Calcutta,તા.14
કલકત્તા હાઈકોર્ટે તાજેતરમાં જ નિર્દેશ આપ્યો છે કે ચાઈલ્ડ કેર લીવ એટલે કે બાળકોની સંભાળ રાખવા માટેની રજા લેવા માટે નોકરી કરતા માતા-પિતા બંનેને હકદાર છે. કોર્ટે આ ચુકાદો એક એવી વ્યક્તિની અરજી પર આપ્યો છે, જેને બે નાબાલિક બાળકો છે અને તેની પત્નીનું થોડા મહિના પહેલા મૃત્યુ થયું હતું. તેના આધારે અરજદારે બાળકની સંભાળ રાખવા માટે 730 દિવસની રજાની માંગણી કરી હતી.
શું છે મામલો?
અરજીકર્તા અબુ રેહાને અરજીમાં જણાવ્યું હતું કે, ‘મારા બાળકો શાળાએ જવાની ઉંમરના છે પરંતુ મારા સિવાય તેમની સંભાળ રાખનાર કોઈ નથી.
આથી મારા બાળકોની સંભાળ રાખવા તેમજ તેમનો શારીરિક, શૈક્ષણિક અને ભાવનાત્મક વિકાસ કરવા માટે રજાનો લાભ મેળવવા માંગું છું.’ અરજદાર સરકારી નોકરી કરે છે. અબુ રેહાને તેમની અરજીમાં જણાવ્યું હતું કે, ’25 ફેબ્રુઆરી 2016 ના સરકારી મેમોરેન્ડમ નંબર 1100-એફ (પી) મુજબ, પશ્ચિમ બંગાળ સરકારે પુરુષ કર્મચારીઓને 30 દિવસની પિતૃત્વ-કમ-બાળ સંભાળની મારી રજા મંજૂર કરી છે પરંતુ આ સમયગાળો મારા માટે પૂરતો નથી.’
સમાનતાના અધિકારોનું ઉલ્લંઘન
તેમણે અરજીમાં, 17 જુલાઈ, 2015 ના મેમોરેન્ડમ નંબર 5560-F(P) નો પણ ઉલ્લેખ કર્યો છે, જે જણાવે છે કે નિયમિત મહિલા કર્મચારીઓને વધુમાં વધુ બે વર્ષ એટલે કે 730 દિવસની ચાઈલ્ડ કેર લીવનો લાભ મળે છે. આથી હું સિંગલ પેરેન્ટ હોવાથી મને પણ 730 દિવસની ચાઈલ્ડ કેર લીવનો લાભ મળવો જોઈએ. ઉપરોક્ત બંને મેમોરેન્ડમ ભેદભાવપૂર્ણ છે અને બંધારણ દ્વારા ખાતરી આપવામાં આવેલ સમાનતાના અધિકારોનું ઉલ્લંઘન છે.
માતા-પિતા બંનેએ પરિવારના ભરણપોષણની જવાબદારી નિભાવી જોઈએ
એક રિપોર્ટ મુજબ, જસ્ટિસ અમૃતા સિન્હાની સિંગલ બેન્ચે કહ્યું, ‘એવું લાગે છે કે હવે સમય આવી ગયો છે કે જ્યારે સરકારે પુરૂષ અને મહિલા કર્મચારીઓ વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કર્યા વગર તેના કર્મચારીઓ સાથે સમાન વ્યવહાર કરવો જોઈએ. પરિવારના ભરણપોષણની જવાબદારી માત્ર મહિલા કે માત્ર પુરુષે નહી પરંતુ માતા-પિતા બંનેએ સમાનરૂપે નિભાવી જોઈએ.
તેમણે વધુમાં તેમની અરજીમાં જણાવ્યું હતું કે, ‘હિંદુ માઈનોરિટી એન્ડ ગાર્ડિયનશિપ એક્ટ 1956 હેઠળ એક યુવક કે અપરીણિત યુવતીના કિસ્સામાં હિંદુ સગીર-સગીરાનો કુદરતી વાલી પિતા હોય છે, ત્યાર પછી માતા. તેથી સરકારે પુરુષ કર્મચારીઓને પણ એવો જ લાભ આપવાનો નિર્ણય કરવો જોઈએ, જેવું મહિલાઓના મામલામાં કરાય છે, જેથી ભેદભાવનો અવકાશ ના રહે.’
90 દિવસની અંદર નિર્ણય લેવાનો આદેશ
આ પહેલા રાજ્ય સરકારના વકીલે કહ્યું હતું કે, મહિલા કર્મચારીઓને આપવામાં આવતા લાભ પુરૂષ કર્મચારીઓને મળતા નથી. જોકે, કોર્ટને એમ પણ કહેવામાં આવ્યું હતું કે અરજદારની અરજી હજુ પેન્ડિંગ છે અને તેના પર કાયદા મુજબ વિચાર કરવામાં આવશે. આના પર જસ્ટિસ સિન્હાએ કહ્યું કે કોર્ટ મહિલા અને પુરૂષ વચ્ચે ભેદભાવ કર્યા વગર 90 દિવસની અંદર ચાઈલ્ડ કેર લીવ પર નિર્ણય લેવાનો આદેશ આપે છે.