બાઇકને ટ્રકે અડફેટે લેતાં પુત્રીના લગ્નનું આમંત્રણ આપવા નીકળેલી માતાનું મોત

Share:

Amreli,તા.06

જાફરાબાદ તાલુકાના હેમાળ ગામે નેશનલ હાઇવે પર લોર સોખડા ગામ જવાના ક્રોસ રસ્તા પર ટ્રકે બાઈકને  અડફેટે લેતા દીકરીના લગ્નનું આમંત્રણ આપવા માટે નીકળેલા માતાનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે ભાઈને ગંભીર ઇજાઓ થવાને કારણે સારવાર અર્થે ખસેડાયો હતો. લગ્નનો ઉત્સાહનો માહોલ શોકમાં બદલાયો હતો.

પ્રાપ્ત માહિતી પ્રમાણે, ગીર સોમનાથના ઉના તાલુકાના ઉમેજ ગામે રહેતા રાજેશભાઈ જેરામભાઈ સાકરીયા (ઉ.વ.૩૪) અને તેમની માતા નંદુબેન બહેનના લગ્નનું આમંત્રણ દેવા માટે ચૌત્રા ગામે ગયા હતા. ત્યાંથી બાઈક પર સાંજના સમયે હેમાળ ગામે નેશનલ હાઇવે પર લોર સોખડા ગામ જવાના ક્રોસ રસ્તે પહોંચતા પાછળથી આવતા ટ્રકના ચાલકે બાઇકને પાછળથી ભટકાડી દેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં નંદુબેનનું માથું ટ્રકના પાછળના ટાયરમાં આવી છૂંદાઇ જવાને કારણે ગંભીર ઇજા થતાં મોત નીપજ્યું હતું, જ્યારે યુવકને માથાના ભાગે ઈજાઓ થવાને કારણે સારવાર અર્થે ખસેડાયો હતો.

આ ઘટનાને પગલે લગ્ન પહેલા જ પરિવારના મોભી માતાનું નિધન થયું હતું. જેને પગલે સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.આ ઘટનાને અંજામ આપીને ટ્રક ચાલક નાસી છૂટયો હતો.આ બનાવને લઈને નાગેશ્રી પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સમાજમાં લગ્ન પૂર્વે રૃબરૃ કંકોતરી આપવા અને આગ્રહ કરવા જવાના રિવાજોના કારણે અનેક વાર આવા બનાવો બની જાય છે. જેના કારણે લગ્નોમાં ભંગ પડી જાય છે. આ રિવાજો બંધ થવા જરૃરી છે. જો કે કેટલાય લોકોએ વ્હોટસએપમાં કંકોતરી નાખીને ફોનમાં આગ્રહ કરી રસમ કરવા લાગ્યા છે. જેનાથી સમય ખર્ચ અને અકસ્માત નિવારી શકાય છે. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *