કેનેડાના એક પંચના રિપોર્ટે આખરે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું. મંગળવારે આવેલા આ રિપોર્ટમાં એ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું કે કેનેડામાં જૂન ૨૦૨૩માં થયેલ ખાલિસ્તાન સમર્થક આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં વિદેશી હાથના કોઈ પુરાવા નથી. કેનેડાના આ રિપોર્ટે વડાપ્રધાન જસ્ટિન ટહ્રડોના આરોપોને ખોટા સાબિત કરી દીધા છે, જેમાં તેમણે જૂન ૨૦૨૩માં હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં વિદેશી હાથનો આરોપ લગાવ્યો હતો. દેખીતું છે કે આ રિપોર્ટ બાદ કેનેડિયન વડાપ્રધાન ટહ્રડો ઊંધા મોંએ પછડાયા છે. એનો મતલબ છે કે એક આતંકીની હત્યા બાબતે ટહ્રડોએ રીતસર જૂઠ્ઠાણું જ ચલાવ્યે રાખ્યું. ટહ્રડોએ જ્યારે પોતાના દેશની સંસદમાં આ આરોપ લગાવ્યો હતો, ત્યારે પણ તેમના એ કૃત્યને બેજવાબદાર માનવામાં આવ્યું હતું. ભારતે આરોપોને જૂઠ્ઠા અને વાહિયાત ગણાવતાં તેમની પાસે પુરાવા માગ્યા હતા, જે તેઓ ક્યારેય આપી ન શક્યા. હવે તેમના જ દેશનો એક રિપોર્ટ જણાવે છે કે તેમનું એ નિવેદન સફેદ જૂઠ્ઠાણું હતું.
જસ્ટિન ટહ્રડોના જૂઠ્ઠા આરોપો બાદ સ્વાભાવિક જ બંને દેશોના સંબંધોમાં કડવાશ વ્યાપી ગઈ હતી. ભારતે ટહ્રડોના નિવેદનોને રાજનીતિથી પ્રેરિત ગણાવી દીધા હતા. પરંતુ ટહ્રડોનો ભારતનો આકરા વિરોધનું વલણ પણ ઘરેલુ રાજનીતિમાં તેમની ખાસ મદદ ન કરી શક્યો. આખરે તેમણે પોતાના પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરવી પડી. હવે નવા નેતા પસંદ થતાં સુધી તેઓ આ પદ પર રહી શકશે. હવે જ્યારે ખાલિસ્તાની આતંકી નિજ્જર હત્યાકાંડ સાથે જોડાયેલા કેનેડાના આરોપો બિલકુલ ફગાવી દેવાયા છે, ત્યારે ભારત વિરોધી તત્ત્વોને ખુલ્લી છૂટ આપવા મુદ્દે પણ નવેસરથી વાત થવી જોઇએ. ભારત પહેલેથી કહેતું આવ્યું છે કે કેનેડા અને અન્ય યુરોપીય દેશોમાં અભિવ્યક્તિની આઝાદીના નામ પર અલગતાવાદી તત્ત્વો જે પ્રકારની ભારત વિરોધી ગતિવિધિઓ ખુલ્લેઆમ ચલાવી રહ્યા છે, તેના પર પ્રભાવી રોક લગાવવાની જવાબદારી એ દેશોની છે. કેનેડા સરકારે તો એના પર કામ કરવું જ જોઇએ, સાથે જ અન્ય દેશોએ પણ આ પાસા પર ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે. કેનેડામાં આ જ વર્ષે ચૂંટણીઓ થવાની છે, તેથી બંને દેશો પાસે મોકો છે કે ભૂતકાળની ભૂલોને પાછળ છોડીને સંબંધોને પાટા પર લાવવાની નવેસરથી કોશિશ કરવામાં આવે. જો કેનેડા સરકાર પોતાની ભૂલ સમજતાં મહત્ત્વના મુદ્દાઓ પર પોતાના વલણમાં હકારાત્મક બદલાવ લાવે છે તો દ્વિપક્ષીય સંબંધોને બહેતર ભવિષ્ય આપવું મુશ્કેલ નહીં હોય.