વ્યારા |
32 | વડોદરા | વડોદરા |
33 | વલસાડ | વલસાડ |
34 | વાવ-થરાદ | થરાદ |
મુખ્યમંત્રીએ નપા અને મનપા માટે 1000 કરોડ મંજૂર કર્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની 7 મહાનગરપાલિકાઓ, 3 શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળ અને ‘ક’ તથા ‘ડ’ વર્ગની નાની નગરપાલિકાઓ સહિત 17 નગરપાલિકાઓમાં શહેરીજન જીવન સુવિધા વધારવાના કામો માટે કુલ રૂ. 1000.86 કરોડ ફાળવવાની એક જ દિવસમાં મંજૂરી આપી છે.