Vadodara,તા.૨૪
વડોદરામાં હરણી બોટ કાંડ બાદ ગુજરાત સરકારે બોટિંગ પ્રવૃત્તિ માટે બનાવેલા કડક નિયમોને કારણે ધાર્મિક સ્થળોએ બોટિંગ અને ફિશિંગ કરીને રોજીરોટી મેળવતા આશરે ૫૦ હજાર કુટુંબો મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે.
બોટિંગ પર જીવન નિર્વાહ ગુજારતા પરિવારો વતી ગુજરાત સરકારને નિયમો હળવા બનાવવા રજૂઆત કરાઈ છે. જે નિયમો બનાવ્યા છે, તેમાં બોટના ડ્રાઇવર (પાયલોટ) માટે લાઇસન્સ ફરજિયાત રાખ્યું છે. જેમ આરટીઓ વાહનચાલકને લાઇસન્સ આપે છે, તે રીતે બોટના ડ્રાઇવરને લાઇસન્સ આપતી ગુજરાતમાં કોઈ સંસ્થા નથી. બોટ બિલ્ડિંગનું એટલે કે બોટ બનાવનાર સંસ્થાનું લાઇસન્સ માગવામાં આવે છે. ગુજરાતમાં ફિશિંગ ઉપરાંત નદીઓમાં ધાર્મિક સ્થળો ખાતે જે બોટ ફરે છે તે મોટે ભાગે અલંગ શિપયાર્ડથી લવાયેલી હોય છે.
અલંગથી લાવેલી બોટ ફ્રાન્સ, ઇટાલી કે બીજા કોઈ દેશમાં બનેલી હોય છે. બોટ ચલાવનાર ગરીબ માણસ ત્યાંનું લાઇસન્સ ક્યાંથી લાવે તે મોટો સવાલ છે. અમુક બોટ તો સ્થાનિક સ્તરે હાથે બનાવેલી હોય છે. જેની કોઈ સંસ્થા નથી હોતી.
આ સિવાય બોટનું ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત બનાવ્યું છે. જે સરકાર માન્ય સંસ્થા પાસેથી લેવું પડે છે અને તેની ફી ઘણી ઊંચી છે. જેમાં ફાયર એકિસ્ટીંગ્યુશર, લાઇફબોટ, ચેન, એન્કર્સના ટેસ્ટ, વાર્ષિક સર્વે, માસિક મેન્ટેનન્સ, મેન્ટેનન્સ કર્યાના ફોટા અને વીડિયો ડૉક્યુમેન્ટેશન જાળવવા, વીમો લેવો વગેરે બાબતો બોટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા ગરીબ અને ઓછું ભણેલા લોકો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે. આ નિયમો કેવળ કડક જ નથી, પરંતુ બિનવ્યવહારુ પણ છે .
વડોદરા પૂર્વ મેયર ડૉ. રાજેન્દ્રસિંહ રાઠોડની રજૂઆત મુજબ હાલ કેવડિયા અને સાબરમતી ખાતે ક્રૂઝ અને દ્વારકા તથા સાપુતારામાં બોટિંગ ચાલુ જ છે. શુકલતીર્થ, કબીરવડ જવા પણ હોડીઓ ફરે છે. નદીમાં રેતી ખનનમાં ચાલતી બોટોમાં હપ્તાબાજી ચાલે છે, એવો આક્ષેપ કરી તેમણે વેળાસર બોટ ચલાવવા નિયમો હળવા કરી મંજૂરી આપી ૫૦ હજાર કુટુંબો પરની આર્થિક ભીંસ દૂર કરવા માગ કરી છે.