Sydney,તા.4
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી માટે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25 ખૂબ ખરાબ રહી છે. સીરિઝની છેલ્લી મેચ રમાઈ રહી છે. આ મેચમાં પણ વિરાટ કોહલી ફ્લોપ રહ્યો હતો. તે આખી સીરિઝમાં એક જ પ્રકારે આઉટ થતો રહ્યો અને છેલ્લી ઈનિંગમાં પણ કંઈક આવું જ થયું.
સિડની ટેસ્ટની બીજી ઈનિંગમાં પણ સસ્તામાં આઉટ થયા બાદ કોહલીએ પિત્તો ગુમાવી દીધો હતો, તે ગુસ્સામાં બેફામ બોલવા લાગ્યો અને તેણે બધો ગુસ્સો પોતાના પર જ ઠાલવ્યો હતો.
સિડની ટેસ્ટની બીજી ઈનિંગમાં વિરાટ કોહલી 12 બોલ પર માત્ર 6 રન જ બનાવી શક્યો હતો. આ ઈનિંગમાં તે સ્કોટ બોલેન્ડનો શિકાર બન્યો હતો. મેચની પ્રથમ ઈનિંગમાં પણ તેને સ્કોટ બોલેન્ડે જ આઉટ કર્યો હતો.
એક વખત ફરી વિરાટ બહાર જતા બોલ પર પોતાનું કંટ્રોલ ન રાખી શક્યો અને સ્લિપમાં સ્ટીવ સ્મિથને કેચ આપી બેઠો. મેચની પ્રથમ ઈનિંગમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું.
પરંતુ આ વખતે તે આઉટ થયા બાદ ખૂબ જ ગુસ્સામાં આવી ગયો હતો અને તેણે પોતાનો પિત્તો ગુમાવી દીધો હતો. આઉટ થયા બાદ તો પોતાનું જ માથું પીટતો નજર આવ્યો અને બેફામ કેટલાક અપશબ્દો પણ બોલ્યો.