Gujarat,તા.03
ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરાથી વધુ ચાર બાળકોના મૃત્યુ નીપજ્યા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક વધીને 65 થયો છે. છેલ્લા એક અઠવાડિયામાં જ 17 બાળકોએ શંકાસ્પદ ચાંદીપુરા સામે જીવ ગુમાવ્યો છે.
મળતી માહિતી અનુસાર, અત્યારસુધી સાબરકાંઠામાં 5, મહેસાણા, અરવલ્લી,ગાંધીનગર, જામનગર, દાહોદ, બનાસકાંઠા અને કચ્છમાં 3, ખેડા, મહીસાગર, સુરેન્દ્રનગર, ગાંધીનગર કોર્પોરેશન અને વડોદરામાં 2, રાજકોટ, મોરબી 4, અમદાવાદ કોર્પોરેશનમાં 6, પંચમહાલમાં 7, નર્મદા, વડોદરા કોર્પોરેશન, દેવભૂમિ દ્વારકા, સુરત કોર્પોરેશન, ભરૂચ, જામનગર, ગીર સોમનાથ અને પાટણમાં એક-એકનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મૃત્યુ થયું છે.
પંચમહાલમાં સૌથી વધુ કેસ
શુક્રવારે (બીજી ઓગસ્ટ) કુલ પોઝિટિવ કેસ વધીને 57 થયા છે. જેમાં પંચમહાલમાં સૌથી વધુ 7, સાબરકાંઠામાં 6, મહેસાણામાં 5, ખેડા- કચ્છમાં 4, અમદાવાદ કોર્પોરેશન, અરવલ્લી, રાજકોટ, દાહોદમાંથી 3-3 પોઝિટિવ કેસ નોંધાયા છે. કુલ શંકાસ્પદ કેસનો આંક વધીને 151 થયો છે. રાજ્યમાં હાલ વાયરલ એન્કેફેલાઇટિસના 25 દર્દી દાખલ છે અને 61ને રજા અપાઈ છે.
ચાંદીપુરા વાયરસ ફેલાવતી સેન્ડ ફ્લાય માખી કઈ રીતે જોખમી હોય છે?
•સેન્ડ ફ્લાય માખી ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દિવાલ પર ભેજવાળા વાતાવરણમાં થાય છે.
•આ સેન્ડ ફ્લાય નરી આંખે જોઈ શકાય તેવી સામાન્ય માખી કરતાં ચાર ગણી નાની હોય છે.
•સેન્ડ ફ્લાય ગ્રામ્ય વિસ્તારના ખાસ કરીને માટીના ઘરમાં દિવાલની તિરાડોમાં રહે છે.
•સેન્ડ ફ્લાય દ્વારા ચાંદીપુરા ઉપરાંત કાલા આઝાર જેવા રોગ પણ ફેલાય છે.
•સામાન્ય રીતે 14 વર્ષ સુધીના બાળકો કે જેમની રોગપ્રતિકારકશક્તિ ઓછી હોય તેમને થવાનું જોખમ રહે છે.