યુવતી આધુનિક હોય કે અણધડ શહેરી હોય કે ગ્રામીણ, પણ ‘બાંધણી’નું નામ સાંભળતા જ એના ચહેરા પર અનેરી ચમક આવી જાય છે. મનગમતી મોસમમાં આવા રંગબેરંગી પોશાક સૌ કોઈનું મન આકર્ષી લે છે. કપડાને વિશિષ્ટ રીતે બાંધીને રંગવાની કળા એટલે ‘બાંધણી’, બાંધણી ઓઢવાનો ઉલ્લેખ સાતમી સદીમાં બાણભટ્ટે રચેલ કૃત્તિ ‘હર્ષચરિત’માં પણ થયેલ છે. બાંધણી એટલે રંગબેરંગી પરિધાનોની પૂર્ણ પરંપરા. બાંધણીના રંગે રંગાયેલા પોશાક પહેરવાનો અર્થ રંગોનું મનોવિજ્ઞાાન સમજી તેમના દાર્શનિક સ્વરૂપનો સાક્ષાત્કાર કરવો. બાંધણીનોે અર્થ થાય છે કપડાને બાંધવું અને રંગવું. કપડાને છાપવાની આ સૌથી સરળ પધ્ધતિ છે. રંગોની આ અનેરી રચના કરનારા રંગરેજ કહેવાય છે. એક જમનામાં ગળીથી રંગકામ તેમનો મુખ્ય આધાર હતો. જયપુરમાં આજેય એવા અનેક મહોલ્લા છે, જ્યાં હજી પણ રંગરેજોના પરિવાર આ પારંપારિક કામ કરે છે. આ પ્રક્રિયાનાં મુખ્ય ત્રણ સોપાન છે, કપડાને ગડી કરવી, તેને દોરાથી બાંધવું અને રંગવું.
બાંધણીની ડિઝાઈનોનાં પણ કેટલાંક નિશ્ચિત પ્રારૂપ હોય છે. એકવાર રંગ્યા પછી બીજીવાર ડિઝાઈનોને અનુરૂપ ફરી બાંધવા માટે ગાંઠો વાળી દેવાય છે. આ બાંધેલી ગાંઠોને છેલ્લે છોડી નાખવામાં આવે છે. આમ તૈયાર થાય છે રંગબેરંગી મનમોહક બાંધણી.
જુદાં જુદાં સ્થળોએ બાંધણી જુદાં જુદાં નામે ઓળખાય છે. જાપાનમાં તેને ‘શિબોરી’ કહે છે. તેન હસ્તનિર્મિત કાગળ પર બનાવાય છે. રાજસ્થાન અને ગુજરાતમાં તેને ‘બાંધણી અથવા’ ‘ટાઈ એન્ડ ડાઈ’ કહે છે. આ સ્થળોએ પાતળા કાપડને દોરાથી બાંધી નાના નાના ટપકાંની ડિઝાઈન બનાવાય છે. નાઈજીરિયનો સુતરાઉ કાપડમાં નાના નાના બિયાં બાંધી ગળીથી રંગે છે તેને ‘નાઉરી કહે છે. આપણા દેશમાં તો સુતરાઉ, સિફોન, સિલ્ક એમ વિવિધ કપડાંની બાંધણી બને છે.
બાંધણી અનેક રીતે બાંધવામાં આવે છે. ટપકાના રૂપમાં જલેબી, ગોેળ, ચોક્ટ, ફૂલ, સાથિયો, દીપક, લહેરિયું વગેરે અતિપ્રચલિત પ્રકાર છે. બાંધણીની શરૂઆત ક્યારથી થઈ, તેનો હજી કોઈ પ્રમાણિત પુરાવો નથી છતાં એવું કહેવાય છે કે સૌ પ્રથમ મોંહેજો દડોમાં બાંધણીની માહિતી મળી. છઠ્ઠી તથા સાતમી સદીમાં અજંતા ઈલોેરાનાં ગુફા ચિત્રોમાં પણ કેટલીક સ્ત્રીઓને બાંધણી મિશ્રિત પરિધાનો ધારણ કરેલી દર્શાવાઈ છે. બાંધણીના કેટલાંક અમૂલ્ય નમૂના- જયપુરના સિટી પેલેસ મ્યુઝિયમમાં સંગ્રાહાયેલ પરિધાનોમાં જોવા મળે છે. જેમાં રાજપૂતી ઠાઠમાઠને અનુરૂપ રંગબેરંગી લહેરિયા ચૂંદડીઓ, સાફા, સ્ત્રીઓના ઘેરદાર ઘાઘરા, કપડાં ઓઢણીઓ વગેરે બાંધણીનાં છે.
