વાપીની કેબીએસ કોલેજમાં અભ્યાસ કરતા ચારેય વિદ્યાર્થીઓના મોતને પગલે પરિવારજનો પર આભ તુટી પડયું હતું
Valsad, તા.૧૯
વલસાડ જિલ્લાના કપરાડાના રોહિયાળ તલાટ ગામે કોલક નદીમાં બે યુવાન ન્હાવા પડયા બાદ ડુબવા લાગતા રીક્ષા ચાલક સહિત ત્રણ બચાવભા નદી પડતા જોતજોતામાં પાંચેય નદીમાં ગરક થઇ થઇ ગયા હતા. લોકો દોડી ગયા બાદ પાંચેયને બહાર કાઢી હોસ્પિટલમાં લઇ જતા ચારને મૃત જાહેર કર્યા હતા. જયારે રીક્ષા ચાલકનો બચાવ થયો હતો. ચારેય હતભાગી યુવાન વાપીની કોલેજમાં અભ્યાસ કરતા હતા. ગઇકાલે મંગળવારે સાત વિદ્યાર્થીઓ રોહિયાળ તલાટ ગામે કોલકનદીમાં પાંડવ કુંડ બે રીક્ષામાં ફરવા ગયા તે વેળા ઘટના બની હતી.પ્રાપ્ત માહિતી અનુસાર દમણ વિસ્તારમા રહેતા અને વાપીની કેબીએસ કોલેજમાં ત્રીજા વર્ષમાં ભણતા સાત યુવાનો ગઇકાલે મંગળવારે વલસાડ જિલ્લાના કપરાડાના રોહિયાળ તલાટ ગામરપે કોલક નદીમાં આવેલ પાંડવ કુંડ બે ઓટો રીક્ષામાં ફરવા ગયા હતા. તે દરમિયાન તમામ યુવાનો કોલક નદી કિનારે પહોંચ્યા હતા. જ્યાં બે યુવાનો ન્હાવા પડતા ડુબવા લાગતા રીક્ષા ચાલક સહિત ત્રણ યુવાનો બચાવવા પડયા હતા. પરંતુ પાંચેય યુવાનો નદીના પાણીમાં ગરક થઇ ગયા હતા. અન્ય યુવાનોએ ભારે બુમાબુમ કરતા લોકો દોડી આવ્યા હતા. ઘટનાને પગલે પોલીસ, સરપંચ પણ પહોંચી ગયા બાદ લોકોએ પાંચ યુવાનો ધનંજય લીલાઘર ભોંગળે (ઉ.વ.૨૦, રહે. સત્કાર બીલ્ડીંગ ડીમાર્ડની સામે સોમનાથ, ડાભેલ,દમણ), આલોક પ્રદિપ શાહે (ઉ.વ.૧૯, રહે. સાગર બીલ્ડીંગ -સી વીંગ ડાભેલ, દમણ), અનિકેલ સંજીવસીંગ જાતે સીંગ (ઉ.વ.૨૨, રહે. ડાભેલ, સોમનાથ, દમણ), લક્ષ્મણપુરી અશોકપુરી ગોસ્વામી (ઉ.વ.૨૨,રહે. હરીશભાઇની ચાલી, ડાભેલ, દમણ) અને રીક્ષા ચાલક દેવરાજ કેશવ વાનખેડે (ઉ.વ.૨૧, રહે. સત્કાર બીલ્ડીંગ ડીમાર્ડની સામે સોમનાથ, ડાભેલ દમણ) યુવાનોને બહાર કાઢ્યા હતા. તમામ યુવાનોને હોસ્પિટલમાં લઇ જવાતા ચાર વિદ્યાર્થીઓ ધનંજય ભોંગળે, આલોક શાહે, અનિકેલ સિંગ અને લક્ષ્મણપુરી ગૌસ્વામીને મૃત જાહેર કરાયા હતા. જ્યારે રીક્ષા ચાલક દેવરાજ વાનખેડેનો બહાર થતા સારવાર શરૂ કરાઇ હતી. કપરાડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. વાપીની કેબીએસ કોલેજમાં અભ્યાસ કરતા ચારેય વિદ્યાર્થીઓના મોતને પગલે પરિવારજનો પર આભ તુટી પડયું હતું. કોલેજના વિદ્યાર્થીઓને પણ જાણ થતા શોકની કાલીમા પ્રસરી ગઇ હતી.