Ahmedabad,તા.06
ગુજરાતની ઓળખ દેશમાં સમુદ્ધ રાજ્ય તરીકે થઈ છે. એટલું જ નહીં, ગુજરાત મોડેલ દેશના અન્ય રાજ્યો પણ અપનાવી રહ્યાં છે તેવો પણ વારંવાર દાવો કરવામાં આવે છે. ત્યારે હકીકત એ છે કે, વાઇબ્રન્ટ ગુજરાતમાં ગરીબી હવે ચરમસીમાએ પહોંચી છે. ખુદ ગુજરાત સરકારે જ જાહેર કર્યું છે કે, 76 લાખ કુટુંબો મફત અનાજ મેળવે છે. લાખો લોકો દારૂણ પરિસ્થિતીમાં જીવી રહ્યાં છે. બે ટંક ખાવાના ફાંફા છે ત્યારે અડધું ગુજરાત મફત અનાજ મેળવવા મજબૂર બન્યુ છે. કમનસીબી એ છે કે, રાજ્ય સરકાર લાજવાને બદલે આ સ્થિતીને સિદ્ધિ ગણાવી રહી છે.
રાજ્યમાં અનેક સરકારી યોજના અમલમાં છે. દર વર્ષે સરકાર લાખો કરોડો રૂપિયા સરકારી યોજના પાછળ વાપરી રહી છે તેમ છતાંય ગરીબીએ જાણે ગુજરાતનો પીછો છોડ્યો નથી. રાજ્ય સરકારના જ આંકડા મુજબ, છેલ્લાં બે વર્ષમાં ગુજરાતમાં 1359 ગરીબ પરિવારો વઘ્યાં છે. સાબરકાંઠા, પંચમહાલ, બનાસકાંઠા, આણંદ, જૂનાગઢ અને દાહોદમાં ગરીબ પરિવારોની સંખ્યા વધુ છે. સરકાર ભલે દાવા કરે પણ ગુજરાતમાં ગરીબીનું ચિત્ર સુધર્યું નથી.
ભાજપના નેતાઓએ ગરીબીના મુદ્દે વિપક્ષને ભાંડવામાં કસર છોડી નથી. હવે જ્યારે ભાજપ સત્તાના સિંહાસને છે તેમ છતાંય ગરીબી દૂર થઈ શકી નથી. ગુજરાતમાં ગરીબી નિવારણ કાર્યક્રમ પણ કાગળ પર જ હોય તેમ લાગી રહ્યુ છે. વિકસિત ગુજરાત, વાઇબ્રન્ટ ગુજરાત, સમૃદ્ધ-શાંત ગુજરાતની ડીંગો હાંકવામાં આવી રહી છે. ત્યારે રાજ્ય સરકારે બુધવારે (પાંચમી માર્ચ) એવી સિદ્ધી વર્ણવી કે, વર્ષ 2024માં 21.91 લાખ ટન મફત અનાજ વહેચવામાં આવ્યુ હતું, જેની કિંમત 7529 કરોડ રૂપિયા થવા જાય છે. મફત અનાજ વિતરણ યોજનાનો 3.72 કરોડ લોકો લાભ લઈ રહ્યાં છે.
અડધું ગુજરાત મફત અનાજ લેવા મજબૂર છે, ત્યારે આ સ્થિતીને સરકાર સિદ્ધિ ગણાવી રહી છે. સુખ સમૃદ્ધિની વાતો વચ્ચે આજે શહેરોમાં રોજ 32 રૂપિયા અને ગામડાઓમાં રોજ 26 રૂપિયા વાપરી શકે તેવી પણ લોકોની સ્થિતી રહી નથી. આ જ દર્શાવે છે કે, ગુજરાતમાં ગરીબીનો આંક વધી રહ્યો છે છતાં પણ સરકાર મફત અનાજના નામે વાહવાહી મેળવી રહી છે.