Delhi: સોશિયલ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક સહિત 130 લોકો કસ્ટડીમાં, રાહુલ ગાંધી

Share:

Delhi,તા.01

સોશિયલ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકને દિલ્હી પોલીસે સિંધૂ બોર્ડર પર કસ્ટડીમાં લીધા છે. તેમની સાથે લગભગ 130 લોકોને પણ કસ્ટડીમાં લીધા છે. સોનમ વાંગચુક પોતાની 700 કિલોમીટર લાંબી ‘દિલ્હી ચલો પદયાત્રા’ કરતાં હરિયાણાથી દિલ્હીમાં દાખલ થયા તો પોલીસે તેમને અટકાવી દેવાયા. તેમની સાથે લદ્દાખથી લગભગ 130 કાર્યકર્તા પણ દિલ્હી તરફ પ્રોટેસ્ટ કરવા આવી રહ્યા હતા.

આ મામલે લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે ‘સોનમ વાંગચુકજી અને પર્યાવરણ અને બંધારણીય અધિકારો માટે શાંતિપૂર્ણ માર્ચ કરી રહેલા સેંકડો લદાખીઓને કસ્ટડીમાં લેવા અસ્વીકાર્ય છે. લદાખના ભવિષ્ય માટે ઊભા રહેનાર વૃદ્ધોને દિલ્હીની સરહદ પર કેમ કસ્ટડીમાં લેવામાં આવી રહ્યાં છે? મોદીજી, ખેડૂતોની જેમ આ ચક્રવ્યૂહ પણ તૂટશે અને તમારો અહંકાર પણ તૂટશે. તમારે લદાખનો અવાજ સાંભળવો પડશે.’

સોનમ વાંગચૂકની સાથે લગભગ 130 લોકો દિલ્હીની જેમ પ્રોટેસ્ટ કરવા આવી રહ્યા હતા. આ દરમિયાન પોલીસે તમામને કસ્ટડીમાં લીધા. વાંગચુક સહિત અમુક પ્રોટેસ્ટર્સને દિલ્હીના નરેલા ઈન્ડસ્ટ્રિયલ એરિયા પોલીસ સ્ટેશન લઈ જવાયા છે. દિલ્હી પોલીસે કાયદો વ્યવસ્થાનો હવાલો આપતાં સોનમ વાંગચુક સહિત તમામને કસ્ટડીમાં લીધા છે. જાણકારી અનુસાર કસ્ટડીમાં લેવાયેલા તમામ લોકોને અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે.

સોમવારે જ દિલ્હી પોલીસ કમિશ્નરે દિલ્હીના ઘણા વિસ્તારોમાં BNS ની કલમ 163 લાગુ કરી દીધી છે, જે બાદ 5થી વધુ લોકોને એક સાથે જમા થવા પર પ્રતિબંધ છે તેમજ પ્રોટેસ્ટ કરવા પર પણ પ્રતિબંધ છે.

કસ્ટડીમાં લીધા પહેલા વાંગચુકે પોસ્ટ કર્યો વીડિયો

કસ્ટડીમાં લઈ ગયા પહેલા સોનમ વાંગચુકે ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો. તેમાં તેમણે કહ્યું કે ‘અમે પંજાબથી દિલ્હી જઈ રહ્યાં છીએ, રસ્તામાં હરિયાણા અને દિલ્હી પોલીસની ગાડીઓ અમને એસ્કોર્ટ કરી રહી હતી પરંતુ જેમ-જેમ અમે દિલ્હી તરફ આગળ વધી રહ્યાં છીએ, એવું લાગી રહ્યું છે કે પોલીસ અમને એસ્કોર્ટ નહીં, પરંતુ એક રીતે ડિટેન કરી રહી છે. અમારી બસમાં 2 પોલીસ અધિકારી આવ્યા છે, અમને જણાવાઈ રહ્યું છે કે દિલ્હી બોર્ડર પર 1000 પોલીસ કર્મચારી તહેનાત કરવામાં આવ્યા છે. આગળ શું થશે, અમને ખબર નથી. અમને બસમાં લઈ જવાઈ રહ્યા છે.’

શા માટે સોનમ વાંગચુક પ્રદર્શન કરી રહ્યાં છે?

સોનમ વાંગચુક 1 સપ્ટેમ્બરે લગભગ 130 લોકોની સાથે લદાખથી નીકળ્યા હતા. આ દરમિયાન તેઓ હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિ, મનાલી, કુલ્લુ, મંડી, ચંદીગઢ થતાં દિલ્હી બોર્ડર પર પહોંચ્યા હતા. સોશિયલ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક લદાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા અને બંધારણની છઠ્ઠી યાદીમાં સામેલ કરવાની માગ સતત કરી રહ્યાં છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *