New Delhi,તા.24
દેશમાં શિયાળાની ઠંડીના સપાટા વચ્ચે ચાલુ સપ્તાહમાં હવામાન પલટો થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અનેક ભાગોમાં હિમવર્ષા થશે.જયારે કેટલાંક ભાગોમાં કરા વરસશે દક્ષિણ ભારતમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગે રીપોર્ટમાં કહ્યું છે કે, બંગાળની ખાડીમાં લો-પ્રેસર સર્જાયુ છે. ઉપરાંત હિમાલયન ક્ષેત્રમાં એક પછી એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યા છે એટલે ચાલુ સપ્તાહમાં હવામાનનો મિજાજ બદલાશે. ઉતરીય તામીલનાડુ તથા દક્ષિણ આંધ્રપ્રદેશના સાગરકાંઠા પર આજે હવામાન ખરાબ થશે.
વેસ્ટર્ન ડીસ્ટબન્સ ના પ્રભાવ હેઠળ પશ્ચિમી હિમાલયન ક્ષેત્રમાં હિમવર્ષા થશે અને વરસાદ પડશે. 20 અને 28 મીએ હિમવર્ષા તથા વરસાદની માત્રા વધશે. ઉતર-પશ્ચિમ ભારત તથા તેને લાગુ મધ્ય ભારતનાં અનેક ભાગોમાં પણ 27મીએ વરસાદ સાથે તેજ પવન ફુંકાવાની સંભાવના છે.
પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પશ્ચિમી ઉતરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર તથા મરાઠાવાડામાં તેજ પવન સાથે કરાતો વરસાદ થવાની સંભાવના છે.
હિમાચલ પ્રદેશનાં કેટલાંક ભાગોમાં ભીષણ કોલ્ડવેવની ચેતવણી આપવામાં આવી છે.જમ્મુ-કાશ્મીર લડાખ, ગિલગીળ, બાલ્ટીસ્તાન, મુઝફરાબાદમાં તા.26 સુધી પંજાબ, હરીયાણા, ચંદીગઢમાં તા.25 સુધી શીત લહેરનું એલર્ટ અપાયું છે.
27 મી ડીસેમ્બર સુધી હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, બિહાર, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણીપુર, મિઝોરમ, ત્રિપુરામાં ગાઢ ઘુમ્મસની પણ ચેતવણી આપી છે.
ચમોલીમાં વોટરફોલ થીજી ગયા
ઉતરાખંડનાં ચમોલીમાં સરહદી મીતીઘાટીમાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાઈ છે રાત્રે તાપમાનનો પારો માઈનસ પાંચ ડીગ્રી સુધી નીચે જતા તળાવ, નદી, વોટરફોલ થીજી ગયા હતા.