પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB)ને BCCIએ સ્પષ્ટ કહી દીધું છે કે, ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીની કોઈ મેચ નહીં રમે. આ દરમિયાન પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાએ દાવો કર્યો છે કે ભારતીય ટીમ વિના ચેમ્પિયન્સ ટ્રોફી નહીં રમાય. આકાશ ચોપરાએ આનું કારણ જણાવતા દાવો કર્યો છે કે, જો ભારત આ ટુર્નામેન્ટમાં ભાગ નહીં લે તો તેનાથી ICCને ભયંકર નુકસાન થશે અને PCB પણ તેનો શિકાર બનશે.
કેમ ભારત વગર ચેમ્પિયન્સ ટ્રોફી નહિ રમાય?
ચેમ્પિયન્સ ટ્રોફીના મુદ્દે આકાશ ચોપરાએ કહ્યું હતું કે, ‘પાકિસ્તાન રમવા નહી જવાનો નિર્ણય BCCI દ્વારા નહીં પરંતુ સરકાર દ્વારા લેવામાં આવે છે. આ એક ICC ઇવેન્ટ છે. બ્રોડકાસ્ટર્સ આ માટે ચૂકવણી કરે છે. ભારત ત્યાં રમશે તો જ તેમને પૈસા મળશે. ICC ને ભયંકર નુકસાન થશે. ભારત વિના પૈસા કમાવવા શક્ય નથી. એવું પણ થઇ શકે છે કે ICC ફંડિંગ બંધ કરી દે. તમે ભારતના પૈસાને ભારતમાં જતા કેવી રીતે રોકી શકો? પાકિસ્તાન પાસે આ સુવિધા નથી. ભારત વિના ચેમ્પિયન્સ ટ્રોફી થઈ શકે નહીં. પાકિસ્તાન પણ આ અંદરથી જાણે છે. તે ફક્ત લોકોને મનોરંજન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.’
PCB ભરશે આ પગલું!
BCCIના આ નિર્ણયને PCB પચાવી શક્યું નથી. PCB બૂમો પાડી રહી છે કે જો ભારતીય ટીમ પાકિસ્તાન નહીં આવે તો ભવિષ્યમાં તેના પરિણામો સારા નહીં આવે. આ દરમિયાન પાકિસ્તાની મીડિયામાંથી સમાચાર આવી રહ્યા છે કે PCB ટૂંક સમયમાં ICCને એક પત્ર લખશે જેમાં તે ભારતીય ક્રિકેટ ટીમના પાકિસ્તાન ન આવવાનું લેખિત કારણ પૂછશે. અને આવો જ એક પત્ર તેઓ BCCIને પણ લખશે.