New Delhi, તા 4
નાના પાટેકરે તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે, તે કોહલીને એટલો પસંદ કરે છે કે જો તે આઉટ થાય તો તેની ભૂખ મરી જાય છે અને જમવાનું છોડી દે છે. આ પછી, યુઝર્સે સોશિયલ મીડિયા પર ફની મીમ્સ અને પ્રતિક્રિયાઓ શેર કરવાનું શરૂ કર્યું છે.
વિરાટ કોહલીના ચાહકો નાના પાટેકરની વાતને સંપૂર્ણ રીતે સપોર્ટ કરે છે અને કહ્યું કે તેઓ પણ આવી જ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીની છેલ્લી મેચ સિડનીમાં ચાલી રહી છે.
ભારત માટે, વિરાટ કોહલી પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે તે પ્રથમ દાવમાં રન બનાવશે. પરંતુ આવું ન થઈ શક્યું અને તે આઉટ થઈ ગયો. આ કારણે નાના પાટેકર વિશે મીમ્સનો પૂર આવી ગયો હતો અને યુઝર્સ એવી અટકળો કરવા લાગ્યા હતા કે શું વિરાટના આઉટ થયા પછી નાનાએ ભોજન લીધું હશે? જ્યારે કેટલાક યુઝર્સે એવું સૂચન કર્યું હતું કે નાના પાટેકર વિરાટ કોહલી મેદાનમાં આવે તે પહેલા જમી લે.
નાના પાટેકરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ’વિરાટ એક એવો ખેલાડી છે જેને હું ખૂબ પસંદ કરું છું. વિરાટ આઉટ થાય તો ભૂખ મરી જાય. કંઈપણ ખાવાનું મન થતું નથી.
અભિનેતાની આ ટિપ્પણીએ તમામ ક્રિકેટ પ્રેમીઓની ભાવનાઓ જગાડી અને તેઓએ કોહલીના વખાણ કરવાનું શરૂ કર્યું.વિરાટ કોહલી માત્ર મેદાન પર જ નહીં પરંતુ કરોડો ક્રિકેટ પ્રેમીઓના દિલના રાજા છે. નાના પાટેકરે વિરાટ કોહલી માટે જે કહ્યું તે પછી યુઝર્સે ફની મીમ્સ શેર કરવાનું શરૂ કરી દીધું હતું.