Mumbai, તા. ૧૩
સલમાન અને શાહરૂખ ખાન બાદ હવે ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહને પણ ખંડણી કેસમાં ધમકીભર્યો ફોન આવ્યો છે અને તેણીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ ઘટના ૧૧ નવેમ્બરની હોવાનું કહેવાય છે, મોડી રાત્રે તેણીને બે ધમકીભર્યા ફોન આવ્યા હતા, જેમાં તેની પાસે ૫૦ લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી અને એવું પણ કહેવામાં આવ્યું હતું કે, જો તે બે દિવસમાં આ રકમ નહીં આપે તો તેને મારી નાખવામાં આવશે.
અહેવાલો અનુસાર, તેમને એક મિનિટમાં બે કોલ આવ્યા, પહેલો કોલ મોડી રાત્રે ૧૨.૨૦ વાગ્યે અને બીજો કોલ ૧૨.૨૧ વાગ્યે. જેમાં તેની સાથે દુર્વ્યવહાર પણ કરવામાં આવ્યો હતો. આ બાબતને ગંભીરતાથી લઈ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પટનાના દાનાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જ્યાં સ્ટેશન ઈન્ચાર્જ પ્રશાંત ભારદ્વાજે મીડિયાને આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, અક્ષરા સિંહની અરજી મળી છે અને તપાસ કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થતાં જ યોગ્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવશે. અક્ષરાના ફેન્સને આ માહિતી મળતા જ તેમણે અભિનેત્રીની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. ચાહકોનું કહેવું છે કે, પોલીસે જલદી આરોપીને શોધીને સજા કરવી જોઈએ. પોલીસ હાલમાં તપાસ કરી રહી છે કે, આ માત્ર છેડતીનો મામલો છે કે કોઈ મોટી દુશ્મની છે.
મહત્ત્વપૂર્ણ છે કે, છેલ્લા ઘણા મહિનાઓથી સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. બ્લેક બક કેસના કારણે તેને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકીઓ મળી રહી છે અને આ દરમિયાન ઘણા લોકો બિશ્નોઈના નામે તેની પાસેથી ખંડણીની માગણી પણ કરી રહ્યા છે. જોકે પોલીસ એક પછી એક તમામની ધરપકડ કરી રહી છે. આ ઉપરાંત શાહરુખ ખાનને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જે મામલે પોલીસ છત્તીસગઢના રાયપુરથી એક આરોપીની ધરપકડ પણ કરી હતી.