ભારતના બે સિનિયર્સની નિવૃત્તિની અટકળ વચ્ચે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ પણ તેમની પર આડકતરી રીતે દબાણ લાવી રહ્યા છે
Melbourne, તા.૨
ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં અપેક્ષા કરતાં અલગ જ થઈ રહ્યું છે અને તેમાં ય તેના બે સ્ટાર અને સૌથી સિનિયર બેટ્સમેન નિષ્ફળ જઈ રહ્યા છે ત્યારે બંનેએ હવે નિવૃત્ત થઈ જવું જોઈએ તેવી માગણી વચ્ચે હવે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર્સે પણ મીડિયાના માધ્યમથી આ પ્રકારની વાતોને વેગ આપવાનું શરૂ કર્યું છે. સોમવારે ઓસ્ટ્રેલિયા સામેની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ક્રિકેટ ટેસ્ટમાં ભારતનો શરમજનક પરાજય થયો હતો. આ પરાજયને પગલે ઓસ્ટ્રેલિયાએ ૨-૧ની સરસાઈ હાંસલ કરી લીધી હતી અને હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશવાની ભારતની શક્યતાઓ ઘટી રહી છે. ઓસ્ટ્રલિયન ટીમના ભૂતપૂર્વ હેડ કોચ અને બે વખત વર્લ્ડ ચેમ્પિયન ટીમ માટે રમી ચૂકેલા ડેરેન લેહમેને આ મેચ બાદ જણાવ્યું હતું કે ભારતીય ક્રિકેટે હંમેશાં પેઢી દર પેઢી સારા ક્રિકેટર આપ્યા છે અને યશસ્વી જયસ્વાલ આ કડીને આગળ ધપાવી રહ્યો છે. ભારતીય ક્રિકેટમાં એટલું ઉંડાણ છે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા તેમની કારકિર્દીનો અંત લાવી દે તો પણ ભારતીય ટીમ સારી જ રહેવાની છે. ઓસ્ટ્રેલિયા માટે લગભગ એક દાયકા સુધીમાં ૨૭ ટેસ્ટ અને ૧૧૭ વન-ડે રમેલા ૫૪ વર્ષીય ડેરેન લેહમેને જણાવ્યું હતું કે ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટનું માળખું મજબૂત રહ્યું છે અને તે હંમેશાં મજબૂત બેટ્સમેન આપી રહ્યું છે ત્યારે કોહલી કે રોહિતની જગ્યા ભરાઈ શકે છે.લેહમેને ભારતના સ્ટાર બોલર જસપ્રિત બુમરાહની ભરપુર પ્રશંસા કરી હતી. બુમરાહ અંગે તેમણે જણાવ્યું હતું કે મેં આજ સુધી એક જ સિરીઝમાં આટલી બધી અસર પેદા કરનારો કોઈ બોલર જોયો નથી. વર્તમાન સિરીઝમાં ભારતની બેટિંગનું કંગાળ પ્રદર્શન અને સિરીઝમાં ૧-૨થી પાછળ રહ્યા બાદ વિરાટ કોહલી અને રોહિત શર્માની નિવૃત્તિની ચર્ચાઓ અંગે લેહમેને ખેદ વ્યક્ત કરીને વ્યવહારિક અભિગમન અપનાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ભારતીય ક્રિકેટ હાલમાં પરિવર્તનના સમયમાંથી પસાર થઈ રહ્યું છે. તેઓ (કોહલી અને રોહિત) ગમે ત્યારે આ અંગે નિર્ણય લેશે અને આગામી દિવસોમાં જે કાંઈ બને પરંતુ આ બંને બેટ્સમેન મહાન છે અને લાંબા સમયથી ભારત માટે રમી રહ્યા છે. હવે આપણે કેટલાક યુવાન ખેલાડીઓને જોઈ રહ્યા છીએ. તેઓ સારી રમત દાખવી રહ્યા છે અને ટીમમાં પોતાનું સ્થાન મજબૂત કરી રહ્યા છે. ભારતીય ક્રિકેટમાં એટલું બધું ઉંડાણ છે કે ભવિષ્ય અંગે ખાસ ચિંતા કરવાની જરૂર નથી.૧૯૯૯ અને ૨૦૦૩માં વર્લ્ડ ચેમ્પિયન બનેલી ઓસ્ટ્રેલિયન ટીમના સદસ્ય રહી ચૂકેલા લેહમેને ઉમેર્યું હતું કે જ્યારે પણ તેઓ નિવૃત્ત થવાનું વિચારશે કે નિર્ણય લેશે ત્યારે તેમની જગ્યા ભરવા માટે ભારત પાસે અન્ય નવોદિતો અને યુવાનો તૈયાર છે. આ સિરીઝમાં જયસ્વાલે સુંદર કામગીરી બજાવી છે. તે ભવિષ્યનો સુપર સ્ટાર છે. મેં જોયેલો શ્રેષ્ઠ ડાબેરી બેટ્સમેન છે.યશસ્વી જયસ્વાલે વર્તમાન સિરીઝમાં ૧૬૧, ૮૨ અને ૮૪ જેવા સ્કોર નોંધાવ્યા છે. તેના વિશે ખુદ ડાબેરી બેટ્સમેન રહી ચૂકેલા લેહમેને કહ્યું હતું કે ઓહ, તે સુપરસ્ટાર છે. મેં જોયેલો શ્રેષ્ઠ બેટસમેન છે. તે અને ઇંગ્લેન્ડનો હેરી બ્રુક આગામી પેઢીના મહાન ખેલાડી તરીકે ઉભરી રહ્યા છે. તેઓ એવા ખેલાડી છે કે જેમના વિશે લોકો કહેશે કે આ તેમને અમે રમતા નિહાળ્યા છે. મેલબોર્નમાં જયસ્વાલે શાનદાર બેટિંગ કરી હતી.