તંત્રી લેખ…મેં સમય હું… મેં વર્તમાન હું

Share:

એક સૂફી ફકીર ગામની બહાર વગડામાં એક વડલા નીચે બેઠા હતા. ત્યાં એક ભૂલો પડેલ વટેમાર્ગુ ગામનો રસ્તો પૂછવા આવ્યો. તેણે પૂછ્યું ‘બસ્તી કા રાસ્તા કૌન સા હૈ ?’ ફકીરે તેને ચીંધ્યો. થોડા સમય બાદ તે થાકેલો અને ગુસ્સામાં પાછો આવ્યો અને કહે ‘આપને મુજે ગલત રાસ્તા દિખાયા, યે તો કબ્રસ્તાન જાતા હૈ ’ ત્યારે ફકીરે કહ્યું ‘મૈંને ઠીક હી બતાયા થા. આપને બસ્તી પૂછી થી મેૈંને તો યહી ચીજ બસતે દેખી હો, દૂસરા તો કૂછ બસતે દેખા નહીં હૈ’ કાળના અનંત ચહેરા એમાંના બે ચહેરાઓ એવા છે જે પરિચિત જણાય છે પણ અપરિચિત છે : સમય અને મૃત્યુ.

સમય એટલે ‘કાળ’, કાળને સમજવા માટે ધર્મ, તત્વજ્ઞાન અને વિજ્ઞાન પોતપોતાની રીતે સદીઓથી પ્રયાસ કરી રહેલ છે. સતત ગતિમાન સંસારચક્રને આપણે આપેલું ચોક્કસ નામ એટલે જ સમય.

સ્થળ અને કાળ જીવનના મુખ્ય આયામો છે. માણસને પ્રભાવિત કરનારા મુખ્ય પરિબળો છે. સ્થળ ભૌતિકતા સાથે સંકળાયેલ છે. જ્યારે કાળ એક અનુભૂતિ છે. કાળની અવધારણા માટે બે પરિબળો મુખ્ય તથા જવાબદાર છે. એક તો અસ્તિત્વની પરિવર્તનશીલતા અને બીજો કુદરતી નિયમિત ક્રમ. આ બંનેના સંયુક્ત રૂપે માણસે ‘કાળ’ નામની અવધારણા રચી.

આ કાળનું વ્યવહારિક વિભાજન ક્રિયા પર આધારિત છે. આપણે કાળનો પરિચય ક્રિયાના આધારે જ કરી શકીએ છીએ. ક્રિયા કોઈ બિંદુથી શરૂ કરીને ક્યાંક પૂરી થતી હોય છે. સમયનો અર્થ ભલે અકળ હોય આપણે માટે, સમયનો આપણો પોતિકો અનુભવ પોતેય કેવો અપાર છે !

આઈન્સ્ટાઈનના મત મુજબ સ્થળ સમય સ્વતંત્ર તથ્ય નથી પણ પર્દાથનો ધર્મમાત્ર છે. સ્થળને લંબાઈ, પહોળાઈ, ઉંચાઈ છે અને તેનું ક્રમાનુસાર પ્રસરણ સમય છે. સમય સ્પેસનું ચોથું આયામ છે તેમ મિન્કોવસ્કીએ આઈન્સ્ટાઈન પૂર્વ જણાવેલું. બાહરી જગતમાં જે સમય તરીકે ઓળખાય છે તેને જ આંતરિક જગત મન તરીકે ઓળખે છે. સમય એટલે સ્પેસનું મન. માણસ ભલે કાળથી બદ્‌ઘ હોય, પણ તેની ગતિ કાળને જીતવાની છે. એટલે જ તે કાળના બંધનરૂપ કે વિકારરૂપ સૃષ્ટિમાંથી મુક્ત થઈને મોક્ષ પ્રાપ્ત કરવા ઈચ્છે છે, તે વિવિધ સાધના અને તપના માધ્યમથી કાળને જીતવા માંગે છે અથવા તો એનાથી પર થવા માંગે છે. અને બીજી હકિકત એ પણ છે કે માનવીય મન, જીવન વ્યવસ્થા ટકાવી રાખવા અતિત, સાંપ્રત અને અનાગત (ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય) એવા સમય ખંડ પાડે છે. મન છે એટલે વિચારી શકાય છે કે આવો અતિત હતો, જઈ શકાતું નથી. સમય હંમેશા વર્તમાનનું સ્વરૂપ ધારણ કરીને તમારી સમક્ષ રહે છે. વિચારો તમે કિશારોવસ્થામાં હતા. યુવાવસ્થામાં હતા, શૈક્ષણિક યોગ્યતા પામ્યા, કારકિર્દી બની, તમામ અવસ્થાઓમાં સમય તમારી સમક્ષ જ હતો, વર્તમાન જ હતો. તમે અનુભવ્યું… તમારી વિવિધ અવસ્થાઓ, પણ તમને જાણ ન થઈ કે ક્યારે બાળકમાંથી કિશોર, કિશોરમાંથી પુખ્ત, પુખ્ત અવસ્થામાંથી મીડલએજ સુધી કે તેનાથી આગળ વાનપ્રસ્થાશ્રમ કે પ્રૌઢાવસ્થા સુધી પહોંચી ગયા. આ તમામ અવસ્થામાં તમે સમયખંડ પાડેલા છે માટે વિચારી શકો છો, પરંતુ સમય હંમેશે સાંપ્રત જ હોય છે.

‘સમય સમય બલવાન, નહીં મનુષ્ય બલવાન’ એ કહેવત સૂચવેછે કે આજે એ વ્યક્તિનો સમય છે, દસકો છે તો કાલે બી વ્યક્તિનો સમય આવશે. સમય આવ્યે જ વસ્તુની,વ્યક્તિની, સંબંધની, મિત્રતાની કે ઓળખની મૂલ્યતા મપાય છે. ચપટીભર માટીની પણ અણીના સમયે કિંમત વધી જતી હોય છે. સમયની ધાર પર જ સંબંધો બંધાતા અને વિખેરાતા રહે છે. ક્યારેક કાચા કાનના લોકો વ્યક્તિને ઓળખતા નથી અને સમયના પ્રવાહમાં તણાઈને કહેવાતા સંબંધો રાખી પોતાની સ્વાર્થવૃત્તિ દેખાડતા રહે છે. પરંતુ સનાતન સત્ય તો એ છે કે આપણે સમયનો અને સમય આપણને જોયા કરે છે. સમય નામ નથી. ક્રિયાપદ છે તેથી તે સતત, અવિરત, અથાક અને અંતહિન છે. ક્યારેક આપણે સમયને જોતા નથી પણ સમયે જેમને જોઈ લીધા છે તેમને જોઈએ છીએ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *