ધોરણ ૧૦ અને ૧૨ના Board Exam ના ફોર્મ ભરવાની તારીખ એક સપ્તાહ સુધી લંબાવવામાં આવી

Share:

Gandhinagar,તા.૨

ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષા આગામી ફેબ્રુઆરી માસના અંતિમ સપ્તાહમાં લેવાવાની છે. આ બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે જોકે બોર્ડ દ્વારા ફોર્મ ભરવાની આ તારીખ વધુ એક સપ્તાહ જેટલી લંબાવવામાં આવી છે. આ ઉપરાંત જો ફોર્મ ભરવાની બોર્ડ દ્વારા નિયત કરેલી તારીખ કોઈ કારણોસર ચૂકી જવાય તો લેઈટ ફી ભરીને પણ ફોર્મ ભરી શકાશે.

સામાન્ય રીતે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષા માર્ચ માસના બીજા કે ત્રીજા સપ્તાહમાં લેવાતી હતી. પરંતુ આ વખતે પહેલીવાર બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી માસના અંતિમ સપ્તાહમાં લેવાવાની છે. જેને લઈને નવેમ્બર માસના પહેલાથી જ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ કરી દેવાઈ હતી. જોકે હજુ પણ બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ એક સપ્તાહ સુધી લંબાવવામાં આવી છે. જે અંતર્ગત ધોરણ ૧૦ તેમજ સંસ્કૃત પ્રથમા ફેબ્રુઆરી ૨૦૨૫ની પરીક્ષાના ફોર્મ ભરવાની તેમજ ધોરણ ૧૨ સાયન્સની પરીક્ષાના ફોર્મ ભરવાની અંતિમ તારીખ અગાઉ ૩૦ નવેમ્બર હતી જે વધારીને ૬ ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે.

આ ઉપરાંત ૭ ડિસેમ્બરથી ૨૨ ડિસેમ્બર સુધી લેઈટ ફી ભરીને પણ ફોર્મ ભરી શકાશે. જેમાં ૭થી ૧૦ તારીખ સુધી ફોર્મ ભરવાની લેઈટ ફી ૨૫૦, ૧૧થી ૨૦ ડિસેમ્બર સુધીની લેઈટ ફી ૩૦૦ અને ૨૧ તેમજ ૨૨ ડિસેમ્બરએ ફોર્મ ભરનારે ૩૫૦ રુપિયા લેઈટ ફી ભરી ફોર્મ ભરી શકશે. વિદ્યાર્થી માહિતીમાં શાળા કક્ષાએથી સુધારા ૨૨ ડિસેમ્બર સુધી થઈ શકશે. તેમજ જે વિદ્યાર્થીઓનું પ્રિન્સિપલ એપ્રુવલ બાકી હોય તે પણ ૨૨ ડિસેમ્બર રાત્રિના ૧૨ સુધી થઈ શકશે.

તેવી જ રીતે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ સહિતની ફેબ્રુઆરી ૨૦૨૫ની પરીક્ષાની તારીખના ફોર્મ ભરવાની અંતિમ તારીખ જે અગાઉ બે ડિસેમ્બર હતી તે હવે ૯ ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. ત્યાર બાદ ૧૦ ડિસેમ્બરથી ૨૪ ડિસેમ્બર સુધી લેઈટ ફી ભરીને પણ ફોર્મ ભરી શકાશે. જેમાં ૧૦થી ૧૨ તારીખ સુધી ફોર્મ ભરવાની લેઈટ ફી ૨૫૦, ૧૩થી ૨૨ ડિસેમ્બર સુધીની લેઈટ ફી ૩૦૦ અને ૨૩ તેમજ ૨૪ ડિસેમ્બરએ ફોર્મ ભરનારે ૩૫૦ રુપિયા લેઈટ ફી ભરી ફોર્મ ભરી શકશે. વિદ્યાર્થી માહિતીમાં શાળા કક્ષાએથી સુધારા ૨૪ ડિસેમ્બર સુધી થઈ શકશે. તેમજ જે વિદ્યાર્થીઓનું પ્રિન્સિપલ એપ્રુવલ બાકી હોય તે પણ ૨૪ ડિસેમ્બર રાત્રિના ૧૨ સુધી થઈ શકશે.

મહત્વનું છે કે, દર વર્ષે ધોરણ ૧૦ અને ૧૨ના ૧૫થી ૧૬ લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપતા હોય છે. જો કે આ પરીક્ષાના પરિણામ બાદ અન્ય ઉચ્ચ અભ્યાસ માટે પ્રવેશ પ્રક્રિયા મોડી શરુ થતી હોય છે જેને ઝડપથી પતાવવા આ વર્ષથી ફેબ્રુઆરી માસના અંતે બોર્ડની પરીક્ષા લેવાઈ રહી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *