New Delhi તા.17
લોકસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ અચાનક ગત મોડીરાત્રીએ દિલ્હી એઈમ્સની બહાર દર્દીઓ અને દર્દીઓના સગાઓની મુલાકાત લીધી હતી. કડકડતી ઠંડીમાં બહાર રહેલા દર્દીઓ અને તેમના પરિવારોની સમસ્યા સાંભળી રાહુલ ગાંધીએ દિલ્હી સરકારને દર્દીઓ પ્રત્યે અસંવેદનશીલ ગણાવી હતી.
આ તકે દર્દીઓએ જણાવ્યુ હતું કે રાહુલે મને અહીં રહેવાના બારામાં અને દીકરીની સારવારના બારામાં પૂછયું હતું. એક દર્દીએ કહ્યું હતું કે રાહુલે કહ્યું હતું કે તેની ટીમ તેની યથાયોગ્ય મદદ કરશે. એક દર્દીની માએ કહ્યું હતું કે રાહુલે મારી દીકરીની સારવાર માટે રોકડ સહાય આપવાનો વાયદો કર્યો હતો.
રાહુલ ગાંધીની આ મુલાકાતના ફોટા કોંગ્રેસના ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યા છે. ફોટા સાથે લખ્યું હતું કે, ‘દૂર દૂરથી સારવાર માટે આવેલા લોકો અહીં રસ્તાઓ, ફૂટપાથ અને સબવે પર સૂવા માટે મજબૂર છે.’ મોદી સરકાર અને દિલ્હી સરકારે તેમને પોતાના હાલ પર છોડી દીધા છે. તેમણે પોતાની જવાબદારીથી મોઢું ફેરવી લીધું છે.
કોંગ્રેસે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આગળ લખ્યું, ’સારવાર માટે મહિનાઓ રાહ જોવી, સરકારની અસુવિધા અને અસંવેદનશીલતા – આ આજે દિલ્હી એઇમ્સની વાસ્તવિકતા છે. પરિસ્થિતિ એવી છે કે જે લોકો દૂર દૂરથી પોતાના પ્રિયજનોની બીમારીનો બોજ લઈને આવ્યા છે, તેઓ આ કડકડતી ઠંડીમાં ફૂટપાથ અને સબવે પર સૂવા માટે મજબૂર છે.
રાહુલે ઇન્સ્ટાગ્રામ પર હિન્દીમાં પોસ્ટ કરી કે, ‘રોગનો ભાર, કડકડતી ઠંડી અને સરકારની અસંવેદનશીલતા – આજે હું એઈમ્સની બહાર એવા દર્દીઓ અને તેમના પરિવારોને મળ્યો જે દૂર દૂરથી સારવારની શોધમાં આવ્યા છે.’
સારવાર માટે જતી વખતે તેમને રસ્તાઓ, ફૂટપાથ અને મહાનગરોમાં સૂવાની ફરજ પડે છે. ઠંડી જમીન, ભૂખ અને અસ્વસ્થતા વચ્ચે, દર્દીઓએ આશાની જ્યોત પ્રજ્વલિત રાખી છે.