Ahmedabad,તા.16
ગુજરાતમાં સતત વધતા જતા હીટ એન્ડ રનની ઘટનાઓ તથા માર્ગ પર બેફામ ગતિએ તથા ટ્રાફીક નિયમોનો ભંગ કરી ડ્રાઈવીંગ કરે છે તેની સામે પોલીસ તથા આરટીઓની આકરી ઝુંબેશ આ વર્ષે જ નવેમ્બર માસ સુધીમાં 1575 લોકોના લાયસન્સ સસ્પેન્ડ થયા છે.
જે છેલ્લા પાંચ વર્ષના સૌથી વધુ છે. અમદાવાદમાં તથ્ય પટેલ કાંડ બાદ મહાનગરોના માર્ગો પર જાણે જે રીતે બેફામ ડ્રાઈવીંગ થાય છે તેથી તંત્રને સ્થિતિની ગંભીરતા સમજાઈ ગઈ છે અને ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓને દંડની સજા કોઈ ફર્ક પાડી શકતા નથી.
તેથી ગુજરાત હાઈકોર્ટે જે રીતે આકરુ વલણ અપનાવ્યું અને જેમાં સતત ટ્રાફિક નિયમોનો ભંગ કરતા હોય તેના ડ્રાઈવીંગ લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે તંત્રને જણાવ્યું પછી નવે-2024 સુધીમાં 1575 લોકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આમ રોજના ચાર જેટલા લાયસન્સ પોલીસની ભલામણથી આરટીઓ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવે છે. 2023માં 571 લાયસન્સ જ સસ્પેન્ડ થયા હતા. આમ 2024 એ તે સંખ્યા ત્રણ ગણી વધી ગઈ છે. 2022માં 309 અને 2021માં 319 લાયસન્સ સસ્પેન્ડ થયા હતા. સરકારે હવે ટ્રાફિક નિયમનો ભંગ કરનાર સામે મોટર વ્હીકલ એકટને વધુ આકરી રીતે લાગુ કરવા માટે આદેશ આપ્યા છે.
જેમાં સતત ત્રણ વખત ટ્રાફિક નિયમોનો ભંગ કરે તેને રૂા.1000નો દંડ અને ત્રણ માસ માટે લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે. રાજયભરમાં પોલીસે કુલ 7709 લોકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા આદેશ આપ્યા છે.
ખાસ કરીને જેવો ટ્રાફિક નિયમોનો ભંગ કરે છે અને તેના ચાલાન બને છે તેનો સતત અભ્યાસ થાય છે અને તેનાથી જેઓ નિયમ પાલન કરવામાં માનતા જ નથી તેઓના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે ભલામણ થાય છે અને આરટીઓ તેના આધારે પગલા લે છે અને જેમાં અત્યંત ઘાતક અકસ્માતમાં સામેલ છે અને તેની બેદરકારી સાબીત થાય તો તેના લાયસન્સ કાયમી રીતે સસ્પેન્ડ કરવા ભલામણ થાય છે.
માર્ગ પર ગતિ નિયંત્રણ વગર વાહન ચલાવવા રોંગસાઈડમાં જવા કે હેલ્મેટ વગર દ્વીચક્રી વાહન ચલાવવા સીટ બેલ્ટ નહી પહેરવા, ચાલુ ડ્રાઈવીંગ મોબાઈલ પર વાતચીત કરવા સહિતના ટ્રાફિક નિયમ ભંગ નાના દેખાતા હોય પણ તેમાં કયારેક મોટા અકસ્માત સર્જાઈ જાય છે.
ગુજરાતના માર્ગો પર વાહનો વધતા જાય છે તેની સરખામણીમાં રોડ ઉપલબ્ધ નથી એકલા અમદાવાદમાં જ વર્ષે 2 લાખ નવા વાહનો ઉમેરાય છે. જૂના કંડમ વાહનો પણ માર્ગો પર દોડે છે જે પણ ટ્રાફિક વ્યવસ્થાને વિધ્ન બને છે.