New Delhi,તા,14
ભારતે ત્રીજી T20Iમાં દક્ષિણ આફ્રિકાને 11 રને હરાવ્યું છે. બેટર્સની ધુઆંધાર બેટિંગના પગલે ટીમ ઈન્ડિયા 2-1ની સરસાઈ મેળવવામાં સફળ રહી હતી. તિલક વર્માએ પોતાની વિસ્ફોટક બેટિંગથી ચાહકોને મંત્રમુગ્ધ કર્યા હતાં. આ રોમાંચક મેચમાં એક પળ એવી આવી કે, જેમાં ખેલાડીઓને મેદાન છોડીને ડ્રેસિંગ રૂમ તરફ ભાગવું પડ્યું હતું. સાઉથ આફ્રિકાની ઇનિંગ્સ શરૂ થયા બાદ માત્ર એક ઓવર જ પૂરી થઈ હતી ત્યાં અચાનક એવી ઘટના બની કે, તમામ ખેલાડીઓ મેદાન છોડી ભાગ્યા હતા. આવો જાણીએ શુ થયુ હતું…
એક ઓવરમાં મેચ અટકાવી પડી
પ્રથમ બેટિંગ કરતાં ભારતીય બેટ્સમેન્સે આકર્ષક બેટિંગ કરી 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 219 રન બનાવ્યા હતાં. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ તરફથી રીઝા હેન્ડ્રિક્સ અને રેયાન રિકલ્ટન બેટિંગ કરવા આવ્યા હતા. ઓપનિંગ જોડીએ અર્શદીપની પ્રથમ ઓવરમાં જ 7 રન બનાવ્યા હતા. પરંતુ પાંખોવાળી કીડીઓએ મેદાન પર હુમલો કરતાં તમામ ખેલાડીઓ મેદાન છોડી ભાગ્યા હતા.
22 યાર્ડની પીચ પર અચાનક પાંખોવાળી કીડીઓ આવી જતાં એમ્પાયરે મેચ અટકાવી દીધી હતી. અને અમ્પાયર્સ સાથે ટૂંકી વાતચીત બાદ કેપ્ટન સૂર્યકુમાર પોતાની ટીમ સાથે ડ્રેસિંગ રૂમમાં પરત ફર્યા હતા. જોકે, થોડા સમય પછી કીડીઓનો ઉપદ્રવ ઓછો થતાં રમત ફરી શરૂ થઈ હતી.
તિલકે આંધાધૂધ બેટિંગ કરી
ટીમ ઈન્ડિયા વતી તિલક વર્માએ આંધાધૂધ બેટિંગ કરી યુવા બેટ્સમેન તરીકે તેની પસંદગીના નિર્ણયને લાભદાયી ઠેરવ્યો હતો. તિલક શરૂઆતથી જ સારા ફોર્મમાં દેખાઈ રહ્યો હતો અને તેણે અભિષેક શર્મા સાથે 107 રનની ભાગીદારી કરી હતી. અભિષેક પેવેલિયન પરત ફર્યા બાદ તિલકે ચાર્જ સંભાળી 33 બોલમાં પોતાની અર્ધસદી પૂરી કરી હતી. બાદમાં વધુ સ્પીડે ધૂઆંધાર બેટિંગ કરતાં આગામી 18 બોલમાં જ 51 રન ફટકાર્યા હતા. આ સાથે તિલકે કુલ 56 બોલમાં 107 રન બનાવ્યા હતા. જેમાં આઠ ચોગ્ગા અને સાત સિક્સર સામેલ છે. અભિષેક શર્માએ પણ 25 બોલમાં 50 રન બનાવ્યા હતાં.
અર્શદીપે ત્રણ વિકેટ ઝડપી
ભારતે 220 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જો કે, સાઉથ આફ્રિકાની ટીમ 7 વિકેટમાં 208 જ રન બનાવી શકી હતી. જેમાં બોલર અર્શદીપે આકર્ષક અંદાજમાં બોલિંગ કરતાં સાઉથ આફ્રિકાના ક્રિકેટર્સને રન માટે હંફાવી દીધા હતા. હેનરિક ક્લાસને 22 બોલ પર 41 રન ફટકાર્યા હતા. જ્યારે માર્કો યાનસન 17 બોલમાં 54 રન ફટકારી શક્યો હતો. આ સિવાય અન્ય બેટર્સ કોઈ ખાસ રન બનાવી શક્યા ન હતાં. ભારતીય બોલર વરૂણ ચક્રવર્તીએ 2 વિકેટ ઝડપી હતી.