મૃતકના પરિજનો અને સમાજ વચ્ચે ઘર્ષણ : પોલીસે સ્થિતિ પર કાબુ મેળવવા હળવો બળપ્રયોગ કરવો પડ્યો
Bhuj,તા.૧૯
કચ્છમાં વધુ એક કસ્ટોડીયલ ડેથનો મામલો નોંધાયો છે, ભુજ તાલુકાના માનકુવા પોલીસ સ્ટેશનની અંદર એક યુવકે કથિત રીતે આપઘાતની કરી લીધો હતો. મુળ મુન્દ્રાના ટપ્પર ગામના 35 વર્ષીય યુવાનને પોલીસ મથકે લાવ્યા હતા. પોલીસ સ્ટેશને રજૂઆત અને તપાસની કાર્યવાહી પહેલા યુવક બાંકડા ઉપર બેઠો હતો.
મુળ મુન્દ્રાના ટપ્પર ગામના યુવક વેલાજી કાસમ કોળીને શનિવારે સવારે માનકુવાના અશોક હરજી કોળીને પોલીસ મથકે લાવ્યા હતા. જોકે પોલીસ તપાસ કરે તે પહેલા જ 9 વાગ્યાના અરસામાં યુવક બાથરૂમ જવાનું કહ્યું હતું. આ બાદ તે બાથરૂમમાં પોતાની ટીશર્ટ સાથે લટકી ગયો હતો. લાંબો સમય તે બહાર ન આવતા પોલીસ કર્મચારીઓને કંઈક અજુગતુ લાગ્યું હતું. પોલીસે સમાજના લોકોને બોલાવી તપાસ કરતા યુવકે ગળફાંસો ખાઇ આપઘાત કર્યો હોવાનુ સામે આવ્યુ હતું. જે બાદ પરિવારે આક્રદ સાથે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. એક સમયે મામલો ગરમ બનતા પોલીસને બળ પ્રયોગ કરવો પડ્યો હતો. જો કે પરિવારે લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.
પોલીસ મથકની અંદર જ યુવકના આપઘાતને પગલે પોલીસ બેડામાં દોડધામ મચી ગઇ હતી અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે માનકુવા પોલીસનો સ્ટાફ કાયદો વ્યવસ્થા જાળવવા સાથે તપાસમાં જોડાયું હતું. પરિવારે લાશ ન સ્વીકારવાની ચિમકી સાથે વિરોધ કરતા એક સમયે ઘર્ષણ સર્જાયુ હતું અને પોલીસે કેટલાકની અટકાયત પણ કરી હતી અને મૃતદેહને પી.એમ માટે ખસેડ્યો હતો જ્યા પણ પરિવારે લાશ ન સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.
આ બાદ 9.10 થી 9.15 વચ્ચે પોલીસ સ્ટેશનના ઉપરના ભાગે બાથરૂમમાં રાડારાડનો અવાજ આવ્યો હતો. પી.એસ.ઓ.એ દરવાજો ખોલવાનું કહેતાં વેલજીએ દરવાજો ખોલ્યો નહીં. પી.એસ.ઓ.એ પી.આઇ.ને આ બાબતની જાણ કરતાં પી.આઇ.એ કહ્યું કે, દરવાજો તોડીને તેને બહાર કાઢો. આથી પી.એસ.ઓ. બાજુમાંથી કોળી પરિવારના એક શખ્સને બોલાવી તેની હાજરીમાં દરવાજો ખોલવા પ્રયત્ન કરતાં થોડો દરવાજો ખુલતાં તેમાં નજર નાખતાં વેલજી પોતાના ટી-શર્ટ સાથે ફુવારાના પાઇપમાં ગળેટૂંપો ખાધેલી હાલતમાં દેખાયો હતો.
આ બાદ પોલીસ અને સરકારી અધિકારીઓની હાજરીમાં બાથરૂમમાંથી વેલજીને કાઢી ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં ત્યાંના ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યા હતા. માનકૂવા પોલીસે આકસ્મિક મોતનો ગુનો દાખલ કર્યો છે. બીજીતરફ, પોલીસ મથકમાં જ પોલીસની હાજરી વચ્ચે આ બનાવને લઇને મૃતકના પરિજનો અને કોળી સમાજમાં રોષ ભભૂક્યો હતો અને સવારે માનકૂવા પોલીસ મથકે મૃતકની લાશ એમ્બ્યુલન્સમાં લઇ જવા દરમ્યાન ગરમા-ગરમીનાં દૃશ્યો સર્જાયાં હતાં.