પ્રથમ એજ્યુકેશન ફાઉન્ડેશન નામની દિલ્હીની સંસ્થા દર વર્ષે સમગ્ર ભારતમાં સર્વે કરીને એજ્યુકેશન રિપોર્ટ પ્રસ્તુત અને પ્રકાશિત કરે છે તે ખૂબ આવકાર્ય છે.સને 2011 થી શરૂ કરેલી આ ઉત્તમ પ્રક્રિયા આજે 2024માં 14માં રિપોર્ટ સાથે પ્રસ્તુત થઈ છે. જેથી સમગ્ર ભારતનું શિક્ષણ ચિત્ર શું છે તેનો ખ્યાલ સૌ કોઈને આવી શકે છે.દેશના 605 જેટલા જિલ્લાઓ અને 17,997 ગામડાઓ 6,49,491 વિદ્યાર્થીઓને આવરી લઈને તૈયાર થયેલો આ અહેવાલ અનેક રીતે સૌની આંખ ખોલનારો છે.તેમાં પણ ગુજરાતનું ચિત્ર કોઈ એક દોકલ પરિણામો સિવાય ખૂબ જ નિરાશાજનક દેખાઈ રહ્યું છે.
અહેવાલ જણાવે છે કે દેશમાં 3 થી 16 વર્ષના બાળકોનું નામાંકન વધ્યું છે. જે પાછલા વર્ષો કરતા ઘણું સારું દેખાઈ રહ્યું છે. જે 16.7 ટકાથી વધીને પ્રાથમિક શિક્ષણનું નામાંકન 98% પર સ્થિર થયેલું છે. તે સને 2020 કરતા વધુ અને ઉત્તમ છે. 15 થી 16 વર્ષની આયુ ના વિદ્યાર્થીઓ 70% ડિજિટલી કાર્યથી શીખી શકે છે તેવી ક્ષમતા ધરાવે છે. કક્ષા-3 ના અહેવાલો મુજબ 2018માં ગણિતની ક્ષમતા ધરાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 28.2% હતી તે વધીને 33.7 % થઈ છે. ધોરણ 5 ના વિદ્યાર્થીઓની ગણિત ક્ષમતા 2018માં 27.89% હતી તે વધીને 30.7% થઈ છે એ જ રીતે વાંચનમાં પણ સને 18 માં 20.9% થી વધીને 23.4% થયાં છે.
હવે વાત કરીએ ગુજરાતની તો તેમાં નામાંકન એટલે કે પ્રવેશ ટકાવારી સને 18 માં હતી 85.6% તે 2024 માં વધીને 86.5% થઈ છે. ધો 3 ના વિદ્યાર્થીઓને ધો-2 નું વાંચન સને 2018 માં 33.1% ટકા હતું તે ઘટીને 24 માં 25.8% થયું.બાદબાકીનુ શિક્ષણ 25.6%ને હતું તે ઘટીને 2024 માં 19.1% થયું. હવે વાત કરીએ ધો-5 ના વિધાર્થીઓની તો તેમાં ધો-2 ની કક્ષાનું વાંચન આ વિધાર્થી પૈકી સને 18મા 53.7% ને હતું તે ઘટીને 24 માં 46.3% થયું.ધો -5 ના વિધાર્થીઓ પૈકીના 20.1% ને ભાગાકાર આવડતા હતાં તે આંકડો 2024મા ધટીને 14.3%એ ઊભો રહ્યો છે.ઘો-8 ના વિધાર્થીઓની ધો-2 કક્ષાની વાંચન ક્ષમતા સને 18 માં 73.2% હતી તે વધીને 75.9% થઈ છે.તે સકારાત્મક ગણાય પણ તેના ભાગાકારની આવડત સને 2018મા 35.6% ને હતી તે ઘટીને 30.5% ની થઈ ગઈ છે.આ રીતે મોટાંભાગનાં પરિણામો નિરાશાજનક છે,તે વાત દુઃખદ છે.
શિક્ષણના આ પરિણામોનું પૃથક્કરણ કરીને ફેરફાર થવા જોઈએ.વધુ ગુણવત્તાયુક્ત અને મજબૂત વ્યવસ્થાપનથી શિક્ષણના અમલીકરણની આવશ્યકતા દેખાઈ રહી છે.
તખુભાઈ સાંડસુર