વિનેશ ફોગાટ :
માત્ર પોતાની કેટેગરી કરતા થોડા વધુ વજનને કારણે છેલ્લી ઓલિમ્પિકની ફાઈનલમાંથી બહાર થઈ જવા છતાં રેસલર વિનેશ ફોગાટને દેશ- દુનિયામાંથી કરોડો લોકોની સહાનૂભૂતિ મળી. એક પણ મેડલ વિના એણે લોકોના દિલ જીતી લીધા. નાસીપાસ થઈને વિનેશે કુસ્તીમાંથી નિવૃત્તિ લઈ લીધી અને પોતાની લોકપ્રિયતાને એન્કેશ કરી લેવા રાજકારણમાં ઝંપલાવી દીધું. હવે જોવાનું એ રહે છે કે એને પહેલવાની જેટલું જ પોલિટિક્સ ફળે છે કે કેમ.
મનુ ભાકર :
શૂટર મનુ ભાકરે ૨૦૨૪ની ઓલિમ્પિકમાં ૧૦ મિટર એર રાઈફલ શૂટીંગ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતી ભારત માટે મેડલનું ખાતુ ખોલ્યું. ૩ વરસ પહેલા ટોકિયો ઓલિમ્પિકમાં પોતાના નિરાશાજનક પર્ફોર્મન્સ બાદ ભારે ઘણાં આંસુ સાર્યા હતા. એ ભુલાવીને જબરદસ્ત આત્મવિશ્વાસ સાથે પેરિસ ઓલિમ્પિક્સમાં ઉતરીને હરિયાણાની મહિલા શૂટરે એકને બદલે બે બ્રોન્ઝ મેડલ ખિસ્સામાં મૂકી દીધા. ૧૦ મિટરની મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં મનુએ સરબજિત સિંહ સાથે કાસ્ય ચન્દ્રક મેળવ્યો.
મનિકા બત્રા :
સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી મનિકા ઓલિમ્પિકના રાઉન્ડ ઓફ ૧૬ માં પ્રવેશનાર પહેલી ભારતીય બની. આ વરસે રમાયેલી પેરિસ ઓલિમ્પિકમાં મનિકાને જાપાનની મિઉ હિરોનેએ ૪-૧ થી હરાવી ક્વાર્ટર ફાઈનલમાંથી બહાર કરી દીધી. હારવા છતાં બઝાત્રાએ પ્રિ-ક્વાર્ટર ફાઈનલ સુધીની મજલ કાપીને ઈતિહાસ રચ્યો.
સવિતા પુનિયા :
ઝારખંડની આ ખેલાડીએ ૨૦૨૪મા ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન બનવાનું બહુમાન મેળવ્યું.
પ્રગતિ ગોવડા :
મોટાભાગે પુરુષોનું આધિપત્ય ધરાવતા મોટરસ્પોર્ટ્સમાં પ્રગતિ ગોવડા ભારતનું લેટેસ્ટ સેન્સેશન બની ગઈ છે. ૨૦૨૪માં રેલે ડેસ વેલીસમાં પ્રગતિએ અભુતપૂર્વ ડેબ્યુ કર્યું. ૫ કાર ક્લાસમાં ૨૩. ૧૫.૮ ના ટાઈમિંગ સાથે ગોવડા રેલીમાં ત્રીજા નંબરે આવી એક ન્યુકમર માટે આ બહુ સારી શરૂઆત ગણાય.
દીપિકા કુમારી :
ભારતની રિકર્વ આર્કર (તીરંદાજ) દીપિકા કુમારીએ આ વરસે વિશ્વ કપ ફાઈનલમાં પાંચમો સિલ્વર મેડલ હાંસલ કર્યો. કમનસીબે બે ફાઈનલમાં એ ચીનની મહિલા આર્કર લિ જિયામેન સામે ૦.૬ થી પરાજિત થઈ. અહીં નોંધવું ઘટે કે દીપિકાને ફાઈનલ સુધી પહોંચવામાં કોઈ મુશ્કેલી ન નડીં.
હિમા દાસ :
આસામની આ દોડવીરના નામે એક બે નહિ, ૫ ગોલ્ડ મેડલ બોલે છે.
૫ ગોલ્ડ મેડલ જીતનાર એ પહેલી ભારતીય એથ્લીટ છે. આઈએએએફ વર્લ્ડ અન્ડર ૨૦ ચેમ્પિયનશીપમાં ૫૧.૪ સેકન્ડના સમયમાં એણે આ સિદ્ધિ મેળવી. એ રીતે ફિનલેન્ડના તામ્પેરમાં યોજાયેલી અન્ડર -૨૦ ચેમ્પિયન શીપમાં એથ્લીટ હિમાએ ભારત વતી નવો ઈતિહાસ રચ્યો.