New Delhi,તા.18
દૂરસંચાર વિભાગે શુક્રવારે સંચાર સાથી મોબાઈલ એપ રજૂ કરી હતી. આ એપના લોન્ચ થવાથી હવે કરોડો ગ્રાહક પોતાના મોબાઈલથી જ સાઈબર ફ્રોડ કે બોગસ કોલની ફરિયાદ કરી શકશે.
કેન્દ્રીય સંચાર મંત્રી જયોતિરાદીત્ય સિંધીયાએ પુરા દેશમાં દુરસંચાર પહોંચ, સુરક્ષા અને સશક્તિકરણને વધારવા માટે એક ઐતિહાસિક પગલા તરીકે નાગરિક-કેન્દ્રીત અનેક પહેલોનો શુભારંભ કર્યો હતો.
આ કાર્યક્રમના મુખ્ય આકર્ષણોમાં સંચાર સાથી મોબાઈલ એપ, રાષ્ટ્રીય બ્રોડબેન્ડ મિશન (એનબીએમ) 2.0નો શુભારંભ અને ડીબીએન દ્વારા 2.0નો શુભારંભ અને ડીબીએમ દ્વારા નાણાસહાય 4-જી મોબાઈલ સાઈટો પર ઈન્ટ્રા સર્કલ રોમીંગ સુવિધાનું ઉદઘાટન સામેલ હતું.
સંચાર સાથી એપને પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકાય છે. સંચાર સાથી મોબાઈલ એપ, એન્ડ્રોઈડ અને આઈઓએસ બન્ને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. જે યુઝર્સને પોતાના દુરસંચાર સંસાધનોને સુરક્ષિત રાખવા અને દુરસંચાર છેતરપીંડીથી છુટકારો અપાવવા મહત્વનો ઉપાય આપે છે.
ઉલ્લેખનીય છે કે, મે 2023માં જાહેર સંચાર સાથી પોર્ટલે 2.75 કરોડ છેતરપીંડીવાળા મોબાઈલ કનેકશન કાપવા અને 25 લાખથી વધુ ખોવાયેલા કે ચોરી થયેલા મોબાઈલ મેળવવા જેવી સિદ્ધિઓ મેળવી છે.
સાઈબર અપરાધો સાથે જોડાયેલા 12.38 લાખ વોટસએપ ખાતાને બંધ કરાવી દીધા છે અને છેતરપીંડી રોકવા 11.6 લાખ ગેરકાયદે બેન્ક ખાતા બંધ કરી દીધા છે.