Pune,તા.04
મહિલાઓની સુરક્ષા મુદ્દે સરકારના તમામ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. મહારાષ્ટ્રના બદલાપુરનો બદલો હજી પૂરો થતાં વાર નથી થઈ ત્યાં રાજ્યના પુણે જિલ્લામાં વધુ એક દુષ્કર્મની ઘટના ઘટી છે. પુણે ફરવા ગયેલી 21 વર્ષીય યુવતી પર 3 લોકોએ મળી ગેંગરેપ કર્યો હતો.
ફરવા ગયેલી યુવતીના મિત્રએ વિરોધ કરતાં આરોપીઓએ તેની પણ ધુલાઈ કરી હતી. પોલીસે યુવતીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, યુવતી પોતાના એક મિત્ર સાથે ફરવા ગઈ હતી. તે દરમિયાન મોડી રાત્રે સુમસામ જગ્યા પર ત્રણ છોકરાઓએ તેમને પકડી લીધા હતા. ત્યારબાદ આરોપીઓ યુવતીની છેડતી કરવા લાગ્યા હતા. યુવતીના મિત્રે તેનો વિરોધ કરતાં તેની ધોલાઈ કરી અને યુવતી સાથે ગેંગરેપ કર્યો હતો.
આરોપીની ધરપકડ માટે 10 ટીમો તૈનાત
પોલીસે જણાવ્યું કે, યુવતી મોડી રાત્રે પોતાના મિત્ર સાથે બોપદેવ ઘાટ વિસ્તારમાં ફરવા ગઈ હતી, ત્યાં રાત્રે 11 વાગ્યે તેની સાથે ગેંગરેપ થયો હતો. ઘટનાની જાણ સવારે પાંચ વાગ્યે પોલીસને થઈ હતી. આરોપીની શોધખોળ ચાલુ છે. ધરપકડ માટે ક્રાઈમ બ્રાન્ચ અને ડીબીની દસ ટીમો તૈનાત કરવામાં આવી છે.
મહારાષ્ટ્ર સરકાર પર સાધ્યું નિશાન
મહારાષ્ટ્રમાં અવાનવાર બનતી દુષ્કર્મની ઘટનાઓને ધ્યાનમાં લેતાં એનસીપી સાંસદ સુપ્રિયા સુલેએ રાજ્ય સરકાર પર નિશાન સાધતાં કહ્યું છે કે, ‘પુણેમાં શું ચાલી રહ્યું છે? પુણે સહિત સમગ્ર રાજ્યમાં મહિલાઓ વિરૂદ્ધ હિંસાઓની ઘટનાઓ સતત વધી રહી છે. ગૃહ વિભાગે આ ઘટનાઓને અટકાવવા માટે કોઈ કડક પગલાં લીધા નથી. દુર્ભાગ્યવશ મહારાષ્ટ્ર મહિલાઓ માટે અસુરક્ષિત બન્યું છે.’