Adelaide,તા.30
ઓસ્ટ્રેલિયાનાં બેટ્સમેન સ્ટીવ સ્મિથ માને છે કે જસપ્રિત બુમરાહની વિચિત્ર બોલિંગ એક્શન અને અસાધારણ કુશળતા તેને સંપૂર્ણ પેકેજ બનાવે છે. નિયમિત કેપ્ટન રોહિતની ગેરહાજરીમાં કેપ્ટન બુમરાહે પ્રથમ ટેસ્ટમાં આઠ વિકેટ લીધી અને ’પ્લેયર ઓફ ધ મેચ’ પણ બન્યો હતો.
ઓસ્ટ્રેલિયાનાં અનુભવી બેટ્સમેન સ્ટીવ સ્મિથે કહ્યું કે બુમરાહની બોલિંગ એક્શન રનઅપની શરૂઆતથી જ વિચિત્ર છે. તે અલગ રીતે દોડે છે અને તેની એક્શનની છેલ્લી મુવમેન્ટ પણ વિચિત્ર છે.
મેં ઘણી વાર તેનો સામનો કર્યો છે અને દરેક વખતે તેની સામે ક્રિઝ પર સ્થિર થવામાં સમય લાગે છે. તે તમારી નજીક આવે છે અને બોલ છોડે છે જેથી તમને સમય ન મળે. આ સિવાય તે બોલને બંને બાજુથી સ્વિંગ કરી શકે છે. રિવર્સ સ્વિંગ, ધીમો બોલ, સારા બાઉન્સર, તેની પાસે બધું જ છે.
ઓસ્ટ્રેલિયાનાં ભુતપૂર્વ ફાસ્ટ બોલર ડેમિયન માર્ટીને કહ્યું
તે ટર્મિનેટર છે. તે પોતાની તાકાત જાણે છે અને બેટ્સમેનની નબળાઈઓ શોધી લે છે. તેનો રનઅપ લાંબો નથી પરંતુ તે ખૂબ જ ચતુરાઈથી બોલિંગ કરે છે.
પાકિસ્તાનનાં પૂર્વ કેપ્ટન વસીમ અકરમે કહ્યું :-
જ્યારે બુમરાહ બોલ છોડે છે, ત્યારે તે અન્ય બોલરો કરતાં બેટ્સમેનની ઓછામાં ઓછી એક ફૂટ નજીક હોય છે. જેનાં કારણે બોલની લેન્થ પકડવામાં મુશ્કેલી પડે છે.
જસપ્રીત 50 વિકેટથી એક વિકેટ દૂર
બુમરાહ આ સિઝનમાં વિકેટની અડધી સદી પૂરી કરવાથી એક વિકેટ દૂર છે. સ્વિંગના આ જાદુગરે અત્યાર સુધી 10 મેચની 20 ઇનિંગ્સમાં 3.04ની ઇકોનોમી સાથે 49 વિકેટ ઝડપી છે. આમાં ત્રણ વખત પાંચ વિકેટ પણ સામેલ છે. અશ્વિન 46 વિકેટ સાથે બીજા સ્થાને અને ઈંગ્લેન્ડનો શોએબ બશીર 45 વિકેટ સાથે ત્રીજા સ્થાને છે.
બુમરાહ કપિલ દેવનો રેકોર્ડ તોડી શકે
બુમરાહ ઓસ્ટ્રેલિયાની ધરતી પર સૌથી વધુ વિકેટ લેવાનો અનુભવી કપિલ દેવનો 32 વર્ષ જુનો રેકોર્ડ 11 મેચમાં 51 વિકેટને તોડી શકે છે. તે તેનાથી માત્ર 12 વિકેટ દૂર છે. અત્યાર સુધી તેણે આઠ મેચમાં 18.80 ની એવરેજથી 40 વિકેટ ઝડપી છે. જેમાં છેલ્લી મેચમાં લીધેલી આઠ વિકેટનો પણ સમાવેશ થાય છે.