નવા વર્ષના આગમનની સાથે નવી આશાઓ જાગવી બહુ સ્વાભાવિક છે. જોકે ગયું વર્ષ અને તેના આગલાં કેટલાંક વર્ષ ભૂરાજકીય માળખામાં ઘણી હલચલ મચાવનારાં રહ્યાં, તેથી આ વર્ષ પાસેથી સૌૈથી મોટી આશા તો એ છે કે દુનિયામાં સ્થાયિત્વ અને સ્થિરતાનો ભાવ વધે. ગયા વર્ષનું સિંહાવલોકન કરીએ તો જોઇશું કે કેટલાય દેશોમાં ચૂંટણીને લઈને તખ્તાપલટના નામે રહેલું ૨૦૨૪નું વર્ષ મોટા ઉતાર-ચડાવનું રહ્યું. યુરોપથી માંડીને એશિયા અને દિક્ષણ અમેરિકાથી લઈને આફ્રિકા સુધી રાજકીય વર્ગ જનતાની અપેક્ષા પર ખરો નથી ઉતર્યો. કેટલાય વૈશ્વિક નેતાઓએ સાખના સંકટનો સામનો કરવો પડ્યો છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની નાટકીય રૂપે સત્તામાં વાપસી અને સીરિયામાં બશર અલ-અસદના દાયકાઓથી સ્થાપિત શાસનનું પતન જેવા અલગ-અલગ રાજકીય રંગોને જોતાં એ કહેવું ખોટું નહીં ગણાય કે વૈશ્વિક માળખા બીજા વિશ્વયુદ્ઘ બાદથી સૌથી નાજુક દોરમાંથી પસાર થઈ રહ્યા છે. એવામાં આ વર્ષ પાસે મોટી આશાઓ છે.
દુનિયાના અલગ-અલગ ખૂણા સંઘર્ષનાં મેદાન બન્યા છે. આ કોઈ છૂપી વાત નથી કે કોઈપણ યુદ્ઘની બહુ ભારે કિંમત ચૂકવવી પડે છે. રાજકીય, આર્થિક અને નૈતિક તમામ સ્તરો પર તેની અસર પડે છે. જે લોકો પ્રત્યક્ષ રૂપે યુદ્ઘનો હિસ્સો નથી હોતા, તે પણ કોઈને કોઈ રૂપે તેનાથી પ્રભાવિત થાય છે. વિકસિત દેશોમાં લાંબા સમયતી એ ધારણા સ્થાપિત થયેલી છે કે સુદૂર લડાતા યુદ્ઘોથી એમના પર કોઈ અસર નહીં પડે. ગયુ વર્ષ એ ધારણાને ધ્વસ્ત કરનારું સાબિત થયું. એવામાં સ્વાભાવિક છે કે સ્થાયિત્વ અને સ્થિરતા માટે આ વર્ષે કોઇ નવું ગણિત લડાવવું પડશે. તેની જરૂરિયાત એટલા માટે પણ વધી ગઈ છે, કારણ કે ભૂરાજકીય પ્રતિસ્પર્ધા નવેસરથી વધવી ચિંતાજનક છે. આ કડીમાં વિશેષ તો પશ્ચિમી લોકતાંત્રિક દેશોનો રશિયા-ચીન જેવી અધિનાયકવાદી શક્તિઓ સાથે સંઘર્ષ તો વધ્યો જ છે, યુરોપ અને પશ્ચિમ એશિયામાં યુદ્ઘના નવા મોરચા પણ બની ગયા છે. તેણે શીત યુદ્ઘ બાદ ઉદાર લોકતાંત્રિક સ્થાયિત્વ સાથે જોડાયેલા આશાવાદને પડકાર ફેંક્યો છે. આ વલણે વૈશ્વિક માળખાના નાજુક પાસાંને રેખાંકિત કરવાની સાથે જ પરસ્પર આર્થિક નિર્ભરતા અદ્ઘે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને પણ સવાલોના દાયરામાં ઊભી કરી દીધી છે. પારંપરિક સત્તા-શક્તિવાળી રાજનીતિની વાપસીએ એ જ દર્શાવ્યું છે કે વૈચારિક અને ભૂરાજકીય ટકરાવોની શક્યતા હજુ પણ યથાવત છે. આ એ રાજનીતિ છે જે સેના દ્વારા સીમાઓને નવેસરથી ખેંચવામાં વિશ્વાસ ધરાવે છે. ટેકનિકલ પ્રગતિ પણ સૈન્ય રણનીતિઓથી માંડીને યુદ્ઘ ક્ષેત્રોને મોટા પાયે પ્રભાવિત કરી રહી છે.
નવા વર્ષની શરૂઆત એવા સમયે થઈ છે, જ્યારે દુનિયા ભૂરાજકીય શક્તિના વિભિન્ન પાસાંને અનુરૂપ ઢળી રહી છે. યુક્રેન યુદ્ઘ, ઇઝરાયલ-હમાસ ટક્કર, મુખ્ય વેપારી સામુદ્રિક માર્ગો સમક્ષ પેદા થઈ રહેલ ખતરાથી માંડીને સ્વાભાવિક રૂપે ચીની પડકારો દુનિયાભરના નીતિ-નિર્માતાઓને પોતાની નૈયા પાર લગાવવા માટે નવા ચશ્માથી નીતિઓ બનાવવા તરફ વાળી રહી છે. વર્તમાન સ્થિતિઓ એવી છે, જે આર્થિક પાસાં દ્વારા વૈશ્વિક રાજનીતિને પ્રભઆવિત કરનારી અવધારણાને લઈને પુનર્વિચાર કરવા પર મજબૂર કરી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પનો ઉભાર એનો જ સંકેત છે, જે વૈશ્વીકરણના અસમાન ફાયદાનો રાગ આલાપી રહ્યા છે. તેમણે અમેરિકી રાજનીતિની ધારાને આ મુદ્દા દ્વારા નાટકીય રૂપે બદલી પણ નાખી. આર્થિક અને રણનીતિક મોરચે ટ્રમ્પનો પહેલો કાર્યકાળ બાકી વિશ્વ સાથે અમેરિકાની સક્રિયતા-ભાગીદારીના સ્તરને નવેસરથી નિર્ધારિત કરનારું રહ્યું હતું. અમેરિકી રાજનીતિનું આટલી હદે અંતર્મુખી થતા જવું બાકી વિશ્વ માટે એક ચેતવણીભરી ખતરાની ઘંટડી છે, જે વૈશ્વિક સુરક્ષાના મુખ્ય ગેરંટર તરીકે અમેરિકા પર હદથી વધારે નિર્ભર છે.