RAJKOT, તા.16
સ્તન કેન્સર એ ભારતીય મહિલાઓમાં સૌથી વધુ જોવા મળતુ કેન્સર છે. જેના આંકડા પ્રતિદિન વધી રહ્યા છે. ભારતમાં દર 4 મિનિટે એક સ્ત્રીમાં સ્તન કેન્સરનુ નિદાન થાય છે જયારે દર 13 મિનિટે એક સ્ત્રી સ્તન કેન્સરથી મૃત્યુ પામે છે,જે અત્યંત ચિંતાજનક વિષય છે. આથી જ ઓકટોબર મહિનાને વિશ્વસ્તરે સ્તન કેન્સર જાગૃતિ માસ” તરીકે ઉજવવામાં આવે છે,
જેથી આ કેન્સર માટે જવાબદાર પરિબળો વિશે જન જાગૃતી કેળવીને તેને થતું અટકાવી શકાય તેમજ શરૂઆતના સ્ટેજમાં નિદાનની સ્ક્રીનીંગ પધ્ધતીઓના બહોળા પ્રચારથી તેને વહેલી સારવાર આપી દર્દીને કેન્સરમુકત કરી શકાય છે.
રાજકોટ કેન્સર સોસાયટીના(નાથાલાલ પારેખ કેન્સર ઈન્સ્ટીટયુટ) ઓન્કો રેડીયોલોજીસ્ટ ડો.દિવ્યા સિંધ એ જણાવેલ કે સ્તન કેન્સર સામાન્ય રીતે 50-60 વર્ષની સ્ત્રીઓમાં જોવા મળે છે. પરંતુ તે નાની વયની સ્ત્રીઓમાં તેમજ પુરૂષોમાં પણ થઈ શકે છે.
આ માટે જવાબદાર કારણોમાં મુખ્યત્વે મોટી ઉંમરે માતૃત્વ,બાળકોને સ્તનપાન ના કરાવવુ,મેદસ્વિતા, બિન આરોગ્યપ્રદ ખોરાક, ઉંઘનો અભાવ, બેઠાળુ જીવન,અમુક અંત:સ્ત્રાવી દવાઓનો ઉપયોગ,ધુમ્રપાન કે દારૂનુ સેવન તેમજ આનુવંશિક પરિબળોનો સમાવેશ થાય છે. સ્તન કેન્સરની સ્ક્રીનીંગ પધ્ધતીઓ, કે જે રોગના લક્ષણ રહિત વ્યકિતઓમા ખુબ શરૂઆતના સ્ટેજમાં કેન્સરનુ નિદાન શકય બનાવે છે.