બાય બાય કહેવામાં ગુજરાતીઓ પણ હવે ઇંગ્લિશ કલ્ચરને પાછળ રાખી દે તેમ આજે ઉજવણી કરશે પણ ભાગ્યે જ કોઇ વર્ષમાં શું મળ્યું તે શોધી શકશે, હા એ નિશ્ચિત છે કે શું ગુમાવ્યું તેની હારમાળા છે, હરણી કાંડમાં અનેક માતા-પિતાઓએ તેમના સંતાનો ગુમાવ્યા, અધુરૂ હતું તો ટીઆરપી કાંડ સર્જાયો અને તેમાં વધુ બાળકો અને કિશોરો હોમાયા, સરકારે થોડા લાખ રૂપિયા ફેંકીને લોકોની સંવેદના ખરીદી લીધી પછી જૈસે થે જેવી સ્થિતિ બની છે. તમામમાં જેઓ અસલી વિલન છે તે પોલીટીશ્યન સુધી કોઇનો હાથ પહોંચી શકયો નથી
ગુજરાત નકલીઓની ફેકટરી હોય તેવું જણાયું, નકલી પોલીસ, નકલી, તબીબ, નકલી ન્યાયમૂર્તિ, નકલી સરકારી કચેરી અને નકલી અદાલત, પીએમઓ અને સીએમઓના અધિકારી પણ નકલી આમ ગુજરાતે 2024માં નવો રેકોર્ડ બનાવ્યો તો બીજી તરફ ઉડતા પંજાબને ભુલાવે તેમ ડ્રગ્સ ટ્રાન્સપોર્ટર ગુજરાતનું બિરૂદ પણ મેળવ્યુ અને ચણા મમરાની જેમ ડ્રગ્સ પકડાયા
પોલીટીકલી જોઇએ તો સ્થિરતા તો રહી પણ ભાજપના ધારાસભ્યો આ વર્ષ ભુલવા માંગશે જયારે મંત્રીમંડળનું વિસ્તરણ લઇને બોર્ડ નિગમની નિયુકિત માટે લાકડી અને ગાજરની નીતિ ચાલુ રહી, 161 છતાં પણ લોકો માટે કેટલો ધબકાર થયો તે પ્રશ્ન છે, કોંગ્રેસ રાબેતા મુજબ નવી ચૂંટણી સુધી સુઇ ગઇ અને આમ આદમી પાર્ટી પ્રેસનોટ પર જ ચાલી ગઇ છે
ખ્યાતિ કાંડથી પુરવાર થયું કે સફેદ ડગલામાં કેટલાક દેવદુતો માટે પૈસા જ મહત્વના છે, માનવ જિંદગી નહી અથવા તો જિંદગી બચાવીને પૈસા કમાવ અને જિંદગીના ભોગે પણ કમાણી થાય તો પણ વાંધો નથી, બીઝેડ પોન્ઝી સ્કીમથી એ પણ નિશ્ચિત થયું કે એકના ડબલની લાલચમાં આવનારા શિક્ષીત ગુજરાતમાં પણ ઓછા નથી, સૌથી મહત્વનું એ છે કે પોલીટીકલ પીઠબળથી કૌભાંડીઓ ખુદને સલામત માનવા લાગ્યા છે
2024માં ગુજરાત યાદ રાખવા કરતા ઘણુ ભુલવા માંગશે અને કદાચ બોધપાઠ પણ શીખો હશે તો 2024 જેવું વર્ષ તાજેતરમાં ગુજરાતે કદી જોયુ નહીં હોય અને માનવસર્જીત દુર્ઘટનાથી લઇને માનવ સર્જીત ફ્રોડ ગુજરાતમાં સૌથી વધુ જોવા મળ્યા. એક તરફ વડોદરાના હરણી કાંડથી લઇને રાજકોટના ટીઆરપી કાંડએ સમગ્ર રાજયને (સિવાય કે વહીવટી તંત્ર)ને હચમચાવી દીધુ. ખ્યાતિ હોસ્પિટલ કાંડથી લઇને બીઝેડ પોન્ઝી સ્કીમના ભુપેન્દ્ર ઝાલાએ લોકોને અને સરકારને કઇ રીતે બેવકુફ બનાવી શકાય તે પણ નિશ્ચિત કરી લીધુ.
પોલીટીકલ દ્રષ્ટિએ ગુજરાતમાં મંત્રીમંડળની રચનામાં ગાજર અને લાકડીની સ્થિતિ હજુ જોવા મળી રહી છે. તો જે રીતે છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ભાજપે તમામ 26 બેઠકો જીતીને હેટ્રીક કરી હતી તેમાં ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા બેઠક જીતી પંચર પાડી દીધુ પરંતુ થોડા જ મહિનામાં વાવ બેઠકની પેટા ચૂંટણી જીતીને ભાજપે તેના ટાયરમાં વલ્કેનાઇઝ કરવા પ્રયત્ન કર્યો છે અને હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પર સૌની નજર છે.
સૌથી વધુ તો ગુજરાતના મહાનગરો એક પછી એક સ્કેમમાં ફસાતા ગયા તો ગુજરાત નકલીઓની ફેકટરીઓ પણ સાબિત થયું. નકલી પોલીસ, નકલી તબીબ, નકલી અધિકારી, નકલી સરકારી કચેરી અને નકલી ન્યાયમૂર્તિ હદ તો ત્યાં સુધી થઇ કે નકલી કોર્ટ પણ ચાલતી હતી અને છતાં પણ વર્ષો સુધી તેની કોઇ જાણ ન હતી.
