Nadiad,તા.21
મહુધા તાલુકાના નાની ખડોલના ખેતરમાંથી અને ચકલાસીના રાઘુપુરામાં દુકાનમાંથી ચાઈનીઝ દોરીના કુલ ૩૦૦ ફિરકા સાથે બે શખ્સોને પોલીસે ઝડપી પાડયા હતા. ખેડા એલસીબી અને ચકલાસી પોલીસે કુલ રૂા. ૯૦ હજારની ચાઈનીઝ દોરીનો જથ્થો જપ્ત કરી બે શખ્સોની અટકાયત કરવા સાથે ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.
ખેડા એલસીબી ગઈકાલે રાત્રે મહુધા ટી પોઇન્ટ પરથી પસાર થતી હતી. ત્યારે નાની ખડોલમાં ખેતરમાં રહેતા સિકંદરમિંયા નિઝામભાઈ મલેક ચાઈનીઝ દોરી ખુલ્લામાં રાખી વેચાણ કરતો હતો. જ્યાં પોલીસે રેડ પાડી ઘર આગળથી સિકંદરમિયાં નિઝામમિયા મલેકને ચાઈનીઝ દોરીના પાંચ બોક્સ જેમાં ૨૪૦ ફિરકા જેની કિંમત રૂ.૭૨,૦૦૦ના જથ્થા સાથે ઝડપી પાડયો હતો. આ બનાવ અંગે એલસીબી ખેડાની ફરિયાદના આધારે મહુધા પોલીસે સિકંદરમિયાં મલેક સામે ગુનો નોંધ્યો હતો. જ્યારે ચકલાસીના રાઘુપુરા પાટિયા પર આવેલી દુકાન આગળ ઊભેલા ઈસમની પોલીસે પૂછપરછ કરતા અનિલ ઉર્ફે અનીશ બુધાભાઈ વાઘેલા હોવાનું જણાવ્યું હતું. તેની પાસેથી રૂા. ૧૮ હજારની ચાઈનીઝ દોરીના ૬૦ ફિરકા મળી આવ્યા હતા. આ અંગે અનિલ વાઘેલાની પૂછપરછ કરતા સંજય ઉર્ફે રાજુભાઈ વાઘેલા (રહે.હોળી ચકલા ચકલાસી) પાસેથી ૧૪ ફિરકા, જ્યારે રાહુલ સુરેશભાઈ વાઘેલા પાસેથી ૪૬ ફિરકા લાવ્યો હોવાનું જણાવ્યું હતું. આ અંગે ચકલાસી પોલીસે અનિલ ઉર્ફે અનિશ બુધાભાઈ વાઘેલા, સંજય ઉર્ફે રાજુ જસભાઈ વાઘેલા તેમજ રાહુલ સુરેશભાઈ વાઘેલા સામે કાર્યવાહી હાથ ધરી હતી.