Surat,તા.11
સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં હાલ વાર્ષિક પરીક્ષા માટે ટાઈમ ટેબલ જાહેર થઈ ગયું છે અને આગામી દિવસમાં પરીક્ષા પણ શરૂ થઈ જશે. જોકે, ચાલુ વર્ષે નાણાકીય વર્ષનો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે અને તેમાં પણ 11 તારીખ થઈ ગઈ છે તેમ છતાં શિક્ષકોના ખાતામાં હજી પગાર જમા થયો નથી. જેના કારણે બેંકમાં હપ્તા ચાલતા હોય તેવા શિક્ષકોને મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ છે. જોકે, હાલ થોડા સમય પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત પ્રવાસ હતો જેમાં તંત્ર વ્યસ્ત હોવાથી ગ્રાન્ટ ન આવી હોવાથી પગાર ન થયો હોવાની ચર્ચા ચાલી રહી છે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિકોના પગાર માટેની ગ્રાન્ટ છે ફાળવવામાં આવી ન હોવાથી શિક્ષકોનો પગાર હજી થયો નથી. પગાર ગ્રાન્ટ નાણા વિભાગમાંથી હજુ આવી નથી એવું કહેવાય રહ્યું છે કે ગત 7-8 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત અને દક્ષિણ ગુજરાતના પ્રવાસે હોવાથી તંત્ર વડાપ્રધાનના કાર્યક્રમની તૈયારીમાં હતું તેના કારણે ગ્રાન્ટની કામગીરી થઈ ન હોવાથી પગાર જમા થયો ન હોવાની ચર્ચા ચાલી રહી છે.
સામાન્ય રીતે શિક્ષકોનો પગાર 1થી 5 તારીખની વચ્ચે થઈ જાય છે જેના કારણે અનેક શિક્ષકો એવા છે જેમની બેંક લોન ચાલતી હોય તેવા ના હપ્તા 10થી 15 તારીખની વચ્ચે સીધા કપાઈ જાય છે. પરંતુ આ વખતે શિક્ષકોનો પગાર બેંકમાં જમા થયો નથી અને તેના કારણે બેંકમાં હપ્તાનું ટેન્શન તેઓને થઈ ગયું છે. હાલમાં શિક્ષણ સમિતિના શિક્ષકો શૈક્ષણિક સાથે બિન શૈક્ષણિક કામગીરી ના ભારણ હેઠળ દબાયેલા છે અને હાલમાં આરટીઆઈ માટે પણ ઓર્ડર નિકળ્યા છે તેથી શિક્ષકો પર ભારણ વધી રહ્યું છે તેવામાં પગાર ન થતાં શિક્ષકોની હાલત કફોડી થઈ રહી છે. આવી સ્થિતિમાં શિક્ષકો પગાર 5 તારીખ પહેલા જમા થઈ જાય તેવી માગણી કરી રહ્યાં છે.