સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી સોસાયટીમાં મનુભાઈ વોરા ઓપન એર થિયેટર ખુલ્લું મુકાયું

Share:

Rajkot તા.૧૬

રાજકોટ  સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી સોસાયટીમાં સીઝન્સ સ્ક્વેર ચેરીટેબલ ટ્રસ્ટ નિર્મિત ઓપન એર થિયેટરને ખુલ્લું મૂકતા સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીએ જણાવ્યું હતું કે, ‘‘ માનવીનો ભાવનાત્મક વિકાસ થાય એ આવશ્યક છે. આજે સમાજમાં ત્યાગનો , સંવેદનશીલતાનો દુકાળ છે. પેહલા સંસાધન ઓછા હતા પણ એકબીજાને મદદ કરવાની ખેવના વધુ હતી અને આજે સમૃદ્ધિ વધી છે પણ માનવીનો ભાવનાત્મક વિકાસ થતો નથી. ભારતની ઓળખ બને એવા ભાવનાત્મક વિકાસની જરૂરી છે.‘‘

સ્વામીજીએ આ પ્રસંગે મનુભાઈ વોરાનાં પરિવારનાં સમાજ પ્રત્યેનાં અભિગમને બિરદાવતા કહ્યું હતું કે, ‘‘હું રાજકોટમાં આવ્યો ત્યારથી એટલે કે ૩૫ વરસથી આ પરિવાર પાસે કોઈ જાય તો ખાલી હાથે પાછું ના ફરે એવું સાંભળતો આવ્યો છું અને આજે પણ પરિવારમાં એ ભાવના અકબંધ છે. અલ્કાબેન વોરા અને અજયભાઈ જોશી હરદમ સેવા માટે તત્પર રહે છે. વોરા પરિવારના મોભી મનુભાઈ વોરાના નામે આજે ઓપન એર થિયેટર બન્યું છે એ આનંદની વાત છે કારણ કે, કળા અને સાહિત્ય વિના માનવી પશુ બનીને રહી જાય છે. ‘‘

આ પ્રસંગે રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહે કહ્યું હતું કે,‘‘ મનુભાઈ વોરા પરિવાર સાથે અમારા પરિવારનો વર્ષોનો નાતો છે. એમનું ઘર અમારા માટે બીજું ઘર છે. એમણે પોતાની મોટાભાગની સંપત્તિ સમાજ માટે અર્પણ કરી છે એ પ્રેરણાદાયી છે.‘‘

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં પૂર્વ કુલપતિ ડૉ. કલ્પકભાઈ ત્રિવેદીએ મનુભાઈને યાદ કરતા કહ્યું હતું કે, ‘‘અમે  ગમે ત્યારે કોઈ કામ માટે એમની ઓફિસે જતા હોઇએ તો એ અમને જોઈ તુરંત કહેતા કે, બોલો શું મદદ જોઈએ છે? અને આજેય એમનો પરિવાર સેવા ક્ષેત્રે એટલો જ સક્રિય છે.‘‘ કલ્પકભાઈએ આજના કાર્યક્રમને પંચામૃત સમાન ગણાવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી  કર્મચારી સોસાયટીના નિર્માણનાં સમયને અને સોસાયટીની સ્થાપનામાં જેમની ખૂબજ મહત્વની ભૂમિકા રહી છે એવા આર. ડી. આરદેશણા, સ્વ . વી. એચ. જોશી, , યુ. એન. પંડ્યા અને તેઓની સમગ્ર ટીમને યાદ કર્યાં હતા. અને સમાજ તરીકે સૌ સાથે મળી જીવીએ , સમાજ માટે કૈક કરી છૂટીએ એવો અનુરોધ પણ ડો. કલ્પકભાઈ ત્રિવેદીએ કર્યો હતો.સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી સોસાયટીના પ્રમુખ પ્રો.  જયદીપસિંહ ડોડિયાએ મહેમાનોનું શબ્દોથી સ્વાગત કર્યું હતું

Leave a comment

Your email address will not be published. Required fields are marked *