ગુજરાત રાજકોટનો ટીઆરપી કાંડ કદી ભુલી ન શકે છતાં પણ અત્યારે કદાચ તે ભુલાઇ ગયો હોય તેવી સ્થિતિ છે. સૌથી મહત્વનું એ છે કે વડોદરાની હરણી બોટ દુર્ઘટના હોય કે પછી રાજકોટનો ટીઆરપી કાંડ તમામમાં ફકત પરદા આગળના ખેલાડીઓ અને તેમાં પણ પસંદગીના ખેલાડી હવે અપરાધી બન્યા છે. પડદા પાછળના ખેલાડીઓ પોલીટીકલી સલામત બનીને બીજો ટીઆરપી કાંડ સર્જાય તેવી બિન્દાસ પ્રવૃતિમાં સામેલ થયા છે.
ગુજરાત બીજી રીતે જોઇએ તો ડ્રગ્સની હેરાફેરીનું કેપીટલ પણ બની ગયું હોય તેમ દરિયા કિનારે ડ્રગ્સના પેકેટ બિનવારસી મળે છે અથવા મધદરિયે બોટો ઝડપાઇ છે પરંતુ કદી તેના અસલી ડ્રગ્સ ડિલર પકડાતા નથી. આમ ગુજરાતે ડ્રગ્સમાં પણ જે રેકોર્ડ સર્જર્યો છે તે ભારતમાં ઉડતા પંજાબની જેમ ડ્રગ્સ ટ્રાન્સપોર્ટ ગુજરાત તેવું વિશેષણ આપી તો કદાચ આશ્ચર્ય થશે નહીં.
રાજકોટના ટીઆરપી કાંડે 27ના ભોગ લીધા પણ ત્યાર પછી ખેલ જોવા મળ્યો તે પણ સૌને આંચકો આપી ગયો એક મહાનગરપાલિકાના ટીપીઓ 40-50 કરોડનું સોનુ અને કરોડોની સંપતિ છતાં પણ તેનાથી આગળ પોલીસ વધી નહી અથવા તો વધવા દીધી નહીં અને લોકોને તંત્રમાં વિશ્ર્વાસ બેસે તેવી કોઇ કાર્યવાહી થઇ નહીં વર્ષનો પ્રારંભ જોકે હરણી બોટ દુર્ઘટનાથી થયો કે જયારે માસુમ બાળકો તંત્રની બેદરકારીનો શિકાર બની ગયા થોડા લાખ રૂપિયા ફેંકો અને સંવેદના ખરીદી લો તેવી સ્થિતિ ગુજરાતમાં આ પ્રકારના માનવસર્જીત કાંડ સમયે જોવા મળી છે.
બીજી તરફ ડેથ બાય ડિઝાઇનનો શ્રેષ્ઠ નમુનો ખ્યાતિ હોસ્પિટલ કાંડ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો ગેરલાભ ઉઠાવીને સફેદ ડગલામાં દેવદુત ગણાતા તબીબો કેવા યમદુત સાબિત થઇ શકે છે તે પણ બહાર આવ્યું અને નાણા માટે તેઓ કઇ હદ સુધી જઇ શકે છે તે પણ નિશ્ચિત થયું. તો બીજી તરફ બીઝેડ પોન્ઝી સ્કીમ અને તેનો માસ્ટર માઇન્ડ ભુપેન્દ્ર ઝાલાએ ફકત એક નમુનો છે ગુજરાતમાં જે રીતે સરકારી રજીસ્ટર કચેરીમાં પણ ડુપ્લીકેટ દસ્તાવેજો બનીને મિલ્કતોના માલીક ફેરવી દેવાય છે તે પણ આપણે જોયુ તો ગુજરાત ફેકની ફેકટરી પણ બની ગઇ હોય તે પણ સ્થિતિ જોઇ.
પોલીટીકલી જોઇએ તો ગુજરાતને સ્થિરતા એટલે મળી કે 2022માં 156 બેઠકો ભાજપને રાજયની જનતાએ આપી હતી તેમાં વળી પાંચનો વધારો થયો આમ 161 બેઠક પછી રાજકારણને અસ્થિર કરવાવાળુ ભાગ્યે જ કોઇ સામે બચ્યુ હતું પણ મહત્વનું એ છે કે ગુજરાતમાં ભાજપના લોકો માટે આ વર્ષ ભુલવા જેવું રહ્યું. લોકસભા ચૂંટણીમાં જે વિવાદો સર્જાયા તે સૌની સામે છે પણ બનાસકાંઠા હારીને ભાજપ એ મોદી-શાહના ગુજરાતને હેટ્રીક કરવા ન દીધી તે અફસોસ રહી ગયો.
વાવ જીતી તે કોન્સોલેશન પ્રાઈઝ જેવું બની રહ્યું બીજી તરફ ગુજરાત મંત્રીમંડળમાં હમણા સ્થાન મળશે… હમણા સ્થાન મળશે તેની રાહમાં 140થી વધુ ધારાસભ્યો ગાંધીનગરનો એક પણ કોલ મીસ ન થાય તેની ચિંતા કરે છે. 2025માં પણ એ કયારે થશે તે પ્રશ્ન છે. કોંગ્રેસ રાબેતા મુજબ સુઇ ગઇ છે અને તેને જગાડવા કુંભકર્ણની જેમ નગારા વગાવડા પડશે આમ આદમી પાર્ટીએ પ્રેસનોટ પાર્ટી બની રહી છે તે પણ નિશ્ચિત છે આમ ગુજરાતની જનતા પણ આ વર્ષ ભુલવા માંગશે.