લકર્ણીની શનિવારે તેના ઘરેથી ધરપકડ કરીને ૧૦ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે
Maharashtra, તા.૧૧
મહારાષ્ટ્રના નાસિકમાં એક વ્યક્તિને દેશમાં કોઈ રાજ્યના ગવર્નર બનાવવાની લાલચ આપીને ૫ કરોડ રૂપિયા ખંખેરી લઈ છેતરપિંડીની ઘટના સામે આવી છે. છેતરપિંડી કરવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું કે છેતરપિંડી આચરનારે તમિલનાડુના રહેવાસીને રાજ્યનો ગવર્નર બનાવવાનું વચન આપીને ૫ કરોડ રૂપિયા પડાવી લીધા હતા.પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આરોપી નિરંજન કુલકર્ણી ૧૨ જાન્યુઆરીના રોજ એક હોટલમાં ચેન્નાઈના રહેવાસી નરસિમ્હા રેડ્ડી દામોદર રેડ્ડી અપૂરી સાથે મુલાકાત કરી હતી. આ વ્યક્તિએ દાવો કર્યો હતો કે તેના મોટા રાજકીય ગજાના નેતાઓ સાથે સંપર્ક છે. જેના થકી તેઓને રાજ્યપાલ બનાવી શકે છે. અધિકારીએ જણાવ્યું કે, કુલકર્ણીએ રાજ્યપાલ બનાવવા માટે ૧૫ કરોડ રૂપિયાની માગણી કરી. ૭ ફેબ્રુઆરીએ કુલકર્ણી રેડ્ડીને મળીને વાયદો આપ્યો કે જો તેમને રાજ્યપાલ બનાવવાનું વચન પૂરું ના કર્યું તો તે પોતાની જમીન રેડ્ડીને આપી દેશે. આરોપીએ પેંચ અને બોર વાઘ અભ્યારણની નજીક ૧૦૦ એકર જમીનના દસ્તાવેજો પણ તેને બતાવ્યા હતા.આરોપીની વાતચીતમાં ફસાઈને રેડ્ડીએ તેને ૬૦ લાખ રૂપિયા રોકડા આપ્યા અને ૭ ફેબ્રુઆરીથી ૨ એપ્રિલ વચ્ચે તેમના બેંક એકાઉન્ટમાંથી ૪.૪૮ કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જ્યારે રેડ્ડીને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે, ત્યારે તેણે આ પૈસા પરત માગ્યા. જો કે, કુલકર્ણીએ તેને ધમકી આપતાં ૭ ડિસેમ્બરે મુંબઈ નાકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. કુલકર્ણીની શનિવારે તેના ઘરેથી ધરપકડ કરીને ૧૦ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.