Palanpur,તા.૨૩
વાવમાં કોંગ્રેસના ગુલાબસિંહને હરાવીને ભાજપના સ્વરૂપજી ઠાકોર ૨,૫૬૭ મતથી જીત્યા છે. અત્યંત રસાકસીવાળા આ મુકાબલામાં છેક ૨૦માં રાઉન્ડ સુધી કોંગ્રેસ આગળ હતી, છેલ્લા ત્રણ રાઉન્ડમાં જ બાજી પલટાઈ હતી. ભાભરની મતપેટી ખૂલતા સ્વરૂપજીએ રીતસરની સરસાઈ કાપી હતી.એક સમયે ગુલાબસિંહ રાજપૂત મતગણતરી શરૂ થઈ ત્યારે એક તબક્કે ૧૪ હજાર મતની સરસાઈ ધરાવતા હતા. પણ સ્વરૂપજીએ પછી આ જંગી લીડ કાપીને છેલ્લા ત્રણ રાઉન્ડમાં બાજી મારી લીધી હતી. વાવ બેઠક ભાજપ માટે અત્યંત કપરી માનવામાં આવે છે. ભાજપ ૧૯૮૫ પછી આ બેઠક પર ફક્ત બે જ વખત જીત્યું છે. આ પુરવાર કરે છે કે ભાજપ માટે આ બેઠક જીતી કેટલી કપરી છે.
વાવની આ બેઠકમાં ઘેનીબહેનના લીધે ગુલાબસિંહનો વિજય જાણે નિશ્ચિત મનાતો હતો. પણ ભાજપને તળિયાના કાર્યકર સ્વરૂપજી ઠાકોર પર મૂકેલો વિશ્વાસ ફળ્યો છે. તેની સાથે ભાભરના મતદારોએ સ્વરૂપજીમાં મૂકેલો વિશ્વાસ કામ કરી ગયો છે. ભાભરે સ્વરૂપજીને છેહ દીધો નથી.
જ્યારે કોંગ્રેસને તેનો અતિ આત્મવિશ્વાસ નડી ગયો છે. વાવમાં જીત મળતાં જ વિધાનસભામાં પણ ભાજપની બેઠકોનો આંકડો વધીને ૧૬૩ પર પહોંચી ગયો છે. વાવમાં કોંગ્રેસ ઘેનીબહેનના ભરોસે વધુ પડતી રહી ગઈ હતી, આ વાત તેને સમજાઈ ગઈ હશે. આના લીધે બીજા લોકો સાઇડલાઇન થઈ ગયાની ભાવના પણ કામ કરી ગઈ હોવાનું મનાય છે.કોંગ્રેસ પહેલેથી જ આ બેઠક જાણે મારા ગજવામાં છે તેવો જ તેનો અભિગમ રહ્યો હતો. લોકોને કોંગ્રેસને આ પ્રકારનો અભિગમ ન ગમ્યો. તેની સામે શાસક પક્ષે છેલ્લા મતદાર સુધી તેની પહોંચ બતાવી હતી. આ બાબત કામ કરી ગઈ હતી.
વાવની જીતની ખુશી વ્યક્ત કરતા ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે જણાવ્યું કે, હાર અને બદલાની વાત નથી. પરંતુ વડાપ્રધાનના નેતૃત્વમાં ગુજરાતના લોકોમાં વિશ્વાસ જાગ્યો છે. દેશના લોકોમાં તેનું પ્રતિબિંબ પડી રહ્યું છે. તે આજે મહારાષ્ટ્રમાં જોવા મળ્યું. ગત વખતે લોકસભામાં પણ જોવા મળ્યું. ભાજપના ઉમેદવાર ૨૩૦૦ મતથી જીત્યા છે. અપક્ષે કોંગ્રેસને મદદ કરવાનો પ્રયાસ કર્યો, કે પાટીલનો પાવર ઉતારી દઉ. પરંતું ભાજપના કાર્યક્રતાઓને પાવર આજે જોવા મળ્યો છે. હું તમામ કાર્યકર્તાઓનો આભાર માનું છું. અભિનંદન આપું છું. નાનું માધ્યમ, પણ આ ચૂંટણી મહત્વની હતી. કેટલાક લોકો આવા મતદાર સંઘને પોતાની જાગીર સમજીને ચાલતા હતા, એ તમામને મતદારોએ જડબેસલાક જવાબ છે.
તેમણે કહ્યું કે, ભૂલ તો ત્યારે પણ નહોતી થઈ. પરંતુ અમે હાર્યા હતા. એ હાર મેં પોતે સ્વીકીરા હતી. પરંતુ અમે હારમાંથી શીખ્યા. કાર્યકર્તાઓના મનમાં પણ દાઝ હતી કે અમે હાર્યા કેવી રીતે. ભાજપ જેવા સફળ નેતૃત્વમાં હાર કેવી રીતે થાય. હાર સહન કરવા ટેવાયેલા નથી તે ફરી સાબિત થયું. કેટલાક લોકોને લાગતુ હતું તો તે લોકોને જવાબ આપી દીધો છે.