પર્થમાં Virat Kohli રચશે ઈતિહાસ, પૂજારા અને દ્રવિડનો રેકોર્ડ તૂટશે

Share:

Perth,તા,19

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25 નું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યુ છે. ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર 22 નવેમ્બરથી પર્થમાં રમાનારી પહેલી ટેસ્ટ મેચ માટે ખૂબ તૈયારી કરી રહી છે. પહેલી ટેસ્ટ મેચમાં કેપ્ટન રોહિત શર્મા રમશે નહીં. દરમિયાન બેટિંગની તમામ જવાબદારી વિરાટ કોહલીના ખભે છે. રોહિતની ગેરહાજરીમાં ચાહકોને પહેલી ટેસ્ટમાં વિરાટ કોહલીથી મોટી ઈનિંગની આશા હશે જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે.

પર્થ ટેસ્ટ દરમિયાન વિરાટ કોહલીની પાસે શાનદાર રેકોર્ડ બનાવવાની પણ તક હશે. વિરાટ કોહલીનો ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ મેચોમાં શાનદાર રેકોર્ડ રહ્યો છે. કોહલીએ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 24 મેચની 44 ઈનિંગમાં 47.48 ની સરેરાશથી 2042 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટથી 8 સદી અને 5 અડધી સદી નીકળી છે. તે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટમાં 5 મો સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન છે.

જો વિરાટ કોહલી પર્થમાં પહેલી ટેસ્ટ મેચ દરમિયાન બંને ઈનિંગમાં કુલ મળીને 102 રન બનાવવામાં સફળ રહે છે તો તે 2 દિગ્ગજ ભારતીય બેટ્સમેનોનો રેકોર્ડ ધ્વસ્ત કરી દેશે. પહેલી ટેસ્ટ મેચમાં કોહલી 33 રન બનાવતાં જ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે ચેતેશ્વર પૂજારાને પાછળ છોડી દેશે. પૂજારાના નામે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટમાં 2074 રન નોંધાયેલા છે. એટલું જ નહીં, કોહલીની પાસે પૂજારા બાદ દિગ્ગજ રાહુલ દ્રવિડને પણ પાછળ છોડવાની શાનદાર તક હશે. દ્રવિડના રનના આંકડાથી કોહલી માત્ર 101 રન દૂર છે. દ્રવિડે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 54 ટેસ્ટ ઈનિંગમાં 2143 રન બનાવ્યા છે.

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ મહાન સચિન તેંડુલકરના નામે છે. સચિને 74 ટેસ્ટ ઈનિંગમાં 3630 રન બનાવ્યા છે. જેમાં 11 સદી અને 16 અડધીસદી સામેલ છે. જોકે, કોહલીને સચિનના આ રેકોર્ડ સુધી પહોંચવા માટે હજુ થોડી રાહ જોવી પડશે.

ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન

સચિન તેંડુલકર – 3630 રન (74 ઈનિંગ)

વીવીએસ લક્ષ્મણ – 2434 રન (54 ઈનિંગ)

રાહુલ દ્રવિડ – 2143 રન (54 ઈનિંગ)

ચેતેશ્વર પૂજારા – 2074 રન (45 ઈનિંગ)

વિરાટ કોહલી – 2042 રન (44 ઈનિંગ) 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *