Mumbai,તા.04
આજકાલ વિશ્વભરમાં ટેસ્ટ ક્રિકેટનો માહોલ જામ્યો છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઘરઆંગણે ટેસ્ટ સીરિઝ તથા ઓસ્ટ્રેલિયા સામે પણ ભારતની એક ટીમ હાલ ટેસ્ટ રમી રહી છે, શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પણ ટેસ્ટ હમણાં જ સમાપ્ત થઈ છે તો એકતરફ ભારતમાં ડોમેસ્ટિક સીરિઝો પણ ચરમ પર છે. આ તમામ વચ્ચે ભારતમાં આયોજિત એક ટૂર્નામેન્ટમાં એક ઇન્ટરનેશનલ ખેલાડીએ ભારે તહેલકો મચાવ્યો છે.
ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર માર્ટિન ગુપ્ટિલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી ભલે નિવૃત્તિ લઈ લીધી છે, પરંતુ તેના હાથ અને બેટની તાકાતમાં કોઈ ઘટાડો થયો નથી. લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં ભારતીય જમીન પર ગુપ્ટિલે કોહરામ મચાવ્યો છે. રિટાયર્ડ થઈ ગયેલા ખેલાડીઓની આ લીગમાં ન્યૂઝીલેન્ડના એક સમયના ઓપનરે 5 સિક્સર અને એક ફોર ફટકારીને એક જ ઓવરમાં 34 રન ખડકી દીધા છે. ગુપ્ટિલની આ વિધ્વંસક બેટિંગના જોરે સધર્ન સુપર સ્ટાર્સે કોણાર્ક સૂર્યાન્સ ઓડિશા સામે શાનદાર જીત નોંધાવી છે.
કિવી પ્લેયરે સુરતના લાલાભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં યોજાયેલ આ મેચમાં 54 બોલમાં 9 ચોગ્ગા અને 11 છગ્ગા સાથે અણનમ 131 રન બનાવ્યા હતા. ઇનિંગની છઠ્ઠી ઓવરમાં ગુપ્ટિલની સામે ત્રિનિદાદ એન્ડ ટોબેગોનો નવીન સ્ટુઅર્ટ હતો. યુવરાજ સિંહની સ્ટાઈલમાં ગુપ્ટિલે આ ઓવરમાં આક્રમક શરુઆત કરીને હેટ્રિક સિક્સ ફટકારી હતી. પ્રથમ 3 બોલમાં 3 સિક્સર બાદ ચોથા બોલ પર પણ બાઉન્ડ્રી ગઈ પરંતુ આ ચોક્કો ગયો હતો.આ પછી પાંચમા અને છઠ્ઠા બોલ પર એરિયલ શોટ રમતાં ગુપ્ટિલે બોલ ફરી કુશન બોર્ડની બહાર જ ફેંકી દીધો. ગુપ્ટિલની ટીમ માટે શ્રીવત્સ ગોસ્વામીએ 15 બોલમાં 18 રન બનાવ્યા હતા જ્યારે હેમિલ્ટન મસ્કડજાએ 17 બોલમાં 20 રન બનાવ્યા હતા. દિલ્હીના ઓલરાઉન્ડર પવન નેગીએ 11 બોલમાં અણનમ 14 રન બનાવ્યા હતા.
આ પહેલા ઈરફાન પઠાણની કપ્તાનીમાં સુર્યાન્સ ઓડિશાએ 20 ઓવરમાં 9 વિકેટે 192 રન બનાવ્યા હતા. સૂર્યાન્શ ઓડિશા તરફથી રિચર્ડ લેવીએ 21 બોલમાં 9 ચોગ્ગા અને 4 સિક્સરના જોરે 63 રન બનાવ્યા હતા. ભાઈની ટીમ માટે યુસુફ પઠાણે 22 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 33 રન બનાવ્યા હતા. સુબોધ ભાટીએ 3 જ્યારે ચતુરંગા ડી સિલ્વાએ 2 વિકેટ ઝડપી હતી. જોકે અંતે ગુપ્ટિલની ટીમે આ મેચ 7 વિકેટે જીતી લીધી હતી.