New Delhi,તા.09
દિલ્હી લીકર પોલિસી કેસમાં પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરતાં સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી. 17 મહિના બાદ આખરે મનીષ સિસોદિયાને જામીન મળી ગયા છે. આ મામલે જસ્ટિસ બી.આર.ગવઇ અને જસ્ટિસ કે.વી.વિશ્વનાથની બેન્ચે ચુકાદો સંભળાવ્યો હતો. આ પહેલા બેન્ચે 6 ઓગસ્ટે આ મામલે જ ચુકાદો અનામત રાખ્યો હતો.
દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો
ઉલ્લેખનીય છે કે દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે સિસોદિયાની જામીન અરજી ફગાવી હતી. જેની સામે આખરે સુપ્રીમ કોર્ટે તેમને રાહત આપી હતી.
સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભળાવતા શું કહ્યું?
ચુકાદો સંભળાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે મનીષને લાંબા સમય સુધી જેલમાં રખાયા છે. કોઈપણ પ્રકારની સજા વિના કોઈને આટલા લાંબા સમય સુધી જેલમાં રાખી ન શકાય. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે મનીષ સિસોદિયાને નીચલી કોર્ટ પછી હાઈકોર્ટ જવા કહ્યું હતું અને તેના પછી જ સુપ્રીમ કોર્ટમાં આવવા કહ્યું હતું. તેમણે બંને કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેના પછી મનીષે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. પહેલા આદેશ અનુસાર 6થી 8 મહિનાની મુદ્દત વીતી ગઈ છે. વિલંબના આધારે જામીનની વાત અમે ગત વર્ષે ઓક્ટોબરના આદેશમાં જ કહી દીધી હતી.
ધરપકડ કેમ કરવામાં આવી હતી?
મનીષ સોસિદિયાની દિલ્હી લિકર પોલિસી 2021-22ની રચના અને અમલીકરણમાં ભ્રષ્ટાચાર કરવાના આરોપમાં 26મી ફેબ્રુઆરી 2023માં સીબીઆઈએ ધરપકડ કરી હતી.