Maharashtra,તા.૧૨
શરદ પવારને જન્મદિવસની શુભેચ્છા આપવા માટે અજિત પવાર તેમના પરિવાર અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે દિલ્હીમાં શરદ પવારના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ બેઠક બાદ અજિત પવારનું નિવેદન સામે આવ્યું છે.
અજિત પવારે કહ્યું- ’૧૨ ડિસેમ્બરે પવાર સાહેબનો જન્મદિવસ છે, તેથી અમે હંમેશા તેમને મળીએ છીએ, તે મુજબ અમે આજે તેમને શુભેચ્છા આપવા ગયા હતા. આ દરમિયાન સામાન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.” જ્યારે અજિત પવારને પૂછવામાં આવ્યું કે શું કાકા-ભત્રીજા ફરી એક સાથે આવી રહ્યા છે? અજિત પવારે આ પ્રશ્ન ટાળ્યો અને કંઈ બોલ્યા નહીં અને આગળ વધી ગયા.
અજિત પવારે ગઈકાલે રાત્રે અમિત શાહ સાથેની તેમની મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેમણે શેરડીના ખેડૂતોની સમસ્યાઓ વિશે વાત કરી. અમિત શાહે તેમને આશ્વાસન આપ્યું છે કે તેઓ આ સમસ્યાઓને જલ્દી હલ કરવાનો પ્રયાસ કરશે. મહારાષ્ટ્ર કેબિનેટ વિસ્તરણ સંબંધિત સવાલ પર તેમણે કહ્યું કે તેમણે દેવેન્દ્ર ફડણવીસ સાથે વાત કરી છે. કેબિનેટનું વિસ્તરણ ૧૪ ડિસેમ્બરે થશે.
અગાઉ, આખો પરિવાર ’ભાઉ બીજ’ની ઉજવણી કરવા પુણેમાં એકત્ર થયો હતો પરંતુ અજિત પવાર આ પ્રસંગે ગેરહાજર રહ્યા હતા. આને પરિવારમાં વધતા અંતરનો સંકેત પણ માનવામાં આવતો હતો. વાસ્તવમાં, અજિત પવાર શરદ પવારની એનસીપી પાર્ટીને તોડીને મહારાષ્ટ્રમાં સત્તારૂઢ મહાયુતિ ગઠબંધનમાં જોડાયા હતા. આ પછી પરિવારમાં અંતર વધતું જણાતું હતું. શરદ પવાર અને અજિત પવાર પારિવારિક કાર્યોના મહત્વના પ્રસંગોમાં પણ સાથે જોવા મળતા ન હતા.