Anand,તા.૨૧
આણંદમાં બોગસ પુરાવાના આધારે વિદેશ મોકલનાર આરોપી વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં શેખડી ગામનો કિરણ પટેલ વિરુદ્ધ બોલેન્દ્ર પટેલ નામના વ્યક્તિએ છેતરપિંડીનો ગુનો દાખલ કરાવ્યો છે. ફરિયાદ મુજબ આરોપી કિરણ પટેલે દંપતીને યુકે મોકલવાના નામે ૨૨ લાખ રૂપિયા પડાવ્યા હતા. જો કે રૂપિયા લઈ લીધા બાદ તેણે દંપતીને વર્ક પરમીટ કે વિઝા પણ નહોતા અપાવ્યા.
થોડા દિવસ અગાઉ પેટલાદમાં વી હેલ્પ વિઝા કન્સલ્ટન્સીમાં દરોડા પડ્યા હતા અને તેના માલિક કિરણ પટેલના કૌભાંડના સમાચાર મળતા દંપતીએ પણ પોતાની સાથે ઠગાઈ થઈ હોવાની પોલીસમાં જાણ કરી હતી.
મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ પોલીસે કૌભાંડને ઉજાગર કર્યું હતું. જેમાં આરોપી કિરણ પટેલ ખોટા માર્કશીટ અને ડિગ્રી સહિત બોગસ પુરાવાઓ સાથે લોકોને વિદેશ મોકલતો હતો.
જે અંગે જાણ થતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. ચરોતરમાં બહોળા પ્રમાણમાં આ પ્રકારના ધંધા કરીને લોકોને ઠગવામાં આવી રહ્યા છે. ત્યાર આ ઘટનાને લઇ આવા તમામ પ્રકારની કન્સલટન્સીમાં તપાસ કરવાની માંગ ઉઠી છે.