Jafrabad નજીક સરોન ક્રશરના માલિક પર 5 શખ્સોનો હુમલો

Share:

Amreli,તા.20

જાફરાબાદનાં નાગેશ્રી નજીક લોર હેમાળ ગામની સીમમાં આવેલ મહેશ્વરી ક્રશરમાં ગત સાંજે પાંચ શખ્સોએ હુમલો કરી ક્રશરના માલિકનો હાથ ભાંગી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. તેઓએ ચોરીની પોલીસ ફરિયાદમાં શકમંદોના નામ આપ્યા હોવાથી હુમલો કરાયાનું ખુલ્યું છે.

મળતી માહિતી મુજબ, નાગેશ્રી નજીક આવેલા મહેશ્વરી સ્ટોન ક્રશરના માલિક રાજેશભાઈ નાનુભાઈ માંગરોળીયાએ થોડા દિવસો પહેલાં તેમના ક્રશરમાંથી કપ્ચી અને ડીઝલની ચોરી થતી હોવાની શંકાના આધારે નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. જેમાં તેમણે ડ્રાઈવરો અને કેટલાક માણસો ગાડીઓમાંથી અને ભડિયામાંથી કપ્ચી અને ડીઝલ કાઢતા હોવાનો શક વ્યક્ત કર્યો હતો અને શકદારોમાં અનિલભાઈનું નામ આપ્યું હતું. આ વાતનું મનદુઃખ રાખીને આરોપીઓએ ફરિયાદીના મહેશ્વરી સ્ટોન ક્રશર નામના ભડિયામાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો.

ફરિયાદીના જણાવ્યા અનુસાર, આરોપી કુરજીભાઇ ચાવડાએ તેમને કહ્યું હતું કે, ધતેં મારા છોકરા અનિલભાઈનું નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં ડીઝલ અને કપ્ચી ચોરીમાં નામ કેમ આપેલ છે, હવે તો તારો ભડીયો બંધ કરાવી દેવો છેધ તેમ કહી ગાળો આપી, લોખંડની પાઈપથી માર મારી ડાબા હાથે કાંડાના ભાગે ફેક્ચર કર્યું હતું અને શરીરે મૂંઢ ઈજા પહોંચાડી હતી. આરોપી વિજયભાઇ ચાવડા એ પણ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ અન્ય આરોપીઓ પણ આવી પહોંચ્યા હતા અને ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આમ, તમામ આરોપીઓએ એકબીજાને મદદગારી કરી હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.

આ ઘટનામાં રાજેશભાઈ નાનુભાઈ માંગરોળીયા (ઉ.વ. 35, ધંધો. વેપાર, રહે. ઉના એમ.કે. પાર્ક સોસાયટી નવી મામલતદાર ઓફિસની બાજુમા, જી. ગીર સોમનાથ) એ કુરજીભાઈ સવાભાઈ ચાવડા, વિજયભાઈ વિઠ્ઠલભાઈ ચાવડા, અનિલભાઈ કુરજીભાઈ ચાવડા, દિપકભાઈ હિંમતભાઈ ચાવડા અને સંજયભાઈ કુરજીભાઈ ચાવડા (તમામ રહે. એભલવડ, તા. જાફરાબાદ, જી. અમરેલી) સામે નાગેશ્રી પોલીસ મા ફરિયાદ નોંધાવી છે. આ અંગે નાગેશ્રી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *