જેવું વાવશો તેવું જ લણશો એ કહેવત પાકિસ્તાન પર અક્ષરશઃ લાગુ થઈ રહી છે. પાકિસ્તાને આતંકવાદને ઉત્તેજન આપ્યું, સારા-ખરાબ આતંકવાદની શ્રેણી બનાવી અને નીતિગત સ્તર પર આતંકવાદ અને ઇસ્લામિક કટ્ટરતાને ઉત્તેજન આપ્યું. આતંકવાદ વિરુદ્ઘ કાર્યવાહીના નામે અમેરિકા પાસેથી ભારે મદદ લીધી, પરંતુ તેનાથી આતંકવાદને જ પોષિત કર્યો. આજે પરિણામ સામે છે, પાકિસ્તાન આતંકવાદ વિરુદ્ઘ સંઘર્ષના પોતાના સૌથી કઠિન દોરનો સામનો કરી રહ્યું છે. અફગાનિસ્તાનમાં આતંકી ઠેકાણાં પર એર સ્ટ્રાઇક પાકિસ્તાનને ભારે પડી રહી છે. લગભગ ૧૫૦૦૦ અફઘાન લડવૈયાઓ પાકિસ્તાની સીમામાં ઘૂસ્યા અને પાક સૈન્ય ચોકીઓને નિશાનો બનાવી.
અહેવાલ અનુસાર તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ના આતંકવાદીઓએ ખૈબર પખ્તૂનખ્વાના બાજૌર જિલ્લાના સાલારજઇ વિસ્તારમાં એક પાકિસ્તાની સૈન્ય અડ્ડા પર કબ્જો કરી લીધો છે. અફઘાનિસ્તાન સીમા પર પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં સક્રિય આતંકી જૂથ ટીટીપીને અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યા બાદ મજબૂતી મળી છે. આતંકવાદને આશ્રય આપવામાં પાકિસ્તાન એટલું આંધળું હતું કે જ્યારે અફઘાનમાં અમેરિકી સેનાએ તાલિબાનને સત્તા સોંપીને સ્વદેશ પરત ફરવાનું યોગ્ય માન્યું, એ સમયે સૌથી પહેલાં પાકિસ્તાન સેનાના પ્રમુખ અને આઇએસઆઇના પ્રમુખે સૌથી પહેલાં અફઘાનિસ્તાનની યાત્રા કરી અને આ ઘટનાને પાકિસ્તાને ઉજવણી તરીકે લીધી કે હવે અફઘાનિસ્તાનમાં ભારતીય કૂટનીતિ કમજોર થઈ જશે. પરંતુ પાંચ વર્ષ પણ ન વીત્યાં કે પાકિસ્તાન અફઘાનિસ્તાનના દુશ્મન દેશમાં સામેલ થઈ ગયું.
આજે પાકિસ્તાનને આતંકવાદ વિરુદ્ઘ લડાઈ લડવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કાશ્મીરમાં આતંકવાદી ઘૂસણખોરીને ઉત્તેજન આપનારી પાકિસ્તાની સેના ઇરાન અને અફઘાનિસ્તાન સીમા પર સ્થિત આતંકી જૂથો સામે કમજોર સાબિત થઈ રહી છે. પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં જ્યારે એર સ્ટ્રાકિ કરી ટીટીપીના ૧૮ આતંકીઓને મારવાનો દાવો કર્યો તો અફઘાનિસ્તાનમાં ટીટીપીએ બદલાની કાર્યવાહીનું એલાન કર્યું હતું. ત્યારબાદ આજે ૩૦ ડિસેમ્બરે ટીટીપીએ દાવો કર્યો કે તેણે પાકિસ્તાની મિલેટ્રી બેઝ પર કબ્જો કરી લીધો. હાલમાં આ ક્ષેત્રમાં પાકિસ્તાની સુરક્ષા દળોને નિશાનો બનાવનારી આતંકી ગતિવિધિઓમાં સતત વૃદિ્ઘ દેખાઈ રહી છે. જોકે પાકિસ્તાની મીડિયાએ એક વરિષ્ઠ સુરક્ષા અધિકારીા હવાલાથી જણાવ્યું છે કે આ મિલિટરી બેઝને થોડા સમય પહેલાં જ ખાલી કરી દીધું હતું અને અહીં સેનાના જવાનોની તૈનાતી ન હતી, તેને એક નવા અને મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ટ્રાન્સફર કરી દેવાયું હતું. પાકિસ્તાન અનુસાર ઉત્તરી અને દિક્ષણી વજીરીસ્તાનમાં પણ કેટલાક જૂના મિલીટરી બેઝ ખાલી કરીને સૈનિકોને નવા બેઝમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. સ્થિતિ જે હોય તે, પરંતુ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં યુદ્ઘ સ્તરનો તણાવ છે, પાકિસ્તાન બાંગ્લાદેશમાં ઇસ્લામિક કટ્ટર સંગઠનોને ઉત્તેજન આપીને ભારત વિરુદ્ઘ મોમેન્ટમ બનાવવા માટે પ્રયાસરત છે. જ્યારે કોઈ દેશનું વજૂદ જ બીજાને પરેશાન કરવાનું બની જાય તો તે પોતે પણ ક્યારેય શાંત ન રહી શકે. આર્થિક તંગીમાં ફસાયેલા પાકિસ્તાન માટે એકમાત્ર રસ્તો છે કે આતંકવાદને ખતમ કરીને નવેસરથી રાષ્ટ્રનિર્માણ કરે, નહિ તો આતંકવાદ અને ઇસ્લામિક કટ્ટરતા ભસ્માસુર બનતા રહેશે.