ઈતિહાસનાં પૃષ્ઠો ફેરવીએ તો ૧૪મી સદીમાં મળેલ, ‘કલ્પસૂત્ર’ નામના શ્રુતિગ્રંથમાં ચિત્રિત ભગવાન મહાવીરના જન્મકાળ વખતના ચિત્રમાં તેમના વસ્ત્રો સંપૂર્ણ બાંધણીવાળા છે. જોધપુરનાં ઉન્મેદભવન પેલેસમાં લગાવેલા ચિત્રોમાં જોધપુર નરેશ મહારાજ ગજસિંહ પહેલા-એ લહેરિયાનો સાફો બાંધ્યોે હતો. પૂર્વ ભારતમાં આવા ઈન્દ્ર ધનુષી પચરંગી સાફા ખૂબ પ્રચલિત હતા.
જયપુરના રંગરેજોએ વિદેશી બજારોમાં પણ સ્થાન પ્રાપ્ત કર્યું છે. અહીંની બાંધણી તો વિશ્વવિખ્યાત છે. તે એટલી લોકપ્રિય છે કે સાડી, બ્લાઉઝ, સલવાર કુરતા, સ્કાર્ફ કુશન કવર પૂરતી જ મર્યાદિત ન રહેતાં કાગળ પર પણ સ્થાન મેળવવા લાગી છે. આજકાલ ગિફ્ટ પેકોટો અને કાગળો પર બનેલ બાંધણીની ડિઝાઈનો ખૂબ પ્રચલિત છે. ત્રાંસી રેખાઓ એકબીજીને સીધા ખૂણે કાપતાં લહેરિયામાં જે ડિઝાઈન બનાવે છે તેને ‘મોઢરા’ કહે છે. મોટા ભાગે શ્રાવણ માસમાં હરિયાળી અમાસ (દિવાસો) તેમ જ અખાત્રીજ પર તેને પહેરવાનો રિવાજ છે. ભાદરવામાં પચરંગી બાંધણી પહેરવાની પ્રથા છે.
આજકાલ, ઉત્તર ભારતના વિવિધ નાનાં મોટાં શહેરોમાં ‘બંધે જ’ (બાંધણી)ની ફેશન નવેસરથી ખીલી ઊઠી છે. દિલ્હી અને ચંદીગઢમાં તો પંજાબી દુપટ્ટામાં પણ બાંધણી પેટર્નની ફેશને જોર પકડયું છે. પાટનગર દિલ્હીમાં રહેતી એક આગેવાન મહિલા ડિઝાઈનર બાંધણી અંગેનું પોેતાનું જ્ઞાાન પ્રગટ કરતાં કહે છે. તરેહની ભાત તૈયાર કરી રંગ હજી એ જ છે. મોરની ડોક જેવો ગાઢો બ્લ્યુ લીલો લાલ અને ઘેરો કાળો પણ બુટિકના ડિઝાઈનરો પરંપરાગત ગજી સિલ્કને બદલે ચાઈનીઝ ક્રેપ અને સપાટીન વાપરે છે. એક ગુજરાતી ડિઝાઈનર તો મજાકમાં કહે છે, ‘વણકરો’ તો ઓર્ગેન્ઝા હાથમાં લેવા પણ તૈયાર નહોતા.’ તે મેટાલિક દોર વાપરીને કપડામાં રૂડું ઘરેણું પણ ઉપસાવે છે. મુંબઈની એક ધંધાદારી પેઢીએ આવા ડ્રેસનું જે વિન્ટર કલેક્શન તૈયાર કર્યું હતું તે એક ડ્રેસના રૂ. ૧૬,૦૦૦ થી રૂ.૨૮,૦૦૦ના ભાવે ચપોચપ વેચાઈ ગયું.
સ્ત્રી જ્યારે પ્રથમવાર માતા બને, ત્યારે એને બાટિક પહેરાવવામાં આવે છે. આજકાલ આમાં પીળો આધાર ધરાવતી ભૌમિતિક ડિઝાઈનો બનાવાય છે. એ જ રીતે સફેદ લાલ રંગની એક ખાસ બાંધણી માત્ર ફાગણ મહિનામાં જ પહેરાય છે. આમાં લાલ રંગની બાંધણીવાળી બોર્ડર અને વચમાં બાંધણીથી જ બનાવેલ મોટુંુ ચક્ર હોય છે. રાજસ્થાની સ્ત્રીઓનાં જીવન સાથે બાંધણી એવી રીતે વણાઈ ગઈ છે કે તેઓ બાંધણીના પોેશાક દરેક વાર-તહેવારે ઉત્સાહથી પહેરે છે.
ત્યાં લગ્ન પ્રસંગે પણ ભાઈ પોતાની બહેન માટે બાંધણીની ચૂંદડી જ લાવે છે. નવવધુ માટે સાસરિયાં તરફથી લાલ રંગની બાંધણીનું ઘરચોળું જ આપવામાં આવે છે. બાંધણી વિનાના કોઈ શુભ પ્રસંગની કલ્પના જ અહીંની સ્ત્રી કરી શકતી નથી. આમ જુઓ તો બાંધણી ભારતીય સ્ત્રીની જીવનશૈલી સાથે અતૂટ બંધનથી બંધાઈ ગઈ છે.