વ્યાજખોરોએ ૬૫ લાખ રૂપિયા માગી ત્રાસ આપતા વચેટિયાનો suicide

Share:

ધોળકાના બળદેવભાઇ ભાટિયા તેમના જ ગામમાં રહેતા સંદીપ પટેલ સાથે ભાગીદારીમાં ગાડી લાવીને ફેરા મારતા હતા

Ahmedabad, તા.૨૭

રાજ્યભરમાં વ્યાજખોરીના દૂષણ સામે લડવા પોલીસ લોકો પાસે જઇને કાર્યક્રમો કરી રહી છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે પણ આવા જ અનેક કાર્યક્રમો કર્યા છે. પોલીસની આ વ્યસ્તતા વચ્ચે જ એક યુવકે વ્યાજખોરોના ત્રાસથી ફાંસો ખાઇ આપઘાત કર્યો છે. આ યુવક કેટલાક વ્યાજખોરોના કહેવાથી વચેટિયા તરીકે કામ કરતો હતો. તેવામાં વ્યાજખોરોએ તેની પાસેથી રૂ. ૬૫ લાખની ઉઘરાણી કરી માનસિક ત્રાસ આપીને ધમકી આપતા તેણે આપઘાત કર્યો હતો. આ મામલે ધોળકા ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.  ધોળકાના બળદેવભાઇ ભાટિયા તેમના જ ગામમાં રહેતા સંદીપ પટેલ સાથે ભાગીદારીમાં ગાડી લાવીને ફેરા મારતા હતા. ત્યારબાદ તેમને એક ખાનગી કંપનીની નોકરી છૂટી જતા તે રિક્ષા ચલાવતા હતા. સંદીપ પટેલ અને તેનો ભાઇ યશ પટેલ વ્યાજ વટાવથી નાણાં ધિરાણનો ધંધો કરતા હતા. બંને જણા બળદેવભાઇને વચ્ચે રાખીને લોકોને નાણાં આપતા હતા. ગ્રાહકો પાસેથી બળદેવભાઇ ઉઘરાણી કરીને વ્યાજ સહિતનો હપ્તો બંને ભાઇઓને પરત આપવાનું કામ કરતા હતા. જેના બદલામાં તેમને મજૂરી મળતી હતી. માત્ર સંદીપ અને યશ જ નહીં પરંતુ સોનુ, સચિન અને વિનોદ ગારી નામના વ્યાજખોરો પણ બળદેવભાઇ પાસે આ જ કામ કરાવતા હતા. કેટલાક દિવસોથી આ તમામ લોકો બળદેવભાઇ પાસે ઉઘરાણી માટે દબાણ કરીને ગાળો બોલીને મારી નાખવાની ધમકી આપતા હતા. જેથી બળદેવભાઇ તણાવમાં આવી જતા તેમણે આ બાબતે પત્નીને વાત કરી હતી. બાદમાં બળદેવભાઇ પત્ની નૈમિષાબેનને સાથે ગામની મંડળીમાં લોન લેવા ગયા હતા. ગત તા.૧૫મીએ બળદેવભાઇના પત્ની અમદાવાદ કામઅર્થે જતા હતા ત્યારે બળદેવભાઇએ ફોન કરીને રડમસ થઇને પરત આવી જવાનું કહેતા નૈમિષાબેન પરત ઘરે ગયા હતા. નૈમિષાબેન ઘરે પહોંચ્યા ત્યારે રસોડામાં બળદેવભાઇ દોરડાથી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. આ મામલે પોલીસને જાણ કરાતા ધોળકા ગ્રામ્ય પોલીસે આ મામલે તપાસ કરતા આરોપીઓએ બળદેવભાઇ પાસેથી રૂ. ૬૫ લાખની ઉઘરાણી કરીને માનસિક ત્રાસ આપતા હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે આ મામલે આરોપી યશ પટેલ, સોનુ, સંદીપ પટેલ, સચિન, વિનોદ ગારી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *