Mumbai,તા.19
બિશ્નોઈ ગેંગની ધમકીનો સામનો કરી રહેલા બોલીવૂડના સુપર સ્ટાર સલમાન ખાનના પિતા અને જાણીતા સ્ક્રિપ્ટ રાઈટર સલીમ ખાને સવાલ કર્યો હતો કે સલમાને કોની માફી માગવી જોઈએ? શા માટે માફી માગવી જોઈએ?
દાયકાઓ પહેલાં રાજસ્થાનમાં કાળિયારના શિકારનો સલમાન ખાન પર આરોપ છે. પ્રાણી રક્ષક બિશ્નોઈ સમાજનું કહેવું છે કે સલમાને માફી માગવી જોઇએ. આ સંદર્ભમાં આજે એક ન્યુઝ ચેનલે સલીમ ખાનને કોલ કર્યો ત્યારે તેમણે સામો પ્રશ્ન પૂછ્યો હતો કે સલમાનને શિકાર કરતા કોણે જોયો છે? સલીમ ખાને કહ્યું હતું કે અમે તો કીડા-મકોડાને પણ મારતા નથી. મારા દીકરાએ કોઈ ગુનો કે શિકાર નથી કર્યો હતો. તેને ધમકીઓ ફક્ત ખંડણી ઉઘરાવવા માટે આપવામાં આવી રહી છે. સલમાને ક્યારેય કોઈ પ્રાણીનો શિકાર નથી કર્યો. તેણે કોઈ સાધારણ કોકરોચ પણ માર્યું નથી. અમે હિંસામાં વિશ્વાસ નથી રાખતાં.
દરમિયાન સલમાનને મળી રહેલી ધમકી સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે સલમાને હવે પહેલાં કરતાં વધુ સાવધ રહેવું પડશે મારા બેટાને સુરક્ષા કવચ પૂરૃં પાડવાની જવાબદારી સરકારની છે. સલીમ ખાને કહ્યું, લોકો અમને કહે છે કે તમે હંમેશા જમીન તરફ નીચું જુઓ છો. તમે ખૂબ જ નમ્ર છો. હું તેમને કહું છું કે આ શરમની વાત નથી. મને ડર છે કે મારા પગ નીચે એક જીવડું પણ ઘાયલ થઈ જશે તો મારા માટે સારું નહીં હોય. હું તેમને પણ સાચવતો રહીશ. સલીમ ખાને કહ્યું કે બિઇંગ હ્યુમનથી ઘણા લોકોને મદદ મળી છે. કોવિડ પછી તેમાં ઘટાડો થયો, પરંતુ તે પહેલા દરરોજ લાંબી લાઈનો લાગતી હતી. કેટલાકને સર્જરીની જરૂર હતી, કેટલાકને અન્ય મદદની જરૂર હતી. દરરોજ ચારસોથી વધુ લોકો મદદની આશામાં આવતા હતા.