રસોઇ એક કળા છે. તેને ધીરજ અને ધ્યાનથી બનાવવી જોઇએ તો તેમાં પરફેકશન જોવા મળે છે. વાનગી બનાવતી વખતે અહીં આપેલી ટિપ્સનો ઉપયોગ કરવાથી વધુ સ્વાદિષ્ટ અને પરફેક્ટ બને છે તેમજ બચત પણ થાય છે.
– જુનો બ્રેડ અથવા તો વાસી રોટલીને મિક્સરમાં વાટીને એરટાઇટ ડબ્બામાં રાખવી અને બ્રેડક્રમ્સ તરીકે તેનો જરૂર પડે ત્યારે ઉપયોગ કરવો. કટલેટ, કબાબ, પેટીસ વગેરે વાનગીઓમાં ઉમેરવાથી ક્રિસ્પી થાય છે.
– ગ્રેવીનો સ્વાદ વધારવા માટે કાંદા સાંતળતી વખતે તેમાં ચપટી સાકર ભેળવવાથી ગ્રેવીનો કલર અને સ્વાદ સારો થાય છે.
– રવાના શીરામાં થોડો ચણાનો લોટ ભેળળવાથી શીરો હળવો અને વધુ સ્વાદિષ્ટ થાય છે.
– સેન્ડવિચ પર લગાડવા સ્વાદિષ્ટ સ્પ્રેડ અને ડિપ બનાવવા માટે લસણની ૧૦-૧૨ કળીઓને બારીક સમારી લઇ તેને તેલમાં ગોલ્ડન બ્રાઉન તળી લેવી અથવા તો સાંતળી ેવી. પાણી કાઢી નાખેલા દહીંમાં મીઠું, ચિલી ફ્લેકસ અને ઝીણી સમારેલી કોથમીર અને લસણ ઉમેરી મિક્સ કરવું. સ્વાદિષ્ટ ડીપ અને સ્વેન્ડિચ સ્પ્રેડ તૈયાર થઇ જશે.
– કોઇ રસાવાળા શાકમાં પાણી વધુ થઇ જાય તો તેને ચમચાથી કાઢી લેવું અને એ પાણી દાળમાં ઉમેરી દેવું.
– કોઇ ગ્રેવીમાં તેલ અથવા ઘી વધુ થઇ જાય તો તેને થોડી વાર માટે ફ્રિજ અથવા તો ફ્રિજરમાં રાખી દેવું. જેતી ઉપર તરી રહેલું તેલ-ઘી જામી જશે અને તેને સરળતાથી કાઢી લેવાશે.
– લીંબુ પાણી બનાવતા પહેલા ૨ કપ સાકરને ૧ કપ પાણીમાં ભેળવી ૪-૫ લીંબુનો રસ ભેળવી બરાબર હલાવી તેને રેફ્રિજરેટરમાં આઇસ ક્યુબની માફક મુકી દેવો. લીંબુ પાણી બનાવવું હોય તો સ્વાદાનુસાર અથવા તો બે આઇસ ક્યુબ ગ્લાસમાં નાખી તેમાં મીઠું ઉમેરી સોડા અથવા પાણી નાખી પીવું. બરફ નાખવાથી સ્વાદ ફીકો પડી જતો હોય છે તે આ ક્યુબ નાખવાથી નહીં થાય.
– સમારેલા બટાટાને રેફ્રિજરેટરના ઠંડા પાણીમાં રાખવાથી બટાકા કાળા નહીં પડે.
– સમારેલા ફળો ને કાળા થતા બચાવવા માટે લીંબુનો રસ લગાડીને રાખવા અથવા તો મધના પાણીનો હાથ ફેરવી દેવો.
– પરાઠાને ક્રિસ્પી બનાવવા માટે તેમાં બાફેલું બટાકુ છૂંદીને ભેળવવું.
– પકોડા-ભજિયા પીરસતી વખતે તેના પર ચાટ મસાલો ભભરાવવાથી વધુ સ્વાદિષ્ટ થાય છે.
– ઇડલી-ઢોસાનું મિશ્રણ ખાટું થઇ ગયું હોય તો તેમાં નારિયેળનું દૂધ ઉમેરવાથી ખટાશ નીકળી જાય છે.
– અડદિયાને થોડો ગરમ કરીને ખાવાથી સ્વાદ વધે છે.
– મેથીના પકોડાના ચણાના લોટના ઘોળને વધુ પડતું ઘટ્ટ ન રાખતાં થોડું પાતળુ ંરાખી તેમાં થોડું લસણ, આદુચમરચાં, મેથી, સોડા, મરચાને ઝીણાં સમારીને નાખવા બરાબર ભેળવવાથી નરમ પકોડા બનશે.
– બટાટા-વટાણાના સમોસામાં ફુદીનાની ફ્લેવર આપવાથી સ્વાદ વધે છે.
– ફરાળી પેટીસ બનાવતી વખતે બજારમાં પેટીસના વિશેશ બટાકા મળે તેનો ઉપયોગ કરવાથી પેટીસ ક્રીસ્પી બને છે. સાદા બટાકા હોય તો ઉપવાસમાં ન ખાવાની હોય તો બ્રેડ ક્રમ્સ અથવા આરાલોટ ઉમેરવો.
– બાફેલા બટાકાના નાના-નાના ટુકડા કરી તેને ઓછા તેલમાં રાઇ, આદુ-મરચાની પેસ્ટ, લસણની પેસ્ટ અને હીંગ નાખી વઘારી તેમાં હળદર તેમજ જોઇતો મસાલો કરી હલાવી વડા બનાવવાથી ટેસ્ટી ખાપોલી વડા બનશે.વડાનું ખીરુ પાતળું રાખવું તેમજ તેમાં સોડા ન નાખતાં ગરમ તેલનું મોળ નાખવું. સોડા નાખવો હોય તો બહુ ઓછો નાખવો.
– પાતરા બનાવી લીધા પછી ચણાના લોટની પેસ્ટ વધી હોય તો તેને ચણાના લોટમાં ભેળવી સ્વાદાનુસાર મસાલો તેમજ સોડા નાખી ઢોકળા ઉતારવા. સ્વાદિષ્ટ ઢોકળા થશે